પચમઢી (પંચમઢી) : મધ્યપ્રદેશનું જાણીતું ગિરિમથક, આરોગ્યધામ તથા રાજ્યનું ઉનાળુ પાટનગર. ભૌ. સ્થાન : 22° 30´ ઉ.અ. અને 78° 30´ પૂ.રે. તે રાજ્યના હોશંગાબાદ જિલ્લાના સોહાગપુર તાલુકામાં સાતપુડા પર્વતશ્રેણીમાં આવેલું છે. આશરે 60 ચોકિમી.માં વિસ્તરેલું, આરોગ્યધામ તરીકે વિકસેલું આ ગિરિમથક સમુદ્રસપાટીથી 1067 મીટર ઊંચાઈ પર વસેલું છે. ભૂપૃષ્ઠના ઊંચાણ-નીચાણની વિવિધતા ધરાવતું પંચમઢી સાતપુડાની ટેકરીઓથી બનેલા રકાબી આકારના પારણાની ગોદમાં સૂતેલા શિશુ જેવું લાગે છે.

આ ગિરિમથકની જે ભેખડ પરથી ચેરી ધોધ ખાબકે છે ત્યાં અપ્સરાવિહાર જળાશય (Fairy Pool) રચાયું છે; નજીકમાં જ 105 મીટર ઊંચાઈ પરથી સિલ્વર-ફૉલનાં જળ પણ પડે છે. સમગ્ર વિસ્તાર જળશીકરો અને ધુમ્મસવાળો બની રહે છે. એક અનુપમ, રમણીય, નૈસર્ગિક દૃશ્ય ઊભું થાય છે. આ જ કારણે તો પંચમઢીના ગિરિમથકને સાતપુડા ટેકરીઓની રાણી તરીકે નવાજવામાં આવેલું છે. ગુફાઓ અને તેની પાષાણ-દીવાલો પરનાં ભિત્તિચિત્રો; ઠંડા હવામાનવાળાં શિખરો અને મેદાનો, નિર્મળ ઝરણાં, ધોધ અને જળાશયો; ઠેકઠેકાણે આવેલાં વિહારધામો આ ગિરિમથકને અનુપમ કુદરતી સૌંદર્ય બક્ષે છે. કદાચ પંચમઢી જેવાં વર્ષ આખુંયે માણી શકાય એવાં ગિરિમથકો ભારતમાં ઘણાં ઓછાં હશે ! અહીં ઠેક-ઠેકાણે હંસરાજનાં નયનરમ્ય વૃક્ષો તથા જંગલી ફૂલોની સમૃદ્ધિ કુદરતે ખોબે ખોબે વેરી છે. પલાશ, ગુલમહોર, અમલતાસ અને સીમલનાં વૃક્ષો ફૂલોથી લચેલાં રહે છે. સાલ, જાંબુ, આંબા, હારા, ચિરોંજી, સોનેરી ચંપો અને મહુડા જેવાં વૃક્ષોની વિશિષ્ટ મહેક મોસમ અનુસાર ફોરી ઊઠે છે. નીંબુ ભોજ ખાતે આવેલાં લીંબુનાં ઝુંડની સોડમ અનેરી હોય છે. પ્રવાસીઓને જળાશયોમાંથી માછલી પકડવા માટે કે ફળ-ફૂલ તોડીને માણવા માટે અહીં કોઈ રોકટોક હોતી નથી. પક્ષીઓનો મીઠોમધુરો કલરવ, ઝરણાંનો નિનાદ, વર્ષા અને પવનથી ખરબચડી બની ગયેલી રેતીખડકોની ટેકરીઓમાં જોવા મળતાં કુદરતી શિલ્પો મનને મંત્રમુગ્ધ કરી દે છે. ખરેખર, પંચમઢી મુલાકાતીઓને સ્વર્ગીય આહ્લાદકતા પૂરી પાડે છે. અહીં આવતા પ્રવાસીઓને ચાલીને ફરવા જવાના અને વાહનો દ્વારા જવાના ‘ટૂંકું ચક્કર’ અને ‘લાંબું ચક્કર’ જેવા બે માર્ગો વન્યદૃશ્યો તથા ઉદ્યાનોને વીંધીને જાય છે. લાંબા ચક્કરમાંથી ઉચ્ચપ્રદેશના જુદા જુદા છેડાઓ પર જતી ઘણી કેડીઓ પણ છે. આ ઉપરાંત 60 જેટલાં ટ્રૅકિંગ-બિંદુઓ પણ છે.

