પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ
January, 1998
પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ (Pugwash Conferences on Science and World Affairs) : 1995માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા.
1955માં રસેલ-આઇન્સ્ટાઇન દ્વારા પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે જાહેરનામું બહાર આવ્યા પછી 1957માં બર્ટ્રાન્ડ રસેલ અને જૉસેફ રોટબ્લાટ દ્વારા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાને તેના સ્થાપક- સભ્ય જૉસેફ રોટબ્લાટ સાથે સંયુક્ત રીતે 1995નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
9 જુલાઈ, 1955ના રોજ રસેલ-આઇન્સ્ટાઇન દ્વારા પરમાણુ-હથિયારોની વિનાશક્ષમતા ધ્યાનમાં લઈ તેની નાબૂદી માટે વિજ્ઞાનીઓની સભાનું આયોજન થયું હતું.
કૅનેડાના નૉવા સ્કોટિયા વિસ્તારમાં આવેલા પગવોશના વતની સાયરસ ઈટન દ્વારા આવા કાર્ય માટે 13મી જુલાઈએ આર્થિક યોગદાન આપવાની જાહેરાત થઈ હતી.
જુલાઈ, 1957ના રોજ બુદ્ધિજીવી વિચારકોની સભાનું આયોજન થયું. આ પ્રથમ સભામાં યુનાઇટેડ સ્ટેટ્સ (07), સોવિયેત યુનિયન (03), જાપાન (03), યુ.કે. (02), કૅનેડા (02) ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, ચીન, ફ્રાન્સ અને પોલૅન્ડના વિજ્ઞાનીઓએ હાજરી આપી હતી. ઉદ્યોગ-સાહસિકો અને જાહેર જીવનનું ચિંતન કરનારા સાયરસ ઈટન, એરિક બર્હૉય, રૂથ આદમ, અન્ને કિંદર જોન્સ અને વ્લાદિમીર પોવ્લીશેન્કો પણ આ નિ:શસ્ત્રીકરણ અંગેની પ્રથમ સભામાં હાજર હતા.
આ સંસ્થાનો મુખ્ય હેતુ સમૂહનો નાશ કરે તેવાં પરમાણુ અને જૈવિક શસ્ત્રો સંપૂર્ણ નાબૂદ કરવા માટેનો છે. આ માટે શાંતિપૂર્વક ચર્ચા વગેરે દ્વારા રજૂઆત અને પરસ્પરની સમજૂતીથી ઉકેલ લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે લોકજાગૃતિ કેળવવા સભા, કાર્યશાળા, સલાહ-સૂચન અને સરકારના વ્યક્તિગત અનુભવ અંગેના શિબિરો પણ યોજવામાં આવે છે. લશ્કરી સેવા અંગે ઊંડાણપૂર્વકની ચર્ચા અને સમસ્યાનું વિશ્ર્લેષણ કરીને વિજ્ઞાન અને વિશ્વ વચ્ચે તાલમેળ સાધવામાં આવે છે. જુદા જુદા દેશ અને સમૂહ વચ્ચે ઉત્પન્ન થતી સમસ્યાના નિરાકરણ માટે ખાનગી રાહે પણ આ સંસ્થા સભા વગેરેનું આયોજન કરે છે.
આ સંસ્થાના માળખામાં પ્રમુખ અને સામાન્ય મંત્રી ઉપરાંત કાયદો-નીતિ વગેરેના અમલ માટેની સમિતિ છે. 62મી જ્યુબિલી કૉન્ફરન્સ અસ્તાના (કઝાખિસ્તાન) (2017)માં મળી હતી.
આ સંસ્થાનાં કાર્યાલયો રોમ, લંડન, જિનીવા અને વૉશિંગ્ટન ડી.સી.માં આવેલાં છે. આ સંસ્થા યુનાઇટેડ નૅશન્સ તથા અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંપર્કમાં રહે છે.
નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સના નેજા હેઠળ કાર્ય કરતાં હોય એવાં પચાસ ‘પગવોશ ગ્રૂપ’ પણ છે.
આંતરરાષ્ટ્રીય પગવોશથી સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યું હોય એવું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ/યંગ પગવોશ પણ છે.
પહેલાં પંદર વર્ષ દરમિયાન પગવોશ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા બર્લિન, ક્યૂબન મિસાઇલ, વૉર્સો-ઝેકોસ્લોવાકિયા અને વિયેટનામ યુદ્ધ અંગે સમજૂતી કરવામાં ખૂબ જ મહત્ત્વનું કાર્ય થયું. આ સંસ્થા પર્યાવરણના રક્ષણ અંગે પણ કાર્યરત છે.
નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારા વિજ્ઞાનીઓએ પગવોશ કૉન્ફરન્સમાં પ્રમુખ તરીકે પણ હાજરી આપેલી.
કિશોર પંડ્યા