પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ (જ. 1 જાન્યુઆરી 1910, કેશિયા, જિ. જામનગર; અ. 18 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી ફોટોકલાકાર. 1929માં વર્નેક્યુલર ફાઇનલ પાસ કર્યા પછી 1932થી બળવંત ભટ્ટ અને રવિશંકર રાવળ પાસે બૉક્સ-કૅમેરા વડે તાલીમ લેવી શરૂ કરી. 1936માં સુપર આઇકૉન્ટા, 1939માં રોલિફૅક્સ અને નિકોન કૅમેરા વડે તેઓ છબી પાડતા હતા.
તેમણે મુખ્યત્વે શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં કામ કર્યું છે. કળાની પરિભાષામાં તેમની ફોટોગ્રાફીનો પ્રકાર ચિત્રાત્મક (pictorial) શૈલીનો કહેવાય છે. આ કળાપ્રકાર ભાવનાની નાજુક, મનોરમ અભિવ્યક્તિ પર ભાર મૂકે છે અને સૌંદર્યને અગ્રિમ સ્થાન આપે છે. આથી આ પ્રકારની ફોટોગ્રાફી જનસામાન્ય માટે આસ્વાદ્ય બને છે. પ્રાણલાલ પટેલ ગુજરાતમાં અને દેશ-વિદેશોનાં અનેક લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સામયિકોમાં તથા પ્રદર્શનોમાં વ્યાપક પ્રચાર પામ્યા હતા તે આ જ કારણે. તેમણે ભારતના ગ્રામજીવનને, તેની ઐતિહાસિક ઇમારતોને, તેના પ્રકૃતિસૌંદર્યને પોતાની છબીકળામાં ઉતારીને 1933થી 1989 સુધીના પાંચ દાયકા દરમિયાન રાષ્ટ્રીય ક્ષેત્રે અને 1942, 1964, 1966 અને 1976માં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક ઇનામો મેળવ્યાં છે. 2013-14માં અમેરિકા ખાતે ન્યૂયૉર્ક સ્ટેટમાં હેમિન્ટન કૉલેજમાં તેમના ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાયું હતું.
ગુજરાતમાં અનેક સ્થળે તેમજ મુંબઈ, મૈસૂર, કૉલકાતા, સિંગાપુર, મલેશિયામાં વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રદર્શનોમાં તેમની છબીઓ પ્રદર્શિત થઈ છે. તેમણે 1945માં અમદાવાદના મંગળદાસ ટાઉનહૉલની સામે ‘પટેલ ફોટો સ્ટુડિયો’ કર્યો. લાંબી કારકિર્દી દરમિયાન તેમણે પણ અનેક ફોટોગ્રાફરો તૈયાર કર્યા. 1939માં અમદાવાદમાં ‘નિહારિકા ક્લબ ઑવ્ ફોટોગ્રાફી’ની અને 1980માં અમદાવાદમાં ‘કૅમેરા ક્લબ ઑવ્ કર્ણાવતી’ની સ્થાપના કરી ફોટોગ્રાફીના શિક્ષણ અને પ્રસારને સુયોજિત સંસ્થાકીય સ્વરૂપ બક્ષ્યું. તેમને 1990માં ગુજરાત સરકારે ‘ગૌરવ પુરસ્કાર’થી નવાજ્યા હતા. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે 2011માં તેમનું ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ’થી સન્માન કર્યું હતું. 2013માં મહુવા નજીક તલગાજરડા ખાતે યોજાયેલા ‘અસ્મિતા પર્વ’માં મોરારિબાપુએ તેમનું ‘કૈલાશ કલા ઍવૉર્ડ’ થી સન્માન કર્યું હતું.
પ્રાણલાલભાઈને મળેલા બીજા અગત્યના ઍવૉર્ડ : ફોટો કલા ક્લબ (અમરેલી) (2005), ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ફોટોગ્રાફી કન્વેશન (2010), ફેડરેશન ઑવ્ સિનિયર ફોટોગ્રાફર (2010), ‘નિહારિકા’ ધ સોસાયટી ઑવ્ ગુજરાત પિક્ટોસિયા લીસ ઍવૉર્ડ (2011), ભારત સરકારની મિનિસ્ટ્રી ઑવ્ ઇન્ફોર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગનો ફોટો ડિવિઝન ઍવૉર્ડ (2011), ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર, રાજકોટનો ઍવૉર્ડ (2011), સંસ્કાર ધામ ઍવૉર્ડ (2011), સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયા (2012), રોટરી ક્લબ ઑવ્ કાંકરિયા (2012), નીલકંઠ પતંગનગર પ્રતિભા ઍવૉર્ડ (2012), શ્રીમતી વી. એમ. મોદી એજ્યુકેશનલ ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો માનવ પ્રતિષ્ઠાન ઍવૉર્ડ (2012), કૈલાસ લલિત કલા ઍવૉર્ડ (પૂ. શ્રી મોરારીબાપુ, તલગાજરડા) (2013), રાજકોટ ફોટોગ્રાફર્સ ઍસોસિયેશન ઍવૉર્ડ (2013).
અમિતાભ મડિયા
રમેશ ઠાકર