પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા) (જ. 11 નવેમ્બર 1863; અ. 22 ડિસેમ્બર 1940, સરઢવ, જિ. ગાંધીનગર) : ઉત્તર ગુજરાતના અગ્રણી સામાજિક કાર્યકર. તેઓ કુરૂઢ માનસનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી, કેળવણીના પ્રહરી, આજીવન ભેખધારી, હતા. શિક્ષણ જેવું અન્ય કોઈ પ્રભાવક બળ ન હોવાની તેમની સમજ હતી. તેથી, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, શિક્ષણની જ્યોત પ્રકટાવી લોકજાગૃતિ માટે કર્મ કરતા રહ્યા. ધ્યેયસિદ્ધિ માટે કઠોર પરિશ્રમ કરનાર છગનલાલ અઠંગ શિક્ષણપ્રેમી હતા.
છગનભા ઉપર ગાંધીજીનાં વિચારો અને ભાવનાઓનો સારો એવો પ્રભાવ હતો. ગાંધીજીએ અસ્પૃશ્યતા-નિવારણની અહાલેક જગાવી ત્યારે છગનભાએ પોતાના વ્યવહારમાંથી અસ્પૃશ્યતાનું દૂષણ દૂર કર્યું હતું.
નાનપણથી અમદાવાદમાં રહેલા, છતાં વિધિસરનું શિક્ષણ લીધેલું નહિ, પણ સત્સંગમાંથી સમજ અને પરિપક્વતા પ્રાપ્ત કરેલી. આદર્શ અને અસરકારક કેળવણીના વ્યાપક પ્રચારના શ્રીગણેશ કડી શહેરમાં માધ્યમિક શાળા અને વિદ્યાર્થીઓના નિવાસ માટે પાટીદાર આશ્રમની સ્થાપના કરીને કર્યા. બાળલગ્નો, બારમાની ક્રિયા, વ્યસનો અને રૂઢિચુસ્તતા દૂર કરવાની ઝુંબેશ ચલાવતાં મીઠાઈનો ત્યાગ કર્યો હતો, અને કેટલોક સમય તો એકટાણાં પણ કર્યાં હતાં. શિક્ષણનો વ્યાપ વધારવા માટે તપશ્ચર્યા કરી અને યાતનાઓ વેઠી. લોકોને ધૈર્ય, વિવેક અને સેવાના પાઠ શીખવી ઉત્તર ગુજરાતના સમગ્ર સમાજને જાગ્રત કરવા તેઓ નિરંતર કાર્ય કરતા રહ્યા.
કૃષિ ઉપરાંત ઉદ્યોગોનું મહત્ત્વ સમજીને પોતે સ્થાપેલ સર્વ વિદ્યાલય કડીની શાળામાં આ વિષયોનું શિક્ષણ-પ્રશિક્ષણ આપવાની તેમણે શરૂઆત કરી હતી. જાત-અનુભવ અને માણસના જીવનઘડતર ઉપર તેઓ ભાર મૂકતા હતા.
અનેક ઝંઝાવાતો વચ્ચે તેઓ લોકકલ્યાણનાં કામો નિર્ભીકપણે કરતા રહ્યા. જ્ઞાતિના ઉદ્ધાર સાથે રાષ્ટ્રીય ઉત્થાન માટે પણ તેઓ અથાક પરિશ્રમ કરતા રહ્યા. છગનભાની દૃષ્ટિ, સદ્ભાવના, કોઠાસૂઝ અને ત્યાગવૃત્તિથી પ્રેરાઈને ગાંધીજી આ સંસ્થા અને છગનભાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે એમણે જણાવેલું કે અહીં અક્ષરજ્ઞાન અપાય છે તે તો આવકાર્ય છે જ, પરંતુ વિશેષ આનંદની વાત એ છે કે અહીં ઉત્કૃષ્ટ આચાર અને શુદ્ધ વિચારોનું ભાથું મળી રહે છે.
સમાજને કન્યા-કેળવણી તરફ અભિમુખ કરવા માટે તેમણે ઊંડું મનોમંથન અને સખત પરિશ્રમ કર્યાં, પણ કેટલીક તત્કાલીન મર્યાદાઓને કારણે તેમની કન્યાલયની મહેચ્છા પૂર્ણ ન થઈ શકી. કન્યા-કેળવણીના આજના વ્યાપનું ઉદ્ગમ તેમના વિચારોમાં રહેલું છે. ઋષિને છાજે તેવું જીવન જીવનાર છગનભા ઉત્તર ગુજરાતની ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓના પ્રેરણામૂર્તિ અને પથદર્શક બની રહ્યા હતા. તેમણે સ્થાપેલ શિક્ષણસંસ્થા આજે ઉત્તર ગુજરાતનું એક મહત્ત્વનું વિદ્યાસંકુલ બન્યું છે.
પ્રહલાદ છ. પટેલ