ઝરણાં, પ્રપાત અને નદીઓના ઉદ્ગમનો પ્રદેશ પંચમઢી

પંચમઢી એ અતિ પ્રાચીન ધાર્મિક સ્થળ છે. તેને સાતપુડા હારમાળાના ‘કૈલાસ’ તરીકે બિરદાવાય છે. અહીં ભગવાન શિવને સમર્પિત અસંખ્ય ગુફાઓ તથા મંદિરો આવેલાં છે. હિન્દુ શાસ્ત્રોમાં તો તેના ઉલ્લેખો છે, પરંતુ 1857ના સિપાઈ બળવા દરમિયાન બેંગૉલ લશ્કરી દળની ટુકડીનો વડો કૅપ્ટન ફોરસિંથ જ્યારે અહીં આવેલો ત્યારથી તેને ગિરિમથક તરીકે વિકસાવવાની શરૂઆત થયેલી છે. તેણે પંચમઢીને અયનવૃત્તીય આબોહવાવાળા પ્રદેશસ્થિત સમશીતોષ્ણ વિભાગ તરીકે ઓળખાવેલું છે. ‘હાઈલૅન્ડ્ઝ ઑવ્ ઇન્ડિયા’ નામના તેના પુસ્તકમાં તે લખે છે કે ‘અહીં 600 મીટરની ઊંચાઈએ પહોંચતાં હવામાનનાં લક્ષણોમાં ફેરફાર વરતાય છે તથા ઝરણાં, ખીણો અને ભેખડોનાં દૃશ્યો કુદરતી શોભાને વધારી મૂકે છે. ઠંડા પ્રદેશમાંથી ભારતના ગરમ પ્રદેશમાં આવેલા અંગ્રેજો જ્યારે અહીં હવાફેર માટે આવતા ત્યારે તેઓ તેમના વતનને પણ ભૂલી જતા.’

સાતપુડા પર્વતશ્રેણીનું 1,358 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું ઊંચામાં ઊંચું શિખર ધૂપગઢ આ સ્થળેથી આશરે 8 કિમી.ને અંતરે આવેલું છે. ત્યાંના સૂર્યોદય-સૂર્યાસ્તનું મનોહારી દૃશ્ય જોવા માટે સેંકડો પર્યટકો ભેગા મળે છે.

