પટેલ, નાગજી (. 1 એપ્રિલ 1937, જૂની જિથરડી, તા. કરજણ) : ગુજરાતના શિલ્પી. 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી શિલ્પકળાના વિષય સાથે અનુસ્નાતક થયા. 1962-64 દરમિયાન ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયની શિષ્યવૃત્તિ મેળવી વિવિધ પ્રદેશોના પથ્થરની ગુણવિશેષતાની જાણકારી મેળવી તેમજ શિલ્પકૃતિઓ તૈયાર કરી. 1976થી 1978 દરમિયાન ભારત સરકારના એ જ મંત્રાલયની સાંસ્કૃતિક ફેલોશિપ મેળવી.

નાગજી પટેલ

લલિત કલા અકાદમી, નવી દિલ્હી (1968), કર્ણાટક રાજ્ય અકાદમી (1974), કસૌલી આર્ટ સેન્ટર (1976), ગુજરાત લલિત કલા અકાદમી (1977), ભારત ભવન (1982), ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ (1988), બૉમ્બે આર્ટ સોસાયટી (1989), ઇન્ટરનેશનલ સ્ટોનક્રાફ્ટ, તેમજ તેમણે જાપાન (1991), યુગોસ્લાવિયા અને ભારતનાં અનેક સ્થળોના શિલ્પશિબિરો તથા પરિસંવાદોમાં ભાગ લીધો છે.

વૈયક્તિક પ્રદર્શન, મુંબઈ (1965), રાષ્ટ્રીય પ્રદર્શન, નવી દિલ્હી (1961), નવમું દ્વિવાર્ષિક પ્રદર્શન, બ્રાઝિલ (1967) તથા મુંબઈ, દિલ્હી, અમદાવાદ ખાતેનાં સમૂહ પ્રદર્શનો (1972 તથા 1974), ત્રીજું તથા પાંચમું ત્રિવાર્ષિક પ્રદર્શન (1975 તથા 1982), બારમું દ્વિવાર્ષિક પ્રદર્શન, બેલ્જિયમ (1975), કન્ટેમ્પરરી એશિયન આર્ટ ફેસ્ટિવલ, જાપાન (1979 તથા 1990), ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, લંડન (1992), ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઑવ્ આર્ટ, બગદાદ (1986), ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, જાપાન (1988) તથા ઑલિમ્પિક પાર્ક, કોરિયા (1988) જેવાં સ્થળોએ તેમની કૃતિઓ પ્રદર્શિત થયેલી. 1984થી 1991 દરમિયાન આઇ.પી.સી.એલ.ના ઉપક્રમે તેમણે અનેક કાર્યશાળાઓ તથા શિબિરો યોજી નવોદિત કલાકારોને પ્રોત્સાહન તથા તાલીમ આપ્યાં હતાં.

તેમને મળેલાં માન-સન્માનમાં મુંબઈ રાજ્ય કલાપ્રદર્શનનો ઍવૉર્ડ (1960), નૅશનલ ઍવૉર્ડ (1961 તથા ’76) તથા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ઍવૉર્ડ (1962, 1963 તથા 1964) ઉલ્લેખનીય છે. તેમણે વડોદરા ઉપરાંત યુગોસ્લાવિયા, કોરિયા તથા જાપાન ખાતે મહાકાય શિલ્પોનું નિર્માણ કર્યું છે.

નવી દિલ્હી ખાતે યોજાયેલા ચોથા ત્રિવાર્ષિક પ્રદર્શન માટે કમિશનર તરીકેની કામગીરી બજાવેલી. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ, બૉમ્બે આર્ટ સોસાયટી તથા રાષ્ટ્રીય પ્રદર્શનની કામગીરીમાં પણ તેમનું પ્રદાન રહ્યું છે. અભ્યાસ તથા પ્રદર્શન નિમિત્તે તેમણે વ્યાપક વિદેશપ્રવાસ કર્યો છે.

નવી દિલ્હી, બૅંગાલુરુ તથા ગાંધીનગર ખાતેની લલિત કલા અકાદમી, નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી; રૂપાંકર મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ, ભોપાળ; જ્યોતિ લિમિટેડ, વડોદરા, મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ, ચંડીગઢ તથા ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિમિટેડ, વડોદરા જેવી સંસ્થાઓ ઉપરાંત દેશ-વિદેશના ખાનગી કલાસંગ્રહોમાં તેમની કૃતિઓ સ્થાન પામી છે.

1998માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તરફથી તેમનું બહુમાન કરાયું છે.

મહેશ ચોકસી