પટેલ, આનંદીબહેન (. 21 નવેમ્બર 1941, ખરોડ, વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો) : ગુજરાત રાજ્યનાં 15માં મુખ્યમંત્રી અને રાજ્યનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, તેમનો કાર્યકાળ 22 મે, 2014થી 7 ઑગસ્ટ, 2016નો રહ્યો. તેમણે એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યાર પછી એમ.ઍડ.ની પદવી પ્રાપ્ત કરી. ખેડૂત કુટુંબની કન્યા તરીકે અભ્યાસ માટે પરિશ્રમભરી જીવનરીતિથી તેમનું ઘડતર થયું. અવારનવાર ખેતરમાં કામ કરવા સાથે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. એથી ખેડૂતોની, ખેતીકામ કરતી મહિલાઓની સમસ્યાથી તેઓ સારી રીતે પરિચિત છે. તે પછી એકાદ વર્ષ વીસનગરમાં એક વિકાસગૃહનું સંચાલન કર્યું. મે, 1962માં પ્રાધ્યાપકીય કારકિર્દી ધરાવતા મફતલાલ પટેલ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 1985થી તેમણે પતિથી અલગ થવાનો માર્ગ સ્વીકાર્યો. 1968થી અમદાવાદની મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકા અને પછીથી એ જ શાળામાં 1988થી આચાર્યા તરીકે કામગીરી બજાવી. શાળાપ્રવાસ દરમિયાન નવાગામ ખાતે નર્મદા બંધમાં ડૂબતી બે કિશોરીઓને બચાવી તેમણે તેમની સાહસિકતાનો પરિચય આપ્યો. આ સાહસ બદલ તેમને ગુજરાત સરકારે ઍવૉર્ડ આપ્યો હતો. આમ અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં અગ્રેસર રહ્યાં છે.

1986થી તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યાં. દુષ્કાળગ્રસ્ત વિસ્તારની યાત્રા દરમિયાન તેઓ ભારતીય જનતા પક્ષના સક્રિય પરિચયમાં આવ્યાં. ત્યારથી તેમણે આ પક્ષમાં જોડાવાનો નિશ્ચય કર્યો. પક્ષે તેમની રાજકીય કારકિર્દીનું ઘડતર કરી વખતોવખત વિવિધ જવાબદારીઓ સુપરત કરી જે તેમણે બરાબર નિભાવી. તે સાથે તેઓ પક્ષની પ્રવૃત્તિઓમાં અને પક્ષની મહિલા પાંખમાં સક્રિય બન્યાં. પક્ષના મહિલા મોરચામાં પ્રારંભે સક્રિય કામગીરી બજાવતાં બજાવતાં તેઓ આ મહિલા મોરચાનાં પ્રમુખ બન્યાં. તે પછીની રાજકીય સક્રિયતા તેમને વિવિધ પદો પર આગળ લઈ ગઈ. જેમ કે 26 જાન્યુઆરી, 1992માં તેઓ ગુજરાત રાજ્યનાં એકમાત્ર મહિલા હતાં જે શ્રીનગર ખાતેના લાલચોકમાં ભારતીય ધ્વજવંદન વેળા સામેલ હતાં. પૂરો આતંકવાદી માહોલ છતાં તેઓ આ પ્રવૃત્તિમાં સામેલ થવાનું ચૂક્યાં નહોતાં.

આનંદીબહેન પટેલ

1994થી 1998 સુધી તેઓ ભારત સરકારની રાજ્યસભાનાં સભ્ય હતાં. 1998માં તેમણે રાજ્યસભાનું સભ્યપદ છોડી રાજ્ય-સરકારમાં જોડાવાનું પસંદ કર્યું અને તરત તેઓ કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી બન્યાં હતાં. ગુજરાત રાજ્યમાં સૌથી લાંબો સમય શિક્ષણમંત્રી રહેવાનો તેમનો રેકૉર્ડ/કીર્તિમાન છે. તેમણે મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રી તરીકે પણ કામગીરી બજાવી છે. રાજ્યના તમામ જિલ્લાકલેકટરો તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિત વહીવટીતંત્રની વિવિધ કક્ષાના અધિકારીઓ સાથેની કામગીરીને કારણે વહીવટી એકમો પર તેમની મજબૂત પકડ રહે છે. 1998માં માંડલ વિધાનસભા મતવિસ્તાર, પછીથી બે વાર પાટણ વિધાનસભા મતવિસ્તાર અને છેલ્લે 2012માં ઘાટલોડિયા મતવિસ્તારમાંથી તેઓ જે તે બેઠકના વિજેતા ઉમેદવાર ઘોષિત થયાં હતાં.

ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ તેમણે મે, 2014થી ઑગસ્ટ, 2016 સુધી સંભાળી. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનાં અનુગામી રહ્યાં. નિવૃત્તિવયને કારણે તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ હોદ્દા પર આવતાં જ તેમણે શોષિત, ગરીબ, વંચિત અને પીડિતો માટે સક્રિય બનવાના પ્રયાસો આરંભેલા. સાથે ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિમાં તેઓ કશુંક વિશેષ કરવાની આશા સેવતાં. જોકે ટૂંકો કાર્યકાળ તેમાં અવરોધરૂપ બન્યો.

જાન્યુઆરી, 2018માં તેમને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ નીમવામાં આવ્યાં. તેઓ સંજય અને અનાર – એમ બે પુખ્ત સંતાનોનાં માતા છે.

આ કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાતમાં ઉત્તમ શિક્ષક તરીકેનો ઍવૉર્ડ 1988માં હાંસલ કર્યો. તે પછીના વર્ષે ભારતના રાષ્ટ્રપ્રમુખ તરફથી પણ ઉત્તમ શિક્ષકનો ઍવૉર્ડ મેળવ્યો. 2005માં પટેલ સમુદાય તરફથી ‘પાટીદાર’ શિરોમણિ ઍવૉર્ડ તેમણે પ્રાપ્ત કર્યો. મહેસાણા જિલ્લાની શાળાઓની રમતગમત સ્પર્ધામાં તેમણે ‘વીરબાળા’ ઍવૉર્ડ પણ અંકે કરેલો. આમ, રમતગમત, શિક્ષણ અને રાજકીય કારકિર્દીમાં તેમણે ઊંચા મુકામ હાંસલ કર્યા છે.

રક્ષા મ. વ્યાસ