પટવર્ધન, વિનાયકરાવ

January, 1998

પટવર્ધન, વિનાયકરાવ (જ. 22 જુલાઈ 1898, મીરજ; અ. 23 ઑગસ્ટ 1975, પુણે) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પં. વિષ્ણુ દિગંબર પળુસકરના અગ્રણી શિષ્યોમાં આદરથી તેમનું નામ લેવાય છે. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે સાત વર્ષની ઉંમરથી કાકા કેશવરાવ પટવર્ધન પાસે લીધું. થોડા સમય પછી 1907માં તેઓ પં. વિષ્ણુ દિગંબરના શિષ્ય બન્યા. પં. વિષ્ણુ દિગંબર સાથે તેમણે અનેક સ્થળોએ ભ્રમણ કર્યું. પોતાના ગુરુની આજ્ઞાથી તેમણે મુંબઈ, નાગપુર, લાહોર વગેરે શહેરોની ગાંધર્વ મહાવિદ્યાલયની શાખાઓમાં સંગીત-શિક્ષક તરીકે પણ કામ કર્યું.

વિનાયકરાવ પટવર્ધન

થોડો સમય તેમણે બાલ ગંધર્વ નાટક-મંડળીમાં કાર્ય કર્યું અને તેમની સાથે ભ્રમણ પણ કર્યું; પરંતુ આ વ્યવસાય પં. વિષ્ણુ દિગંબરને નાપસંદ હોવાથી પટવર્ધને તે છોડી દીધો. 1937માં તેમણે પુણેમાં ગાંધર્વ મહાવિદ્યાલયની શાખા સ્થાપિત કરી, જેનું કાર્ય તેઓ અવિરતપણે કરતા રહ્યા. આ સાથે દેશભરમાં યોજાતાં સંગીત-સંમેલનોમાં અને આકાશવાણીનાં જુદાં જુદાં કેન્દ્રો પર પોતાના કાર્યક્રમો રજૂ કર્યા. આકાશવાણીના અખિલ ભારતીય કાર્યક્રમ અંતર્ગત પણ તેમણે સંગીત-કાર્યક્રમો આપ્યા હતા.

પં. વિનાયકરાવે સંગીતવિષયક સાહિત્યના વિકાસમાં ‘બાલસંગીત’ (ત્રણ ભાગ) તથા ‘રાગ-વિજ્ઞાન’ (સાત ભાગ) જેવા ગ્રંથો રચી ફાળો આપ્યો. ‘રાગ-વિજ્ઞાન’માં તેમણે પ્રચલિત તથા અપ્રચલિત રાગોમાં અનેક બંદિશો આપેલી છે. તેમાં સંગીતશાસ્ત્રનું સંક્ષિપ્ત વિવરણ પણ છે.

દરેક ઘરાનાના ગાયકે ગીતના બોલના સ્પષ્ટ ઉચ્ચારણ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ એવો તેમનો આગ્રહ રહેતો. બોલતાન ગાતી વખતે ગીતના શબ્દોમાં જોડ ના આવવી જોઈએ એવું તેઓ માનતા હતા. શાસ્ત્રીય સંગીતના પ્રચાર માટે ઠૂમરી-ગાયન સહાયક થઈ શકે, પરંતુ ઠૂમરી-ગાયન સરલ ન હોવાથી ભજન-ગાયન પર વિશેષ ભાર આપવો જોઈએ એમ તેમનું માનવું હતું.

પંડિતજીની ‘જયજયવન્તી’ની રેકર્ડ બહુ જ લોકપ્રિય બની. તેઓ તરાના ગાયન-શૈલીના નિપુણ ગાયક હતા. તબલચી સાથે ‘લડન્ત-ભીડન્ત’માં તેઓ ખાસ રુચિ ધરાવતા હતા. તરાનામાં આડ-કુઆડ વગેરે પ્રકારની તેમની લયકારીથી સાધારણ શ્રોતા અને સંગીત-મર્મજ્ઞ બંને ખૂબ પ્રભાવિત થઈ જતા હતા.

1965માં તેમને સંગીત નાટક અકાદમીની ફેલોશિપ એનાયત થઈ હતી. 1972માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના સન્માનથી નવાજ્યા હતા.

ભારતીય સંગીતના પ્રચાર માટે તેમણે વિદેશયાત્રાઓ પણ કરી હતી. ભારતીય સાંસ્કૃતિક શિષ્ટમંડળ સાથે તેમણે સોવિયેત સંઘની મુલાકાત પણ લીધી હતી. તેમની સંગીત-સેવા અને શાસ્ત્રીય સંગીતની પરંપરાનો પ્રસાર-પ્રચાર હવે તેમના પુત્રો કરી રહ્યા છે.

મંદાકિની અરવિંદ શેવડે