પટેલ, એચ. એમ. (. 27 ઑગસ્ટ 1904, મુંબઈ; . 30 નવેમ્બર 1993, વલ્લભવિદ્યાનગર) : દક્ષ વહીવટકર્તા, સમાજસેવક અને રાજકીય નેતા. તેમનું આખું નામ હીરુભાઈ મૂળજીભાઈ પટેલ. વતન ખેડા જિલ્લામાં ધર્મજ. પિતા મૂળજીભાઈ પ્રાથમિક શાળાના શિક્ષક અને પછી મુંબઈમાં એસ્ટેટ બ્રોકર. કાકા ભૂલાભાઈએ વિદ્યાવ્યાસંગના સંસ્કાર આપ્યા. ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષક કરુણાશંકર માસ્તરથી પ્રભાવિત. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં લઈ, વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ જઈને લંડનની મૅટ્રિકની પરીક્ષા 1922માં પસાર કરી. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી. 1926માં આઇ.સી.એસ.ની પરીક્ષા પસાર કરી, એક વર્ષની તાલીમ લઈ, 1927માં ભારત પાછા ફર્યા. તેમનાં લગ્ન 1920માં સવિતાબહેન સાથે થયાં હતાં. ઈ. સ. 1970માં સવિતાબહેનનું અવસાન થયું.

એચ. એમ. પટેલ

ભારતમાં લારખાના(સિંધ, હાલ પાકિસ્તાન)માં મદદનીશ ક્લેક્ટર તરીકે જોડાયા. ત્યાં તેમને કોમી હુલ્લડો તથા પૂરની આફત જેવી કટોકટીભરી સ્થિતિનું નિયંત્રણ કરવાનો અનુભવ મળ્યો. 1940થી 1945 દરમિયાન કેન્દ્રના પુરવઠા ખાતામાં નાયબ સચિવ, સંયુક્ત  સચિવ અને સચિવ તરીકે તેમણે જવાબદારી અદા કરી. ત્યારબાદ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કૅબિનેટ સચિવ બન્યા. દેશના વિભાજન વખતે તેમણે ‘પાર્ટિશન સેક્રેટરી’ તરીકે કપરી કામગીરી કુશળતાપૂર્વક સંભાળી હતી. 1947થી 1953 સુધી સંરક્ષણ-સચિવ તરીકેની તેમની કામગીરી દરમિયાન ‘નૅશનલ કૅડેટ કોર’ની સ્થાપના થઈ. હૈદરાબાદ સામેની વ્યૂહરચના તથા મુશ્કેલ કામગીરી પાર પાડવામાં તેમનો પણ ફાળો હતો. અગમબુદ્ધિ વાપરીને તેમણે ભારતના વિભાજિત લશ્કરની નવરચના કરી તથા સંરક્ષણ-ઉદ્યોગનો પાયો નાખ્યો. નાણા-મંત્રાલયના મુખ્ય સચિવ તરીકે તેમણે જીવનવીમાનું રાષ્ટ્રીયકરણ, ચલણનું દશાંશીકરણ, ઇમ્પીરિયલ બૅન્કનું રાષ્ટ્રીયકરણ જેવાં મહત્ત્વનાં કાર્યો કર્યાં. વહીવટકર્તા તરીકે તેઓ નિષ્ઠા, ન્યાયપ્રિયતા, તટસ્થતા, ગતિશીલતા અને દૃઢતાના ગુણો ધરાવતા હતા. મુંદડાની કંપનીઓના શૅરોની ખરીદીમાં જીવનવીમા નિગમનું મૂડીરોકાણ કરવા માટે તત્કાલીન નાણામંત્રી ટી. ટી. કૃષ્ણમાચારી જવાબદાર હતા; પરંતુ તેમાં એચ. એમ. પટેલનો ભોગ લેવાયો. પાછળથી તેઓ નિર્દોષ જાહેર થયેલા. 1958માં સરકારી નોકરીનું તેમણે રાજીનામું આપ્યું.

ભાઈકાકાનું નિમંત્રણ સ્વીકારી તેમણે વલ્લભવિદ્યાનગરમાં શૈક્ષણિક અને સામાજિક સેવાકાર્યનો આરંભ કર્યો. ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તરીકે તેમણે તે મંડળ દ્વારા સંચાલિત સંસ્થાઓનો વિકાસ કર્યો. ગુજરાત વિદ્યુત બોર્ડના અધ્યક્ષ તરીકે 1960માં તેમની નિમણૂક થઈ. તે કામગીરી દરમિયાન તેમણે ધુવારણની યોજના પૂર્ણ કરી અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મદદરૂપ થયા. ભારત સરકારના નિમંત્રણથી નર્મદા નદીના જળના ઉપયોગ માટેની યોજના તેમણે તૈયાર કરી. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીના અધ્યક્ષપદનો તેમણે અસ્વીકાર કર્યો, પરંતુ તેના ડિરેક્ટર તરીકે 1977 સુધી સેવા આપી. 1962-64 દરમિયાન વલ્લભવિદ્યાનગરની ગ્રામપંચાયતના સરંપચ તરીકે કામગીરી સંભાળીને સ્થાનિક કાર્યોને વિશેષ મહત્ત્વ આપ્યું.

