પટવાઓની હવેલી, જેસલમેર

January, 1998

પટવાઓની હવેલી, જેસલમેર (ઓગણસમી સદી) : રાજસ્થાનમાં આવેલી બેનમૂન આવાસ-ઇમારત. અત્યંત ધનિક વેપારી પટવા ગુમાનચંદ શેઠના પાંચ પુત્રોની આ પાંચ હવેલી 1835થી 1860 દરમિયાન બની હતી. હવેલીઓમાં અત્યારે કોઈ રહેતું નથી. બધા ઓરડામાં લીંપણ હતું. તે પર અત્યારે ધૂળ જામતી રહે છે.

રાજ્યના શ્રીમંત વેપારીઓ તથા મંત્રીઓના વિશાળ આવાસોમાં અનન્ય કોતરણીવાળી પટવાની હવેલી અનોખું સ્થાન ધરાવે છે. રજવાડાંના અસ્ત પછી અહીંના સોદાગરો અને વેપારીઓએ પોતાનો પ્રભાવ દાખવવા (અને વર્ચસ જમાવવા) આવા ભવ્ય આવાસોનું આયોજન કર્યું હતું.

પટવાઓની હવેલી, જેસલમેર

જેસલમેરની પીળા પથ્થરોની બાંધણી ધરાવતી પટવાઓની હવેલીમાં સ્થાપત્યકલા, આયોજન અને કોતરણીની દૃષ્ટિએ સર્વોચ્ચતા સિદ્ધ થઈ છે. સંયુક્ત પરિવારવ્યવસ્થા પણ આ ભવ્ય આવાસોના આયોજનમાં કારણભૂત કહી શકાય.

બે માળની આ હવેલીમાં ભોંયતળિયે ભારે, જાડા, કોતરણીવાળા દરવાજાઓવાળો પ્રવેશ છે. ઊંચા ઓટલા પર, બહાર કોતરણીવાળા થાંભલા ઉપરના રવેશનો આધાર બને છે. કોતરણીવાળા આધારભૂત પોખરા (bracket) વડે આ રવેશને થાંભલા પર ટેકવવામાં આવ્યો છે. ઉપરના માળે પથ્થરની જાળીઓ આકર્ષક બારીક કોતરણી ધરાવે છે. ખુલ્લો ચોક, ફરતો વરંડો, ખુલ્લી અગાસી અને પથ્થરની જાળીઓ દ્વારા એકાંતની જોગવાઈ જેવી હવેલી-રચનાની ખાસિયતો પટવાઓની હવેલીમાં જોવા મળે છે. બેનમૂન પથ્થરકામ, થાંભલાની રચના અને બારીઓ પર ગોળાઈવાળી કમાનનું સંયોજન પટવાઓની હવેલીને વિશિષ્ટતા બક્ષે છે.

આ બે માળની હવેલીઓમાંથી બે હવેલીઓ સરકારે ખરીદી છે. મેડાની છત પર સોનેરી રંગનાં ચિતરામણ છે. શાહજહાંના પતન પછી મુઘલ કલાકારો આ તરફ આવેલા અને આવા શ્રીમંતોનો આશ્રય પામેલા. છતનાં ચિત્રોનો રંગ આછો-આછો થઈ ગયો છે. પણ પથ્થરની મુલાયમતા હજી એવી જ છે.

રૂપલ ચૌહાણ