પગલા પાન : દ્વિદળી વર્ગના સ્ટર્ક્યુલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sterculia diversifolia syn. (S. alata Roxb. var. diversifolia) છે. તેને ગાંડું વૃક્ષ (mad tree) અથવા (તેનું થડ બાટલી આકારનું હોવાથી) ‘બૉટલ ટ્રી’ કહે છે. તે ઑસ્ટ્રેલિયાનું મૂલનિવાસી ગણાય છે. આ વૃક્ષ મધ્યમસરની ઊંચાઈ ધરાવે છે. આ વૃક્ષનાં કોઈ બે પાન આકાર કે કદમાં સરખાં હોતાં નથી. તેનાં પાન થોડાં જાડાં અને 15થી 20 સેમી. લાંબાં તથા 8થી 10 સેમી. પહોળાં હોય છે. તેના વિવિધ આકારો નીચે મુજબ છે :

પગલા પાનના વિવિધ આકારો

તેનાં પુષ્પ આમ તો લીલાશ પડતાં સફેદ હોય છે, પણ તેમની વચમાં ગુલાબી સફેદ રંગ જોવા મળે છે. આ વૃક્ષને વસંત ઋતુમાં પુષ્પો આવે છે.

આ વૃક્ષ ભાગ્યે જ જોવા મળે છે. એના ઉછેરમાં ખૂબ કાળજી રાખવી પડે છે. S. urens (કડાયો ગુંદર) નામની વનસ્પતિનું તે નજીકનું સંબંધી ગણાય છે.

મ. ઝ. શાહ