તેઓ 1966માં સ્વતંત્ર પક્ષમાં જોડાયા અને ગુજરાતની ચૂંટણી-ઝુંબેશ સંભાળી. તેના પરિણામે ધારાસભામાં તે પક્ષની સભ્ય સંખ્યા 21 પરથી વધીને 1967માં 67ની થઈ. તે ચૂંટણીમાં તેમનો પરાજય થયો. તેથી ધ્રાંગધ્રાની બેઠક ઉપરથી પેટાચૂંટણી લડ્યા અને જીત્યા. ધારાસભામાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના તેઓ અધ્યક્ષ બન્યા. 1968માં ગુજરાત રાજ્યના સ્વતંત્ર પક્ષના અને 1971થી ભારતના સ્વતંત્ર પક્ષના તેઓ પ્રમુખ બન્યા. 1971માં ધંધૂકાની બેઠક ઉપરથી તેઓ લોકસભામાં ચૂંટાયા અને 1976માં લોકસભામાં જનતા ફ્રન્ટના નેતા ચૂંટાયા. કટોકટી દરમિયાન સરમુખત્યારશાહી શાસનપદ્ધતિનો તેમણે વિરોધ કર્યો.

કટોકટી બાદ માર્ચ, 1977ની ચૂંટણીમાં જનતા પક્ષના ઉમેદવાર તરીકે તેઓ સાબરકાંઠા મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા. મોરારજી દેસાઈના પ્રધાનમંડળમાં નાણાપ્રધાન તરીકે ફુગાવાને નાથવાની તથા ભાવોને સ્થિર કરવાની મહત્ત્વની કામગીરી તેમણે બજાવી ભારતના અર્થતંત્રને સ્થિરતા આપી. 1979માં દેશના ગૃહપ્રધાન તરીકે પણ તેમણે કામગીરી બજાવી. 1977થી 1979 દરમિયાન તેમને ઇન્ડિયન બોર્ડ ઑવ્ વાઇલ્ડ લાઇફના અધ્યક્ષ નીમવામાં આવ્યા. 1980માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સની ઍનિમલ વેલફેર ઇન્સ્ટિટ્યૂટનો ‘આલ્બર્ટ સ્વાઇત્ઝર ઍવૉર્ડ’ એનાયત થયો. આ ઍવૉર્ડ મેળવનાર તેઓ પ્રથમ એશિયાવાસી હતા.

તેમની બહુમુખી પ્રતિભાનો લાભ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, પરિચય ટ્રસ્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પબ્લિક એડ્મિનિસ્ટ્રેશન  નવી દિલ્હી સહિત વિવિધ શૈક્ષણિક  સાંસ્કૃતિક સંસ્થાઓને મળ્યો છે. કરમસદમાં તેમણે શ્રીકૃષ્ણ હૉસ્પિટલ, પ્રમુખસ્વામી મેડિકલ કૉલેજ તથા નર્સિંગ સ્કૂલની સ્થાપનામાં મહત્ત્વની કામગીરી બજાવી હતી.

તેમણે ‘નિરીક્ષક’ વિચારપાક્ષિક શરૂ કરી, તેની આર્થિક જવાબદારી આજીવન ઉપાડી લીધી હતી. ક. મા. મુનશીની નવલકથાઓ ‘તપસ્વિની’, ‘પૃથિવીવલ્લભ’ અને ‘જય સોમનાથ’ના તેમણે અંગ્રેજીમાં અનુવાદ કર્યા. તેમણે વિઠ્ઠલભાઈ પટેલનું જીવનચરિત્ર અંગ્રેજીમાં લખ્યું. તેમણે કેટલીક પરિચય-પુસ્તિકાઓ પણ લખી છે. હરભાઈ સ્મૃતિ વ્યાખ્યાન નિમિત્તે એમણે આપેલા ‘માધ્યમિક શિક્ષણ : પડકાર અને પરિવર્તન’ પ્રવચનમાં શિક્ષણ માટેની તેમની ચિંતા છતી થાય છે. તેમણે ‘સરદાર’ વિશે યાદગાર ચલચિત્ર તૈયાર કરાવ્યું. તે બદલ તેમને મૃત્યુબાદ ‘નરગીસ દત્ત ઍવૉર્ડ’ એનાયત થયો હતો. તેમને સતત વાંચવાની ટેવ હતી. વિદ્યાનુરાગ ધરાવનાર ‘એચ. એમ.’ શિસ્તના આગ્રહી, મૂલ્યનિષ્ઠ તથા આચરણ અને અમલના આદમી હતા.

જયકુમાર ર. શુક્લ