પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ (જ. 13 ઑક્ટોબર 1874, નાર, જિ. ખેડા; અ. 17 ઑક્ટોબર 1945, સોજિત્રા, જિ. ખેડા) : ગુજરાતના ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય-સૈનિક, સમાજસુધારક, પત્રકાર. જન્મ ગરીબ પાટીદાર કુટુંબમાં. સોજિત્રામાં પ્રાથમિક અને વડોદરામાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. 1895માં વડોદરાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને માસિક રૂ. 20/-ના પગારથી શિક્ષક તરીકે વડોદરા રાજ્યની સેવામાં જોડાયા. તે દરમિયાન તેઓ ‘શિક્ષક’ નામનું સામયિક ચલાવતા. તેમાં આવતા શિક્ષણ વિશેના તેમના વિચારોથી તેઓ જાણીતા થયા. વડોદરામાં નવરાશના સમયમાં તેમણે બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો. અરવિંદ ઘોષના ભાઈ બારીન્દ્ર ઘોષે લખેલ ‘મુક્તિ કોન પથે’ પુસ્તકનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો. અરવિંદ ઘોષનાં કેટલાંક રાજદ્રોહી પ્રવચનોના પણ તેમણે ગુજરાતીમાં અનુવાદો કર્યા. ઇટાલીના પ્રસિદ્ધ દેશભક્ત અને ક્રાંતિકારી ગૅરિબાલ્ડીના જીવનમાંથી તેમણે પ્રેરણા મેળવી હતી. તેના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો હતો. તેમણે બૉંબ બનાવવાની રીતો સમજાવતી પુસ્તિકાઓ ગુપ્ત રીતે એક પ્રેસમાં છપાવી તેમને ‘વનસ્પતિની દવાઓ’, ‘નાહવાના સાબુ’, ‘કિસ્સાએ ગુલાબ’, ‘કસરત’, ‘કાયદાનો સંગ્રહ’ જેવાં શીર્ષક આપ્યાં; જેથી પોલીસ ગેરમાર્ગે દોરાય. એ પુસ્તિકાઓ પછી ગુજરાતમાં ગુપ્ત રીતે વહેંચવામાં પણ આવી. આ રાજદ્રોહી સાહિત્ય કોણ પ્રગટ કરે છે તે શોધવું બ્રિટિશ સરકાર માટે અઘરું કામ હતું; પરંતુ છેવટે ગુનાશોધક પોલીસે નવસારીના કૂવામાં ફેંકી દીધેલાં તે પુસ્તિકાનાં બંડલો શોધી કાઢ્યાં. મુંબઈ સરકારના દબાણથી વડોદરા રાજ્યની સરકારે નરસિંહભાઈ અને તેમના સાથીદાર મોહનલાલ કામેશ્વર પંડ્યાને રાજ્યની નોકરીમાંથી બરતરફ કરવા પડ્યા. નરસિંહભાઈને રાજ્યમાંથી હદપાર કરવામાં આવ્યા. આ દરમિયાન ખેડાના વકીલ પૂંજાભાઈ ભટ્ટના કેસમાં ખોટી જુબાની આપવાના આરોપ હેઠળ નરસિંહભાઈને બે મહિનાની કેદની સજા કરીને જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાંથી છૂટ્યા બાદ તેમને જાણવા મળ્યું કે પોતાની ફરી વાર ધરપકડ કરીને આંદામાનના ટાપુ પર કાળા પાણીની સજા ભોગવવા મોકલવાની સરકારે યોજના ઘડી છે. તેથી પોતાના શુભેચ્છકોની ગુપ્ત વેશે નાસી જવાની સલાહ માની, તેઓ દાઢી રાખી યુરોપીય વેશમાં ફ્રેન્ચ વસાહત પુદુચેરી પહોંચી ગયા. ત્યાં પણ બ્રિટિશ પોલીસ પાછળ પડી હોવાથી, તેઓ કોલંબો (શ્રીલંકા) થઈને માર્ચ, 1913માં મૉમ્બાસા (કેન્યા) પહોંચ્યા. આ દરમિયાન બ્રિટિશ પોલીસે તેમની ભાળ મેળવી હોવાથી પૂર્વ આફ્રિકામાં જર્મન સત્તા હેઠળના મવાન્ઝા ગયા. અગાઉ સમુદ્રની સફરમાં તેમને અસ્થમા થયો હતો અને તે પછી ‘બ્લૅક ફીવર’ની બીમારી પણ થઈ હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા (1918) બાદ તેઓ ઝિંઝા (યુગાન્ડા) ગયા. ત્યાં ગાંધીજીના ચાહક ચાર્લ્સ ઍન્ડ્રૂઝના સંપર્કમાં આવ્યા. તેમના પ્રવાસમાં સાથે રહી, ભારતીયોની સ્થિતિની તપાસ કરવામાં તેમણે ઍન્ડ્રૂઝને સહાય કરી. ઍન્ડ્રૂઝ તેમના મિત્ર બની ગયા. તેઓ બંને સાથે ભારત આવ્યા. નરસિંહભાઈ શાંતિનિકેતનમાં અધ્યાપક તરીકે જોડાયા; પરંતુ બંગાળનાં હવાપાણી તેમને અનુકૂળ નહોતાં તથા તેમની સામેની તપાસ અને કાર્યવહી પોલીસે ફાઈલ કરી હોવાથી, ગુજરાતમાં આવવાનો ભય નહોતો. તેથી નરસિંહભાઈ આણંદ ગયા અને 1923માં ત્યાં ‘પાટીદાર’ માસિક શરૂ કર્યું. તેમાં લેખો દ્વારા સમાજસુધારાની વખતોવખત હિમાયત કરવામાં આવતી. સુધારાની બાબતમાં તેઓ ઉદ્દામ વિચારો ધરાવતા હતા. મોટી ઉંમરના પુરુષોનાં લગ્ન નાની છોકરીઓ સાથે કરવાના તથા દહેજની પ્રથાના તેઓ સખત વિરોધી અને સ્ત્રી-સ્વાતંત્ર્ય તથા સ્ત્રીઓની સમાનતાના તેઓ પ્રખર હિમાયતી હતા. ‘પાટીદાર’ માસિક તેમણે એકલે હાથે, અનેક મુશ્કેલીઓનો સામનો કરીને 21 વર્ષ ચલાવ્યું. તેમણે ‘પાટીદાર યુવક મંડળ’, ‘પાટીદાર ભગિની મંડળ’ જેવી સંસ્થાઓ સ્થાપીને તેમને માર્ગદર્શન આપ્યું. તેઓ ભગવાનમાં માનતા નહોતા; પરંતુ નીતિ, માનવતા તથા અધ્યાત્મમાં વિશ્વાસ ધરાવતા હતા.
ગાંધીજીએ માર્ચ 1930માં દાંડીકૂચ કરી ત્યારે નરસિંહભાઈએ આણંદમાં તેમનું સ્વાગત કર્યું અને નાપાડ સુધી તેમની સાથે ગયા. આ ચળવળમાં પોતાના કુટુંબનાં સભ્યો સહિત તેમણે ભાગ લીધો, ધરપકડ વહોરી અને પોતે છ માસની કેદની સજા પણ ભોગવી. તેમણે ‘ઈશ્વરનો ઇન્કાર’ અને ‘લગ્નનો પ્રપંચ’ પુસ્તકો લખ્યાં છે. વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં તથા હરિજન સંઘની પ્રવૃત્તિમાં તેમનો સક્રિય ફાળો હતો.
મંગુભાઈ રા. પટેલ