પટેલ, કરશનભાઈ ખોડીદાસ (. 7 જાન્યુઆરી 1944, રૂપપુર, જિ. પાટણ) : માર્કેટિંગના ક્ષેત્રે અસાધારણ સૂઝ ધરાવનાર, કાબેલ વહીવટદાર તેમજ સાહસિક ઉદ્યોગપતિ. ખેડૂત પરિવારમાં જન્મ. માતા જેઠીબહેન. શાન્તાબહેન સાથે લગ્ન, 1956માં. પ્રાથમિક શિક્ષણ વતનમાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં અને સાયન્સ ગ્રૅજ્યુએશન (બી. એસસી.) સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં કર્યું. ગુજરાત સરકારના જિયૉલૉજી અને માઇનિંગ ખાતામાં લૅબોરેટરી આસિસ્ટંટ તરીકે કારકિર્દીનો આરંભ કર્યો; સાથે સાથે નાના પાયાનો ઉદ્યોગ પણ આરંભ્યો. માલની ગુણવત્તામાં બાંધછોડ કર્યા વગર તત્કાલીન બજારકિંમત કરતાં ત્રીજા ભાગની કિંમતમાં એક ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળો પોતાની પુત્રી નિરુપમાના નામ પરથી ‘નિરમા’ ડિટરજન્ટ પાઉડર બજારમાં મૂક્યો.

માર્કેટ પેનિટ્રેશન, વૉલ્યૂમ તેમજ માર્કેટશૅરક્ષેત્રે અદ્વિતીય સફળતા સાધી, સિદ્ધિની અનેક મંજિલો પાર કરી. કરશનભાઈએ આરંભથી જ ગ્રાહકોની જરૂરિયાતોની નાડ પારખી લીધી. એક કુશળ વ્યૂહરચનાકાર તેમજ દૂરંદેશી વહીવટકર્તા હોવાથી ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ, સંચાલન, વિજ્ઞાપન અને ઔદ્યોગિક એવાં અનેક ક્ષેત્રે બહોળું જ્ઞાન હોઈ નિરમાનું ઉત્પાદન અને વેચાણ તબક્કાવાર મજબૂત બનાવ્યું. ડિટરજન્ટ-ક્ષેત્રે પહેલાં કદી ન જોયેલું એક બહોળું તેમજ વિસ્તૃત ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક સમગ્ર ભારતમાં ઊભું થયું. ડિટરજન્ટ કેક તેમજ પાઉડરમાં પ્રીમિયમ બ્રાન્ડ ક્ષેત્રે ‘નિરમા’નું પદાર્પણ તેની સફળતાની દંતકથાના પુનરાવર્તનરૂપ સિદ્ધ થયું. ‘સોંઘો માલ તો ગુણવત્તામાં બાંધછોડ થવાની જ’-ની રૂઢિગત માન્યતાને જમીનદોસ્ત કરી દીધી. પોતાના ગ્રાહકોને ‘પૈસાનું પૂરેપૂરું વળતર’ના વચન દ્વારા ‘નિરમા’ ડિટરજન્ટક્ષેત્રે વિશ્વની સૌથી મોટી બ્રાન્ડોમાંની એક બનવા લાગી. આજે નિરમાની વિવિધ પેદાશો ડિસ્ટ્રિબ્યૂટરના વિસ્તૃત નેટવર્ક તેમજ 10 લાખ રીટેલ સ્થળોએથી 25 કરોડ કરતાંય વધુ ગ્રાહકો દ્વારા ખરીદાય છે. વાર્ષિક આઠ લાખ ટનથી વધુ ડિટરજન્ટ તેમજ એક લાખ ટનથી વધુ નાહવાના સાબુનું ઉત્પાદન કરી નિરમાએ ખરા અર્થમાં મલ્ટિનૅશનલ કંપનીઓને હંફાવી છે. નિરમાનો ચોખ્ખો નફો હિન્દુસ્તાન લીવર, પ્રૉક્ટર ઍન્ડ ગેમ્બલ્સ, કૉલગેટ, ગોદરેજ તથા ડાબર કરતાં વધુ છે. હવે નિરમા રશિયા તથા મધ્યપૂર્વના દેશોમાં પોતાનો માલ નિકાસ કરવાનું આયોજન કરે છે.

કરશનભાઈ ખોડીદાસ પટેલ

ભારત સરકારે બે વખત કરશનભાઈને ડેવલપમેન્ટ કાઉન્સિલ ફૉર ઑઇલ્સ, સોપ્સ ઍન્ડ ડિટરજન્ટના ચૅરમૅન-પદે નિયુક્ત કરી તેમની ઔદ્યોગિક કુનેહને સન્માની છે. ધ ફેડરેશન ઑવ્ ઍસોસિયેશન ઑવ્ સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઑવ્ ઇન્ડિયા – નવી દિલ્હી દ્વારા તેમને ‘ઉદ્યોગરત્ન’ બિરુદથી સન્માન્યા છે. ધ ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ દ્વારા તેમને ‘આઉટસ્ટૅન્ડિંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઑવ્ એઇટીઝ’ના બિરુદ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. તેમણે ધ ગુજરાત ડિટરજન્ટ મૅન્યુફેક્ચરર ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ તરીકે ઘણાં વર્ષ કામ કર્યું છે. તદુપરાંત સોપ્સ ઍન્ડ ડિટરજન્ટ માટે બ્યૂરો ઑવ્ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ કમિટીના સભ્ય તરીકે પણ તેમની નિમણૂક થયેલી છે. ‘ધી એશિયન વૉલ સ્ટ્રીટ જર્નલ’, ‘ધી ઇકૉનૉમિસ્ટ’, ‘ડિસ્કવર ઇન્ડિયા’, ‘ધી ઇકૉનૉમિક રિવ્યૂ’ જેવાં આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક અખબારોએ તેમની ઔદ્યોગિક કાબેલિયતની નોંધ લેવી પડે છે.

