પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ (. 3 એપ્રિલ 1920, સુણાવ, ખેડા; . 14 ઑગસ્ટ 2008, લંડન) : લંડનનિવાસી ગુજરાતી કવિ અને સમાજસેવક. તખલ્લુસ ‘દિનુ-દિનેશ’. સુણાવની રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કર્યો. ઇંગ્લૅન્ડ જઈ આગળ અભ્યાસ કરી 1948માં લિંકન ઇનના બૅરિસ્ટર થયા. ત્યારબાદ કમ્પાલા(યુગાન્ડા)માં વકીલાત શરૂ કરી. સાથોસાથ અનેક જાહેર સંસ્થાઓ મારફત સમાજસેવા કરી યુગાન્ડાની પ્રજાના આદર અને વિશ્વાસ મેળવી શક્યા. તેમણે યુગાન્ડામાં સાહિત્યગોષ્ઠિના કાર્યક્રમ સાથે અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. તેમની લોકસેવા અને ખ્યાતિના પરિણામે તેઓ યુગાન્ડા પાર્લમેન્ટની બંને ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને વિરોધપક્ષના ‘છાયા પ્રધાનમંડળ’માં ન્યાય ખાતાના પ્રધાન તરીકે નિયુક્ત થયા. યુગાન્ડાના હાકેમ ઈદી અમીનની જુલમી નીતિને પડકારવાથી તેમની ધરપકડ કરાઈ હતી, પરંતુ સમજવાળા લશ્કરી અફસરોએ પાછળથી તેમને સન્માનપૂર્વક છોડી મૂક્યા હતા. યુગાન્ડામાંથી ભારતવાસીઓની હિજરત વખતે તેઓ 1972માં લંડનમાં સ્થાયી થયા. ત્યાં યુગાન્ડા ઈવેક્યૂઇ ઍસોસિયેશનની સ્થાપના કરી હજારો નિર્વાસિતોને થાળે પાડવામાં સહાય કરી. તે સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે ઘણાં વર્ષો સેવા બજાવી. ત્યારપછી યુગાન્ડાના નિર્વાસિતોના રીસેટલમેન્ટ એડવાઇઝરી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી.

ડાહ્યાભાઈ આશાભાઈ પટેલ

લંડનમાં તેમણે ગુજરાતી સાહિત્ય એકૅડેમી, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્થાપી સાહિત્યિક-સામાજિક સેવાનું કાર્ય ચાલુ રાખ્યું. તેઓ ગાંધીજીની મહાનતા વિશે ભક્તિભાવભર્યો આદર ધરાવતા હતા. ગાંધીજીના જીવન પર ‘મોહન ગાંધી મહાકાવ્ય’ નામે અનેક કાવ્યગ્રંથોમાં વિસ્તરેલું દીર્ઘ પ્રશસ્તિ-કાવ્ય લખ્યું છે, જે તેમનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે. ઉપરાંત ‘ઉદયપર્વ’, ‘પ્રભાતપર્વ’, ‘વસંતપર્વ’ માં એમનો નોંધપાત્ર પ્રયાસ જોઈ શકાય છે.

તેમણે કવિતા, નવલિકા, નવલકથા, નાટક વગેરે મળીને ગુજરાતીમાં 40 કૃતિઓ રચી છે. ‘અંકુર’, ‘કાવ્યપરિમલ’, ‘સ્ફુરણા’ તથા ‘દર્દીલ ઝરણાં’ એમના અન્ય કાવ્યગ્રંથો છે. એમની કવિતા પ્રણયભાવના નિરૂપણ કરતાં ગીત-ગઝલ રૂપે મળી છે. તો ‘વનની વાટે’, ‘અંતિમ આલિંગન’, ‘ઉષા અને અરુણ’, ‘અનુરાગ અને  ઉત્થાન’ તથા ‘તિમિરનું તેજ’ જેવી નવલકથાઓ એમણે આપી છે. વાર્તાસંગ્રહમાં ‘છેલ્લો અભિનય’, ‘આગમન’, ‘કલાવતી’, ‘શાલિની’, ‘શર્મિષ્ઠા’, ‘પદ્માવતી’, ‘અમર પ્રેમી’નો સમાવેશ થાય છે. વાર્તાઓના વિષયો ભૂતપ્રેત, ખુન, ચોરી, અકસ્માત, લગ્નેતર સંબંધોનાં દુષ્પરિણામ, કજોડાનાં લગ્નો, પ્રેમસંબંધોમાં ગેરસમજ અને બેવફાઈનું આલેખન જોવા મળે છે. ‘પદ્મનાભ’ અને ‘શ્રીમદ્ભગવદગીતા મને શું કહે છે?’ એ નાટકો પણ તેમણે આપ્યાં છે. આ સંગ્રહોમાં એંશી – નેવું જેટલી વાર્તાઓ છે.

લેખકની કેટલીક વાર્તાઓ – નવલકથાઓ પરદેશની ભૂમિમાં રોપાયેલી હોઈ વિષયમાં વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતી ભક્તકવિઓનાં ભક્તિપદોનું અંગ્રેજી રૂપાંતર તેમણે જેઠાલાલ ત્રિવેદીના સહકારથી તૈયાર કરેલું. તેમના નામે છેલ્લાં થોડાં વર્ષો સુધી જુદા જુદા ક્ષેત્ર માટે ‘ચંદ્રક’ અપાતો હતો.  તેમને 1989ના વર્ષનો ‘વિશ્વગુર્જરી’ ગૌરવ-પુરસ્કાર પણ અપાયો હતો.

દર્શના ધોળકિયા

મહેશ ચોકસી