પટવારી, પ્રભુદાસ બાલુભાઈ

January, 1998

પટવારી, પ્રભુદાસ બાલુભાઈ (. 24 જુલાઈ 1909, ધંધૂકા;. 20 નવેમ્બર 1985, અમદાવાદ) : ગાંધીવાદી કાર્યકર તથા રાજપુરુષ. પિતા બાલુભાઈ ગોરધનદાસ. માતા મણિબહેન. પત્ની સવિતાબહેન; સંતાનમાં એક પુત્રી. અમદાવાદમાં પ્રીતમનગરમાં નિવાસ. પાછળથી પરિમલ સોસાયટીમાં રહેવા ગયા. ગાંધીજી પ્રત્યે તેમનું આકર્ષણ સ્વાભાવિક હતું, કારણ કે નાની વયથી સત્ય માટે આગ્રહી સ્વભાવના હતા.

પ્રભુદાસ બાલુભાઈ પટવારી

1929માં ગુજરાત કૉલેજના આચાર્ય શીરાઝ સામે વાંધો પડતાં હડતાળ સમિતિની રચના કરીને તેમણે હડતાળની આગેવાની લીધી. દેશના રાજકારણમાં ગાંધીજીના પ્રવેશથી નવો ઉત્સાહ પ્રસર્યો હતો. પ્રભુદાસ તેના પ્રભાવથી મુક્ત રહી શક્યા નહિ. 1930માં તેઓ કૉંગ્રેસમાં સક્રિય બન્યા. 1932માં અમદાવાદમાં કૉંગ્રેસ ભવનનો કબજો લેવાના સત્યાગ્રહ માટે 16 મહિના કારાવાસ વેઠ્યો. આ સમય દરમિયાન બી.એ.; એલએલ.બી.; સુધી અભ્યાસ પૂરો કરીને 1933થી વકીલાતનો વ્યવસાય આરંભ્યો. 1941માં મૃદુલાબહેન સારાભાઈના સહકારમાં ફરી એક વાર ગુજરાત કૉલેજમાં હડતાળના પ્રસંગે સક્રિય રહ્યા. 1942માં ‘ભારત છોડો આંદોલન’માં આગળ પડતો ભાગ લઈ નાસિક કારાગૃહમાં એક વર્ષ અટકાયતમાં રહ્યા. સાથે સાથે સામાજિક કાર્યોમાં દરેક ક્ષેત્રે સેવા આપતા રહ્યા. જ્યોતિસંઘ, વિકાસગૃહ, મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ, સંસારસુધારા સમાજ, અખિલ ગુજરાત સામાજિક પરિષદ આદિ સાર્વજનિક સંસ્થાઓમાં સલાહકાર રહ્યા. નવજીવન ટ્રસ્ટ, હરિજન સેવક સંઘ, ગ્રામોદ્યોગ સંઘ જેવી સંસ્થાઓમાં પણ કાનૂની અને વહીવટી વિષયોના માર્ગદર્શક રહ્યા. અનેક રાજકીય તથા સામાજિક સંસ્થાઓમાં બંધારણ ઘડી આપવા જેવી મહત્ત્વની સેવાઓ આપી. રાજકીય તથા સામાજિક વિવાદોમાં ધારાશાસ્ત્રી તરીકે ન્યાયના પક્ષે રહી લડત આપતા. મિલો તથા કંપનીઓનાં કામો પણ કર્યાં. સર્વોચ્ચ ન્યાયાલયના અધિવક્તા થયા. લેખનવાચનના શોખ તથા ધારાશાસ્ત્રના અભ્યાસે તેમને ‘સ્ત્રીઓના વિકાસમાં નડતાં કાયદાનાં બંધન’ તથા ‘સ્ત્રીઓના વિવિધ પ્રશ્નો’ – એ બે ગુજરાતી અને ઔદ્યોગિક વિવાદ વિશે બે અંગ્રેજી પુસ્તકો લખવા પ્રેર્યા. તેમણે વર્તમાનપત્રો અને સામયિકોમાં છૂટક લેખો પણ લખ્યા હતા. રાજકારણમાં પણ રસ લેતા રહ્યા. 2 દાયકા સુધી કૉંગ્રેસની અખિલ ભારત સમિતિના સભ્ય રહ્યા. 1951થી 60 સુધી મુંબઈ રાજ્યની વિધાન પરિષદના સભ્ય રહ્યા. ગાંધીજીના રચનાત્મક કાર્યના વિચારોથી તેઓ પ્રભાવિત હોવાથી વિવિધ સર્વોદય પ્રવૃત્તિઓમાં હોંશથી ભાગ લેતા. હરિજન આશ્રમના ટ્રસ્ટી તરીકે પણ તેમણે સેવા આપી હતી. વડાપ્રધાન ઇંદિરા ગાંધીના પતન પછી રચાયેલી જનતા દળની સરકાર વખતે 1977માં તમિળનાડુના રાજ્યપાલ નિમાયા. આવા ઊંચા પદે રહેવા છતાં તેમની રહેણીકરણીમાં પૂર્વવત્ સાદાઈ ચાલુ રહી, તે એટલે સુધી કે તેમણે રાજભવનમાં વૈભવી ભપકા બંધ કરાવ્યા હતા. રાજભવનમાં ભોજન પણ કેવળ શાકાહારી જ પીરસાય તેવો તેમણે આગ્રહ રાખ્યો હતો.

બંસીધર શુક્લ