પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ

January, 1998

પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ (. 1 ઑગસ્ટ 1927, લાડોલ, ઉત્તર ગુજરાત) : ગુજરાતના ખ્યાતનામ કૃષિવિજ્ઞાનવિદ. મુંબઈ યુનિવર્સિટીમાંથી કૃષિ-સ્નાતક થયા બાદ તેઓ 1951માં ગુજરાત સરકારના કૃષિવિભાગમાં જોડાયા. દરમિયાન અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એક્સટેન્શન એજ્યુકેશન કાર્યક્રમ હેઠળ અનુસ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવી. ગુજરાતમાં તેમણે સતત 35 વર્ષ કૃષિક્ષેત્રે સેવાઓ આપી અને 1976થી 86 દરમિયાન ગુજરાત કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ કાર્યક્રમના નિયામક તરીકે નેતૃત્વ અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં. આ સેવાઓની કદર રૂપે ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળે તેમની ‘કૃષિઋષિ’ના ખિતાબની નવાજેશ કરી છે.

ઈશ્વરભાઈ ચતુરભાઈ પટેલ

નિવૃત્તિ બાદ 1987માં તેઓ અમેરિકા ગયા અને ન્યૂ જર્સી રાજ્યની રટ્ગર્સ યુનિવર્સિટીમાં અરબન ગાર્ડનિંગ ડિપાર્ટમેન્ટના વિભાગીય વડા તરીકે જોડાયા. યુનિવર્સિટીની કામગીરીના ભાગ રૂપે રાજ્યમાંની 32 એકરની ખરાબાની જમીનને 2,000 બાગાયત એકમોમાં વિકસાવવાનું ભગીરથ કાર્ય તેમણે સફળતાપૂર્વક સિદ્ધ કર્યું. આ જમીનના નવસાધ્યીકરણને કારણે ત્યાંના રહીશોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. કૃષિવિદ્યા ગૃહઉદ્યોગ બની અને દર વર્ષે તે અંગેની તાલીમના કાર્યક્રમો અમલમાં મુકાયા.

પ્રત્યેક કુટુંબને 100થી 200 ચોફૂટ જમીન આપવામાં આવતી અને તેમાંથી તેઓ શાકભાજી અને ફળોની ઊપજ લેતા થયા. આ માટે આ કુટુંબોને વિના મૂલ્યે સેન્દ્રિય ખાતર અને પાણીની સગવડ આપવામાં આવતી. આ ઊપજ એટલા મોટા પ્રમાણમાં થતી કે શાકભાજીના વાડાના માલિકો પાંચ હજાર રતલ શાક ગરીબોને વિના મૂલ્યે આપતા. આમ કૌશલ્ય અને ગુણવત્તાનો સુમેળ સાધવામાં આવ્યો. એથી સામાજિક આદાન-પ્રદાન વધ્યું. પડોશીઓમાં દોસ્તી વધી, શહેરના ગઠિયાગીરીના માર્ગે વળેલા યુવાનોએ આ યોજના અપનાવી અને ખેતીનો માર્ગ સ્વીકારી રચનાત્મક કાર્યના માર્ગે વળ્યા. ત્યાં ઉત્તમ ઊપજ, ઉત્તમ ફળ, ઉત્તમ શાકભાજી વગેરે અંગે સ્પર્ધાઓ અને પ્રદર્શનો યોજાવા લાગ્યાં. આમ આ યોજનાને કારણે ‘વિસ્તૃત કુટુંબ’ ભાવનાનો વિકાસ થયો.

તેમનો આ બાગાયત કાર્યક્રમ ઉચ્ચ સ્તરનો પુરવાર થયો. આ યોજનાની સફળતાને અમેરિકાના પ્રમુખો રેગન, બુશ અને ક્લિન્ટને પારિતોષિક એનાયત કરી  વધાવી અને તેમનું બહુમાન કર્યું. રટ્ગર્સ યુનિવર્સિટી તેમને માટે ગૌરવ લે છે. આ કાર્યક્રમની અડધા કલાકની ફિલ્મ યુનિવર્સિટીએ તૈયાર કરી છે અને 72 વર્ષની જૈફ વયે તેમને નિવૃત્તિ આપવા તૈયાર નથી. સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે 40 સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં છે, તેમણે કુલ 50 સંશોધનપત્રો વિવિધ પરિષદો સમક્ષ રજૂ કર્યાં છે. તેમણે બે ગ્રંથો લખ્યા છે તથા કૃષિ વિદ્યાના અન્ય ગ્રંથોમાં ખાસ પ્રકરણો લખી અમેરિકાની ધરતી પર કૃષિક્ષેત્રે ગુજરાતની નામના વધારવામાં તેઓ યશસ્વી રહ્યા છે.

રક્ષા મ. વ્યાસ