પટેલ, ડૉ. તેજસ (જ. 17 એપ્રિલ, 1963, અમદાવાદ) : ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ તથા અમદાવાદની પ્રસિદ્ધ એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ. ભારતમાં ટ્રાન્સરેડિયલ એન્જિયોપ્લાસ્ટીના પથપ્રદર્શક. તબીબીક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રદાન બદલ 2024માં ભારત સરકારનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકીના એક પહ્મભૂષણથી સન્માનિત. વર્ષ 2015માં પદ્મશ્રી પુરસ્કારવિજેતા.
મધુસૂદન રામભાઈ અને મૃદુલાબહેન મધુસૂદન પટેલના પુત્ર તેજસે 1985માં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસની ડિગ્રી પ્રથમ રૅન્ક અને ગોલ્ડ મેડલ સાથે મેળવી. 1988માં એ જ કૉલેજમાંથી ઇન્ટરનલ મેડિસિનમાં એમડીની અને 1991માં કાર્ડિયોલૉજીમાં એમડીની ડિગ્રી મેળવી. 1991માં બી. જે. મેડિકલ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરી અને 1997માં ઍસોશિએટ પ્રોફેસર તરીકે પ્રમોશન મળ્યું. વર્ષ 2000માં ક્રિષ્ના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં ડાયરેક્ટર અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ તરીકે જોડાયા.
વર્ષ 2004માં બે વર્ષ માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ્સમાં જોડાયા. વર્ષ 2006માં ટીસીવીએસમાં જોડાયા, જેનું નામ વર્ષ 2012માં બદલીને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ કર્યું. હાલ તેના ચૅરમૅન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ છે. વર્ષ 2018માં એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ડૉ. તેજસ પટેલ અને તેમની ટીમે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજીના ક્ષેત્રમાં ઇતિહાસ સર્જી દીધો. દર્દીના સ્થાનથી 32 કિલોમીટર દૂર ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરમાંથી દુનિયાની પ્રથમ ટેલિરોબૉટિક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી કરી.
ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજી એટલે હૃદય અને રક્તવાહિનીઓની સારવાર માટે ઓપન હાર્ટ સર્જરીને બદલે કેથેટર-આધારિત સર્જરી, જેમાં ઓછામાં ઓછી શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. આ સર્જરીમાં નિષ્ણાત ડૉ. પટેલે ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેનસન્સ, રોબૉટિક પીસીઆઈ અને ડિસ્ટન્ટ ટેલિરોબૉટિક પીસીઆઈમાં પોતાના અભિનવ કામ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે. આ ટૅક્નૉલૉજીનો પ્રચાર કરવામાં તેમની પ્રતિબદ્ધતાનો મહત્ત્વપૂર્ણ પ્રભાવ એશિયા, યુરોપ અને અમેરિકન દેશો પર પડ્યો છે.
એક સાચા શિક્ષક તરીકે ભારત અને અન્ય દેશોના 8000થી વધારે હૃદયરોગ નિષ્ણાતોને તાલીમ આપી છે. આ માટે ટ્રાઇકો નામનો આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ વિકસાવ્યો છે, જે ટ્રાન્સરેડિયલ ટૅક્નિકો પર આધારિત છે. તેઓ તેનું સંચાલન 18 વર્ષથી કરે છે. ‘પટેલ્સ એટલાસ ઑફ ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્શનઃ ધ બેસિક્સ,’ ‘પટેલ્સ એટલાસ ઑફ ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્શનઃ ધ બેસિક્સ ઍન્ડ બિયૉન્ડ’ અને ‘પટેલ્સ એટલાસ ઑફ કૉમ્પ્લિકેશન્સ ઑફ કોરોનરી ઇન્ટરવેન્શન્સઃ પ્લાન-બી’ નામનાં ત્રણ પ્રભાવશાળી પુસ્તકો તેમણે લખ્યાં છે, જે તમામ આ ક્ષેત્રમાં મૌલિક પુસ્તકો ગણાય છે.
સંશોધન ક્ષેત્રમાં પણ ડૉ. પટેલનું પ્રદાન પ્રભાવશાળી છે. 333 રચનાઓ પ્રકાશિત થઈ છે, જેમાં ત્રણ પાઠ્યપુસ્તકો, વિવિધ પાઠ્યપુસ્તકોમાં 24 પ્રકરણ, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં 198 મૌલિક લેખ અને પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં 108 ઍબ્સ્ટ્રેક્ટ સામેલ છે. અમેરિકાની એક મુખ્ય આંતરરાષ્ટ્રીય સોસાયટી, સોસાયટી ફૉર કાર્ડિયાક એન્જિયોગ્રાફી ઍન્ડ ઇન્ટરવેન્શન (એસસીએઆઈ) માટે ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્શન ટૅક્નિકો પર વ્હાઇટ પેપરના લેખકોમાં પણ ડૉ. પટેલ સામેલ છે. ઉપરાંત, દુનિયાભરમાં પ્રયોગ થતા કેથેટર (પીએએપીએ કેથેટર અને વીએએસઓ કેથેટર) બનાવ્યાં છે.
વર્ષ 2018ની શરૂઆતમાં એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમેરિકાની બહાર પ્રથમ હૉસ્પિટલ બની હતી, જેણે 1.5 મિલિયન ડૉલરમાં કોરિન્ડસ કોર્પથ વાસ્ક્યુલર રોબૉટિક સિસ્ટમ જીઆરએક્સ200 ખરીદીને રોબૉટિક એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ સર્જરી શરૂ કરી હતી.
ડૉ. પટેલને દેશવિદેશમાં અનેક સન્માન પ્રાપ્ત થયાં છે. 2005થી તેઓ ઇન્ડિયન કાર્ડિયોલૉજિકલ સોસાયટી(એફસીએસઆઈ)ના ફેલો છે. 2003થી અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલૉજી(એફએસીસી)ના ફેલો છે. 2005થી યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલૉજી(એફઈએસસી)ના ફેલો છે. હૃદયરોગના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા પ્રદાન કરીને તેમને 2002માં ડૉ. કે. એમ. શરણ કાર્ડિયોલૉજી ઉત્કૃષ્ટતા પુરસ્કાર, 2008માં ભારતમાં તત્કાલીન માનનીય રાષ્ટ્રપતિએ ડૉ. બી. સી. રૉય પુરસ્કાર અને 2015માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યા છે.
કેયૂર કોટક