અહીં આવેલી પાંચ પ્રાચીન ગુફાઓને કારણે તેનું નામ પંચમઢી પડ્યું હોવાની માન્યતા છે. વનવાસ દરમિયાન પાંડવો જે ગુફાઓમાં નિવાસ કરતા હતા, તે ગુફાઓને પાંડવગુફાઓ કહેવામાં આવે છે. આ ગુફાઓની પડખે એક સુંદર ઉદ્યાન ઊભો કરવામાં આવ્યો છે, જે પર્યટકો માટે આકર્ષણનું સ્થાન બની રહેલો છે. પુરાતત્ત્વવિદોના મત મુજબ આ ગુફાઓ બૌદ્ધકાલીન છે. કદાચ તે સાંચી અને અજંતાની ગુફાઓ વચ્ચેની કડીરૂપ છે. એક લોકવાયકા એવી પણ છે કે પ્રાચીન કાળમાં અહીંના પવિત્ર મનાતા મહાદેવના મંદિરે દર્શનાર્થે જતા યાત્રીઓને જળાશયમાં રહેતો એક સર્પદૈત્ય કનડતો હતો. ભગવાન શિવે દર્શનાર્થીઓને થતો ત્રાસ દૂર કરવા તે જળાશયને સૂકવી દીધેલું અને સર્પને નજીકની ખડકફાટમાં પૂરી દીધેલો. ખડકફાટવાળું આ સ્થળ આજે હાંડી કોહ (= ફાચર આકારની ખીણ) નામથી જાણીતું છે. તેનું તળ 100 મીટરની ઊંડાઈએ રહેલું છે. ભૂસ્તરવિદોના મત મુજબ કરોડો વર્ષો પહેલાં આજનો આ ઉચ્ચપ્રદેશીય વિસ્તાર ટેથીઝ સમુદ્રી ફાંટા હેઠળ જળનિમગ્ન હતો. પછીનાં લાવાપ્રસ્ફુટનોથી પ્રાદેશિક ઊંચાઈ વધતી ગઈ, પરંતુ વચ્ચે જળઅવશિષ્ટ ખાડાઓ રહી ગયા અને આ વિસ્તાર ટેકરીઓની ધારોવાળા રકાબી આકારના ઉચ્ચપ્રદેશમાં ફેરવાયો. આ રીતે સર્પ-શિવની વાર્તા ભૂસ્તરીય હકીકત સાથે મેળ ખાય છે.

પાંડવ ગુફા, પંચમઢી

અહીંની ગુફાઓ તથા પ્રાચીન નિવાસીઓએ તેની દીવાલો પર દોરેલાં ભિત્તિચિત્રો, આ ઉચ્ચપ્રદેશ પર પાંચમીથી દસમી સદી વચ્ચેના જીવનના પુરાવા રજૂ કરે છે. વળી અહીંથી મળી આવેલા ચકમકના અવશેષો પરથી પુરાતત્ત્વવિદો એવી માન્યતા પર પહોંચ્યા છે કે અહીં ‘ઍન્થ્રોપોસ ઇન્ડિકા’ નામથી ઓળખાતા આદિમાનવોનો પણ વસવાટ હશે ! ભિત્તિચિત્રો ભલે ભૂતકાળની તવારીખનો ખ્યાલ આપતાં હોય, તેનો વર્ષોમાં અંદાજ મૂકવાનું મુશ્કેલ છે. કેટલાંક ચિત્રો સફેદ કેઓલિન કે ચૂનાખડક(ખડી)થી બનાવાયેલાં જણાય છે. પંચમઢી ખાતે મૅગ્નેશિયમ ઑક્સાઇડ બંધારણવાળા ખડકો પણ છે. થોડે દૂર આવેલા ભીમબેટકા ખાતેનાં ભિત્તિચિત્રો લીલા રંગવાળાં છે, જે સૂચવે છે કે તે તાંબાનાં સંયોજનોમાંથી તૈયાર કર્યાં હોય ! (ભીમબેટકાની આ ગુફાઓની શોધ તાજેતરમાં થયેલી છે.)

