પટેલ, નરસિંહભાઈ કલ્યાણદાસ (. 5 માર્ચ 1926, રણુંજ, જિ. પાટણ; . 21 માર્ચ 2010, અમદાવાદ) : તાંત્રિક શિક્ષણની ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા ભારતમાં પ્લાસ્ટિકયુગનો આરંભ કરનાર પ્રખર પુરુષાર્થવાદી, યુવા ટૅક્નોક્રૅટના સાચા સાહસિક રાહબર. માતા મેનાંબહેન. 1944માં રાઈબહેન સાથે લગ્ન થયું. પ્રાથમિક શિક્ષણ વતનમાં. માધ્યમિક સર્વવિદ્યાલય કડીમાં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ નંબરે પાસ. ઉચ્ચશિક્ષણ વડોદરા અને પછીથી પુણેમાં. મિકૅનિકલ ઍન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિગ્રી મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ નંબરે પાસ કરી – 1948.

મુંબઈની મહીન્દ્ર ઍન્ડ મહીન્દ્ર કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરીનો 1949માં આરંભ. પછી ‘ગ્રીવ્સ કૉટન ઍન્ડ કંપની’માં જોડાયા. બીજા જ વર્ષે ‘ટાટા ઍન્ડોમેન્ટ’ શિષ્યવૃત્તિ મેળવી. ‘ગ્રીવ્સ કૉટન’ની સ્પૉન્સરશિપથી ઇંગ્લૅન્ડની ‘રસ્ટન ઍન્ડ હૉર્ન્સબી’ ડીઝલ-એન્જિન બનાવતી મોટી કંપનીમાં ગ્રૅજ્યુએટ ટ્રેઇની તરીકે સ્ટાઇપેન્ડ સાથે દાખલ થયા. સાથે સાથે લંડન યુનિવર્સિટીની બી. એસસી. મિકૅનિકલ ઑનર્સ ડિગ્રી સુવર્ણચંદ્રક સાથે પ્રથમ કક્ષામાં મેળવી. 1953માં સ્વદેશ પરત આવી ‘ગ્રીવ્સ કૉટન’માં સિનિયર ઑફિસર તરીકે અને પાછળથી સેલ્સ ઍન્ડ સર્વિસ ખાતામાં મૅનેજર તરીકે પ્રશંસનીય ફરજ બજાવી હતી.

નરસિંહભાઈ પુરુષાર્થવાદી હોઈ પોતાના પગ પર ઊભા રહી દેશના વિકાસમાં ફાળો આપવો એ એમનું લક્ષ્ય. લક્ષ્યને આંબવા પ્લાસ્ટિક્સની આધુનિક મશીનરી, ઑટોમેટિક અને ટૅક્નિકલ દૃષ્ટિએ એડવાન્સ એવાં ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનો, પ્લાસ્ટિક્સમાંથી પ્રોસેસિંગ દ્વારા વસ્તુઓ અને પુરજા બનાવવા વિચાર્યું અને 1963માં અનુજ ત્રિભોવનભાઈ અને અન્ય વેપારી મિત્રો સાથે મળી ઇંગ્લૅન્ડની ત્યારની વિખ્યાત કંપની ‘જી. કે. એન. મલ્ટિનેશનલ’ની એક કંપની આર. એચ. વિંડસર સાથે આર્થિક અને ટૅક્નિકલ કૉલેબોરેશન સાથે મહારાષ્ટ્રના થાણામાં ઑટોમેટિક ઇન્જેક્શન મશીનોની ફૅક્ટરીનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર વસંતરાવ નાઇકના વરદહસ્તે કેન્દ્રીય મંત્રી રઘુ રામૈયાની ઉપસ્થિતિમાં કર્યું હતું. આધુનિક ટૅક્નૉલૉજીવાળાં બહુ જ પ્રિસિઝન અને એક્યુરેટ મશીનોનાં ઉત્પાદનનો ભારતમાં આરંભ થયો અને તે પણ એક મધ્યમ કક્ષાના સાહસ-સ્વરૂપે એક ટૅક્નોક્રૅટની યોજના અને દૃષ્ટિ પ્રમાણેનો.

ભારતના પ્લાસ્ટિક્સ ઉદ્યોગ અને પ્લાસ્ટિક્સ પ્રોસેસિંગ મશીનોના વિકાસમાં નરસિંહભાઈએ અગ્રેસર ભાગ ભજવ્યો હતો. ઉદ્યોગની જરૂરિયાત પ્રમાણેનાં વિશ્વકક્ષાનાં મશીનો 800 ટનની ક્ષમતા સુધીનાં ફર્નિચર, ઉત્પાદનમાં જરૂરી મોટાં મશીનો વપરાશ અને નિકાસ માટે બનાવ્યાં. પ્લાસ્ટિક્સની પાઇપો, ફિલ્મ, રફિયાટેપ વગેરેના ઉત્પાદન માટે એક્સસ્ટ્રૂઝન મશીન, તેની ડાઇઓ અને બીજી પ્રક્રિયાની વિશ્વકક્ષાની મશીનરી પ્રથમ વાર જ ભારતમાં વિકસાવી. આ ઉપરાંત બાટલીઓ, કન્ટેનરો માટે બ્લોમોલ્ડિંગ મશીનો, રબર માટેનાં ઇન્જેક્શન-મશીનો પણ બનાવ્યાં. ટૂંકમાં ભારતમાં પ્લાસ્ટિક્સ યુગના તેમણે શ્રીગણેશ કર્યા. તેમણે આ ક્ષેત્રે રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ખાતું શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં એન્જિનિયરોને તાલીમ માટે વિદેશોમાં મોકલ્યા. નાનામોટા ઘણા ઉદ્યોગો ઊભા કર્યા. આમ પ્લાસ્ટિક્સ ઉદ્યોગના  ભારતના નરસિંહભાઈ પાયોનિયર બન્યા. ગુજરાતમાં પ્રથમ વાર વટવા અને છત્રાલ જી. આઇ. ડી. સી.માં તેમણે પ્લાસ્ટિક્સ મશીનરીના આધુનિક મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખ્યા.

