પટેરિયા, રમેશ (જ. 1938, જબલપુર અ. 1987) : આધુનિક કળાના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી તેઓ શિલ્પ વિષયમાં 1966માં સ્નાતક થયા તથા ત્યાંથી જ 1969માં ‘મકરાણા પથ્થરમાં કોતરકામ’ – એ વિષયમાં અનુસ્નાતક થયા.
તેમણે દિલ્હીમાં 1969માં અને મુંબઈમાં 1969, ’70, ’71, ’73, ’75 અને ’76માં પોતાનાં શિલ્પોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. 1967થી 1969 સુધી તેમને ભારત સરકારની કલ્ચરલ સ્કૉલરશિપ મળી હતી. 1971-72 દરમિયાન મૉડર્ન સ્કૂલ, દિલ્હી ખાતે કળાશિક્ષણ આપ્યું. તદુપરાંત, 1972-73માં ઇંગ્લૅન્ડમાં પૉર્ટસ્મથ પૉલિટૅક્નિકમાં શિલ્પનો વિશેષ અભ્યાસ કર્યો તથા લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં 1973-74 દરમિયાન ચિત્રકળાનો વિશેષ અભ્યાસ કર્યો.
પટેરિયાની કૃતિઓ બહુધા વિરાટકાય હોય છે. નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ અને લલિત કલા અકાદમીના કાયમી સંગ્રહોમાં તેમની કૃતિઓ સ્થાપન પામી છે.
તેમને મધ્યપ્રદેશ કલા પરિષદના ઍવૉર્ડ 1968માં અને 1970માં અને લલિત કલા અકાદમીનો નૅશનલ ઍવૉર્ડ 1969માં મળ્યા છે.
અમિતાભ મડિયા