પુરાપાષાણયુગના ઉત્તરાર્ધકાળ(upper Palaeolithic age)ના પ્રાગ્ઐતિહાસિક માનવોએ હથિયારોનો ઉપયોગ ઓછો કરીને તત્કાલીન જીવંત સૃદૃષ્ટિમાં પોતે ઉચ્ચ સ્થાને છે એવું બતાવવા ધનુષ્ય-બાણનો ઉપયોગ હસ્તગત કર્યો હોવાનું અનુમાન પણ પુરાતત્ત્વવિદો મૂકે છે. તેમની સિદ્ધિઓ, તેમના ઉજવણીના પ્રસંગો, સંઘર્ષો અને ધાર્મિક-સામાજિક માન્યતાઓને તેમણે આ ગુફાચિત્રોમાં મૂર્તિમંત કરી હોય ! ‘પૅરેડાઇઝ ઑવ્ પ્રી-હિસ્ટૉરિક આર્ટ’માં મળતા ઉલ્લેખ મુજબ મધ્યપ્રદેશના વિસ્તારમાં જેમ તલવાર-ઢાલવાળા, તીરકામઠાંવાળા કે પગે ચાલતા લડાયકોનાં; હાથી, વાઘ, દીપડા, સાબર, ચીતળ, વૃષભ તેમજ અન્ય પ્રાણીઓ અને પક્ષીઓનાં ચિત્રો જોવા મળે છે; તેમ પંચમઢીમાં મહાદેવની ગુફા નજીકની અન્ય ગુફાઓમાં પણ એ જ પ્રકારનાં ચિત્રો જોવા મળેલાં છે; એટલું જ નહિ, શાહમૃગનાં ઈંડાંનાં કવચ પણ મળી આવેલાં છે. આ હકીકત નિર્દેશ કરી જાય છે કે પ્રાચીન ભારતના આ ભાગમાં શાહમૃગનો પણ વસવાટ હશે.

ભગવાન શિવને સમર્પિત અહીંની અસંખ્ય ગુફાઓ પૈકીની પ્રવાસીઓને મુલાકાતયોગ્ય સ્થાનોમાં જટાશંકર, બડા મહાદેવ, છોટા મહાદેવ અને ગુપ્ત મહાદેવ વિશેષ ઉલ્લેખનીય છે. બડા મહાદેવની મોટી ગુફામાં શિવ, પાર્વતી અને ગણેશની મૂર્તિઓ છે. ત્યાં જંબુદ્વીપ ઝરણામાંથી રચાયેલું જળાશય પણ છે. આ ગુફામાં સતત પાણી ટપક્યા કરે છે. બીજી ગુફાઓમાં પણ પાણી ટપક્યા કરે છે. ગુપ્ત મહાદેવ એ એક એવી ગુફા છે, જેમાં લાંબા, સાંકડા, બુગદા મારફતે જવાય છે. આ બુગદામાં સીધા ઊભા રહીને જઈ શકાતું નથી. પરંતુ 80°-85°ને ખૂણે નમીને જવું પડે છે. મહાદેવ ગુફા ખાતે દર વર્ષે શિવરાત્રિનો મેળો ભરાય છે. 1,316 મીટર ઊંચાઈ ધરાવતું ચૌરાગઢ શિખર ગોંડ આદિવાસીઓનું ધાર્મિક સ્થળ છે. ચૌરાગઢ ટેકરીની ટોચ પર 75 ટન વજનની શિવમૂર્તિ છે. એક એવી માન્યતા છે કે અહીંના ચૌરા બાબા નામના સંતને ભગવાન શિવે દર્શન આપેલાં. આ ટેકરી પર જવા માટે 1,270 પગથિયાંનું કપરું ચઢાણ ચઢવું પડે છે. અંગ્રેજ શાસનકાળમાં અહીંના લશ્કરી પડાવ વખતે લશ્કરી જવાનો તેમની રોજિંદી કસરત માટે ટેકરી પર ચઢતા-ઊતરતા. અહીંના સ્થાનિક લોકોમાં ત્રિશૂળ ચઢાવવાનો રિવાજ હોવાથી તેઓ પણ મહિને એક વાર તો ચઢે છે. ગમે તેવા ખડતલ યાત્રીઓને આ ચઢાણમાં મુશ્કેલી પડે છે, પરંતુ ઉપર ચઢ્યા પછી તેમને છેક નીચેનાં લીલાં જંગલો તથા હરિયાળાં મેદાનો જોવા-માણવાનો લહાવો મળી રહે છે. શિવની મૂર્તિ ધરાવતી જટાશંકર ગુફા પણ અનન્ય છે. જંબુદ્વીપ-ઝરણાનું મૂળ સ્થાન અહીં છે. અહીંની એક અજાયબી એ છે કે આ ગુફાના પથ્થરોના અંદરના ભાગમાં પાણી ભરાઈ રહેલું મળે છે, જેની પ્રતીતિ કરવા માટે પણ અનેક પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. વળી અહીંનાં અન્ય જોવાલાયક સ્થળોમાં ડચેસ વૉટર-ફૉલ, સિલ્વર વૉટર-ફૉલ, ધોધમાંથી સતત જળપુરવઠો મેળવતું અપ્સરાવિહાર જળાશય, અસ્તાચલ, રીંછગઢ, હાંડીકોહ, ઉજાણી સ્થાનકો, સંગમ-સ્થાન તેમજ વસ્તુ-સંગ્રહાલયનો સમાવેશ થાય છે. જળાશયોમાં નૌકાવિહારની સુવિધા છે. જળાશયોનાં પાણીનું તાપમાન 20°થી 26° સે. વચ્ચે રહે છે.