થાણા મૅન્યુફેક્ચરિંગ ઍસોસિયેશન મહારાષ્ટ્ર તરફથી લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ નરસિંહભાઈને એનાયત થયો. ગવર્નમેન્ટ ડિરેક્ટર ઑવ્ ટૅક્નિકલ ડેવલપમેન્ટની ગવર્નિંગ કાઉન્સિલમાં પ્લાસ્ટિક ઉદ્યોગની પૅનલના ચૅરમૅન તરીકે ઉત્તમ સેવાઓ આપી છે. એન્જિનિયરિંગ એક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલમાં સભ્ય તરીકે તેમણે સુંદર કામગીરી બજાવી અને પોતાની ક્લોકનર વિંડસર કંપની દ્વારા ઘણાં મશીનો આફ્રિકાના દેશો, યુરોપના કેટલાક દેશો અને રશિયા વગેરેમાં મોટા પાયા પર એક્સપૉર્ટ કરી ઘણા ઍવૉર્ડ મેળવ્યા હતા. ઇન્ડિયન પ્લાસ્ટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅનપદે સતત ત્રણ વર્ષ રહી તેમણે ઉમદા સેવાઓ આપી હતી. ‘પ્લાસ્ટ ઇન્ડિયા’ નામની ટોચની સંસ્થામાં ગતિશીલ પ્રેસિડેન્ટ તરીકે તેમણે ત્રણ વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું.

ભારતનો પ્લાસ્ટિક્સ ઉદ્યોગ વિશ્વ પ્લાસ્ટિક્સ ઉદ્યોગનો ભાગ બને એ માટે પ્લાસ્ટિક્સનાં વિશ્વભરમાં કામ કરતાં જુદાં જુદાં ઍસોસિયેશનો સાથે જોડાણ સાધી સંયુક્ત કામ કરવાની વ્યવસ્થા, માહિતીની આપ-લે વગેરે પહેલી જ વાર ભારતકક્ષાએ શરૂ કરી અને ત્રણ વર્ષના કાર્યકાળમાં પ્લાસ્ટિક્સ ઉદ્યોગ માટેનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું દિલ્હીના પ્રગતિ મેદાનમાં ‘પ્લાસ્ટ ઇન્ડિયા 1997’ નામે મોટું ઔદ્યોગિક પ્રદર્શન સફળતાપૂર્વક ગોઠવ્યું. આ પ્રદર્શનમાં લગભગ 450 વિદેશી અને 700 જેટલી ભારતીય કંપનીઓએ હિસ્સો લીધો હતો અને આમ પ્લાસ્ટિક્સ ઉદ્યોગની ભવ્યતાનાં જાહેર જનતાને દર્શન કરાવ્યાં. પ્લાસ્ટિક્સ ઉદ્યોગ માટે માનવવિકાસની યોજનાઓ ઘડી અને સરકાર સાથે વાટાઘાટ કરી ઉદ્યોગના ઑપરેટરો માટે મોટી સંખ્યામાં આઇ. ટી. આઇ. સંસ્થાઓમાં પ્લાસ્ટિક્સ ઉદ્યોગના વિષયો દાખલ કર્યા અને આમ નોકરી અને કારકિર્દીની ઉત્તમ તકો ઊભી કરી.

ઉદ્યોગને વેગ આપવા નરસિંહભાઈ અને તેમના સુપુત્ર મહેન્દ્રભાઈ સાથે ‘મમતા ગ્રૂપ ઑવ્ ઇન્ડસ્ટ્રીઝ’ની આઠેક કંપનીઓ ઊભી કરી તેના તેઓ ચૅરમૅન ઍમેરિટ્સ (માનાર્હ) રહ્યા. જેનું સઘળું સંચાલન અને વિકાસ ઉચ્ચ ટૅક્નિકલ શિક્ષણ પામેલા તેમના સુપુત્ર મહેન્દ્રભાઈ અત્યારે સંભાળે છે. છેલ્લાં આઠ વર્ષથી મુંબઈ છોડી નરસિંહભાઈ અમદાવાદમાં સ્થિર થયા છે. શિક્ષણ અને તે દ્વારા સમાજસેવાના ઉમદા કાર્યમાં તેઓ તન, મન અને ધનથી કાર્યરત છે. કડી સર્વવિદ્યાલય પોતાની માતૃસંસ્થાના જમણા હાથ બની રહ્યા છે. તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૈકીના એક હતા.

શંકરલાલ વ્યાસ