પટવર્ધન, વસુંધરા (. 18 એપ્રિલ 1917; . 3 સપ્ટેમ્બર 2010, પુણે) : મરાઠી લેખિકા. મરાઠી સાત ધોરણ તથા અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. ઉપરાંત તેમણે મરાઠીમાં ‘સાહિત્ય-વિશારદ’ની પદવી પ્રાપ્ત કરી હતી.

વસુંધરા પટવર્ધન

બાળવાર્તાસંગ્રહો ઉપરાંત બે નવલકથાઓ ‘પ્રીતીચી હાક’ (1951) અને ‘નેત્રા’ (1967), ત્રણ નાટકો ‘ચારમિનાર’, ‘પુત્રવતી ભવ’ અને ‘હિરકણી’ (1954), અમેરિકાની મુલાકાત પર લખાયેલું પ્રવાસવર્ણન ‘હા….ય’ (1983), બે લેખસંગ્રહો ‘આમચે સ્ત્રીજીવન’ (1964) અને ‘જત્રા’ (1980), લઘુનિબંધ ‘મી ભટકતે આહે’ (1959) તથા વ્યક્તિચિત્રો ‘ઋણાનુબંધ’ વગેરે એમની રચનાઓ છે. એમની પાસેથી મળેલા બાળવાર્તાસંગ્રહોમાં ‘આદિપુરુષ જ્ઞાનરાજ’ (1961), ‘ગીતા આણિ ઇતર કથા’ (1967), ‘ઘડીભરાચા પ્રવાસી’ (1976), ‘વેચક વસુંધરા પટવર્ધન’ (1987) વિશેષ ઉલ્લેખનીય છે. આકાશવાણી માટે તેમણે સંખ્યાબંધ રેડિયોરૂપકો લખ્યાં છે. તેમની ‘મધુચી આઈ’ વાર્તા પરથી મરાઠી, હિંદી, ગુજરાતી અને તમિળ ભાષાઓમાં ચલચિત્રો તૈયાર થયાં છે. તેમની ઘણી મરાઠી વાર્તાઓના અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ થયેલ છે.

તેમણે લખેલા ‘હિરકણી’ નાટકને 1955ના વર્ષનું મહારાષ્ટ્ર રાજ્યનું પારિતોષિક મળ્યું હતું.

વાસંતી તોડકર