નિરમા ભારતની પ્રથમ 20 સૌથી વધુ વિતરિત બ્રાન્ડોમાંની એક બની છે. નિરમાએ પ્રીમિયમ ડિટરજન્ટક્ષેત્રમાં પોતાનો બજારફાળો 30 ટકા જેટલો બનાવ્યો છે. પ્રીમિયમ સોપક્ષેત્રે 2 વર્ષથી ઓછા સમયમાં 20 ટકાથી વધુ બજારફાળો બનાવ્યો છે. લિનિયર આલ્કલી બેન્ઝિન તેમજ સોડાઍશ જેવો અગત્યનો કાચો માલ જાતે બનાવી નિરમા પોતાના ગ્રાહકોને વધુ સારું વળતર આપે છે. ન્યૂનતમ ખર્ચ તેમજ અંદાજિત સમય કરતાં ઓછા સમયગાળામાં ઊભો કરાયેલ સાવલી ખાતેનો રૂપિયા 750 કરોડનો લિનિયર આલ્કલી બેન્ઝિન ઉત્પાદક પ્લાન્ટ ભારતમાં સૌથી વધુ આધુનિક તેમજ દુનિયાભરમાં દ્વિતીય શ્રેષ્ઠ છે. સંચાલન તથા વહીવટી ક્ષેત્રે તેમની વિશિષ્ટ સૂઝનું તે દર્શન કરાવે છે. ભાવનગર ખાતે તૈયાર થઈ રહેલ 1,250 કરોડના સોડાઍશ પ્લાન્ટમાં પોતાના સ્વઉપયોગ માટેનો પાવરપ્લાન્ટ પણ છે. ઉપર્યુક્ત બંને પ્લાન્ટ દ્વારા નિરમા તેના 80 ટકા જેટલા કાચા માલ પર કાબૂ મેળવી શકે છે અને તે દ્વારા કાચા માલની કિંમત 20 ટકા જેટલી ઘટાડી શકે છે. દુનિયાની સર્વશ્રેષ્ઠ ટૅક્નૉલૉજીમાં તેનો ટૉઇલેટ સોપ પ્લાન્ટ ભારત ખાતેનો સૌથી વધુ આધુનિક તેમજ દુનિયાભરમાં દ્વિતીય સ્થાન ધરાવે છે.

કરશનભાઈ દૃઢપણે માને છે કે જેણે જીવનમાં ખૂબ મેળવ્યું હોય તેણે સમાજને કંઈક પાછું આપવું જોઈએ. જાહેર આરોગ્ય, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે તેઓ ઉદાર હાથે યોગદાન આપે છે. ચાણસ્મા-રૂપપુર ગ્રામવિકાસ ટ્રસ્ટના તેઓ આદ્યસ્થાપક પૈકીના એક અને પ્રમુખ છે; તેમણે ગુજરાતમાં ટૅક્નિકલ તેમજ મૅનેજમેન્ટ શિક્ષણની પ્રવર્તી રહેલ ખોટને ધ્યાનમાં લઈ 1994માં નિરમા ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના અમદાવાદમાં કરી. 1995માં નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, 1996માં નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, 1997માં નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિપ્લોમા સ્ટડીઝ તથા 2003માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફાર્મસીની સ્થાપના કોઈ પણ જાતના સરકારી કે બહારના ભંડોળ સિવાય કરી.

નિરમા ઇન્સ્ટિટ્યૂટે યુ. એસ.ની બે, કૅનેડાની બે, ઑસ્ટ્રેલિયાની બે, મલેશિયાની એક, સાઉથ આફ્રિકાની એક, સાઉથ કોરિયાની એક અને ઇંગ્લૅન્ડની એક  એમ વિદેશમાંની નવ યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક કોલૅબરેશન સાધેલું છે.

ટૅક્નૉલૉજી તથા મૅનેજમેન્ટ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ તથા રિસર્ચ માટેના ખાસ અભ્યાસક્રમ અને કમ્પ્યૂટર સાયન્સમાં ઉચ્ચ પદવીના અભ્યાસક્રમ ચાલે છે. આવા ઉચ્ચ પ્રકારના ગુણવત્તાવાળા શિક્ષણને કારણે રાજ્ય સરકાર દ્વારા નિરમા યુનિવર્સિટી કાયદાકીય રીતે અસ્તિત્વમાં આવેલી છે. તેમના માનવકલ્યાણના આ યોગદાન માટે માનાર્હ ડૉક્ટરેટ ડિગ્રી યુ. એસ.ના ફ્લોરિડાની આટલાન્ટિક યુનિવર્સિટીએ કરશનભાઈને આપી છે.

ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના ઘણા ઍવૉર્ડ તેમણે પ્રાપ્ત કરેલા છે. ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝે ધ ગુજરાત બિઝનેસમૅન ઍવૉર્ડથી અને રોટરી ઇન્ટરનેશનલે 2000માં એક્સલન્સ ઇન કૉર્પોરેટ ગવર્નન્સ ઍવૉર્ડથી તેમને સન્માન્યા છે.

શંકરલાલ વ્યાસ