પંચમઢીનું તાપમાન વર્ષ દરમિયાન 15° સે.થી 26° સે. વચ્ચેનું અને વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ 2,050 મિમી. જેટલું રહે છે. 1857માં આરોગ્યધામ તરીકે તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. 1886માં ત્યાં નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી. નગરનો વહીવટ નગરપાલિકા અને કૅન્ટોનમેન્ટ બંનેના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે. અહીં લશ્કરી બ્રિગેડ રાખેલી છે. ભારતીય લશ્કર માટેનું અખિલ ભારતીય સ્તરનું શિક્ષણકેન્દ્ર પણ તે ધરાવે છે, જ્યાં સૈનિકોનાં બાળકોના શિક્ષણની સગવડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ તાલીમ કેન્દ્ર તથા ટ્રૅકિંગ માટેની તાલીમી સંસ્થા આવેલાં છે.

એક જમાનામાં પંચમઢીની આજુબાજુ ગીચ જંગલો હતાં; જેમાં સિંહ, રીંછ, ચિત્તા, વાઘ જેવાં વન્ય પ્રાણીઓ વાસ કરતાં હતાં. તે બધાં ધીમે ધીમે અહીંથી દૂરનાં જંગલો તરફ સ્થળાંતર કરી ગયાં છે. વાનર તથા સરીસૃપોની કેટલીક જાતિઓ અને પક્ષીઓ અહીંતહીં બધે જોવા મળે છે. અહીં નજીકમાં જ એકાંતગિરિ તથા રાજેન્દ્રગિરિ ટેકરીઓ આવેલી છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગુફાઓમાં આદિવાસીઓના કોતરકામના પ્રાચીન નમૂના આજે પણ જોવા મળે છે.

અહીંના આદિવાસીઓ મીઠાબોલા, નમ્ર અને મળતાવડા છે. તેઓ માટીથી બનાવેલાં ઝૂંપડાંમાં રહે છે. પોતાના આવાસોને તેઓ સ્વચ્છ રાખે છે. તેઓ તેમના જીવનનિર્વાહ માટે મહુડાં તથા જંગલની પેદાશો એકઠી કરી બજારમાં વેચે છે; શાકભાજી પણ વાવે છે. તેઓ સામૂહિક રીતે જુદા જુદા પ્રસંગો અને તહેવારો ઊજવે છે.

પંચમઢી ભોપાલથી 215 કિમી. અને જબલપુરથી 179 કિમી. અંતરે આવેલું છે. મુંબઈ-અલાહાબાદ રેલમાર્ગ પર આવેલું નજીકનું પીપરિયા રેલમથક પંચમઢીથી આશરે 51 કિમી.ને અંતરે છે. મધ્યપ્રદેશ પ્રવાસન નિગમ પ્રવાસીઓ માટે ભોપાલથી પંચમઢી લક્ઝરી બસો ચલાવે છે. પંચમઢીમાં હોટેલો, હૉલિડે હોમ, મધુરજની કુટિરો, રસોડાં સહિતની કુટિરો તથા જંગલખાતાનાં અતિથિગૃહોની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગિરીશભાઈ પંડ્યા