પટેલ, કાનજીભાઈ (જ. 31 જુલાઈ 1932, બાલીસણા, તા. પાટણ; અ. અમદાવાદ) : પ્રાકૃત-પાલિના પ્રાધ્યાપક. માતા ક્ષેમીબહેન અને પિતા મંછારામ. ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો. શ્રી કાનજીભાઈનું પ્રાથમિક કક્ષાનું અધ્યયન બાલીસણામાં અને માધ્યમિક કક્ષાનું અધ્યયન બાલીસણા અને પાટણમાં થયું. 1959માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યયન કરી ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી 1961માં પ્રાપ્ત કરી. તેમના અધ્યયનના વિષયો હતા પ્રાકૃત અને સંસ્કૃત. સને 1963માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પાલિ વિષય સાથે એમ.એ.માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ સ્વામી મધુસૂદન સરસ્વતી પ્રાઇઝ મેળવ્યું. સામાન્ય ખેડૂત કુટુંબમાંથી સ્વબળે અને ડૉ. સૌભાગ્યચંદ્ર ત્રિવેદીનાં સ્નેહ અને આર્થિક સહાયથી આગળ વધ્યા. ભિક્ષુ જગદીશ કશ્યપ પાસે બૌદ્ધદર્શનનું અધ્યયન કરી પાટણમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. શરૂઆતમાં વાઇસ પ્રિન્સિપાલ અને 2-1-84થી નિવૃત્તિ પર્યંત આચાર્યપદે કોટાવાલા આર્ટ્સ કૉલેજમાં સેવાઓ આપી, 1992માં નિવૃત્ત થયા. તેમના આચાર્યકાળ દરમિયાન કૉલેજને ગુજરાત સરકાર તરફથી બેસ્ટ કૉલેજનો ઍવૉર્ડ મળ્યો.
પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના વૈચારિક આંદોલનમાં તેમનો સક્રિય ફાળો હતો. તેમનાં ધીરજ, કુનેહ અને અનુભવનો લાભ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને મળ્યો છે. 1992માં નિવૃત્તિ પછી બે વર્ષ સુધી સંસ્કૃત અને ભારતીય વિદ્યા વિભાગના માનાર્હ અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. ત્યાંથી અમદાવાદની સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યા અધ્યયન-અધ્યાપન અને સંશોધન-પ્રકાશનની સંસ્થા એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલૉજીમાં માનાર્હ પ્રાધ્યાપક અને સંશોધન તથા વિકાસકાર્યના સલાહકાર તરીકે સેવાઓ આપી હતી.
નૅશનલ મૅન્યુસ્ક્રિપ્ટ મિશનના ઉપક્રમે હસ્તપ્રતોની વ્યવસ્થિત નોંધણી માટેની બે કાર્યશિબિરોનું આયોજન તેમણે સફળતાપૂર્વક કર્યું હતું. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી તરફથી તેમને ત્રણ વર્ષ માટે (2005થી 2007) ‘શાસ્ત્રચૂડામણિ ફેલોશિપ’ મળી હતી.
તેમનું સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી 2004માં ‘ગૌરવ પુરસ્કાર’થી સન્માન કરાયું હતું.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા