પગરખાં : પગનાં તળિયાંને ઢાંકતું રક્ષા માટેનું તથા પાનીની શોભા માટેનું આવરણ. પગરખાંના વર્ગમાં ચાખડી, પાદુકા, ઉપાનહ, જૂતું, જોડો, મોજડી, ચંપલ, સૅન્ડલ, બૂટ, સ્લિપર વગેરેનો પણ સમાવેશ થાય છે.
પગરખાંની ઉત્પત્તિ ક્યારે કેવી રીતે થઈ તે અનુમાનનો વિષય છે.
કપિમાનવ (pithecanthropus) થોડો સમય વૃક્ષ પર અને થોડો સમય ધરતી પર પસાર કરતો હતો. તેના પગ એટલા બળવાન હતા કે હજુ તેને હિમનદીની ઠંડી, વગડાના કાંટા, તપેલી શિલા કે નદી તટના કાંકરા નડતા નહોતા. માણસ(homo sapiens)માં વિવેકબુદ્ધિ કેળવાઈ ત્યાં સુધીમાં તે પૂર્ણપણે ભૂચર બની ગયો હતો. તેનાં શિશુ પણ ધરતી પર પગના સહારે સ્થિર થવા મથતાં હતાં. સંભવ છે કે આ સંજોગોએ માનવીને પગની રક્ષા માટે ઉપાય કરવા – વિચારવા પ્રેર્યો હોય. આ સમયે ઉપલબ્ધ પદાર્થોમાંથી લાકડું, છાલ, ચામડું, પાંદડાં, શણ, પીંછાં જેવા કોઈ પદાર્થ-વસ્તુને ઘાસ, વેલા કે પ્રાણિજ રજ્જુની મદદથી વીંટાળીને પગે બાંધવા પ્રયાસ કર્યો હોય. પગરખાંની ઉત્પત્તિ આવી કોઈ રીતે થઈ હોવાનું મનાય છે.
પ્રાચીન ભારતમાં યજ્ઞાર્થ પશુવધ બંધ પડવાથી તથા માંસભક્ષણનો અનાદર વધવાથી પગરખાંમાં લાકડાનો ઉપયોગ વધ્યો. અત્યારે પણ ધર્મસ્થાનમાં ચામડાનાં પગરખાં તથા પાકીટ જેવી વસ્તુ સાથે પ્રવેશનો નિષેધ હોય છે. એથી ઊલટું, સંતોની પાદુકાઓ પૂજવા યોગ્ય ગણાય છે. ભરતે અયોધ્યામાં રામની પાદુકા સ્થાપી રામના નામે શાસન કર્યું હતું.
અત્યારે પગરખાં મોટેભાગે ચામડાનાં તથા પ્લાસ્ટિકનાં બને છે. ઉપરના ભાગ માટે વિવિધ પદાર્થો વપરાતા થયા છે. કપડું, નાયલૉન, પ્લાસ્ટિક, રેશમ, ઘાસ, કંતાન વગેરે. તળિયું કઠણ રબરનું પણ બનાવાય છે અને એડીના ભાગે રબર કે કાષ્ઠ પણ વપરાય છે.
પ્રારંભે પગરખાંનો એકમાત્ર હેતુ પગની રક્ષાનો હતો. શોભાનો હેતુ મોડેથી પ્રવેશ્યો. સેના આદિમાં પગરખાં પદનાં સૂચક બન્યાં. આગળ લાંબી, વળાંક લેતી ચાંચ, વેંત ઊંચી એડી, વેંત પહોળો પંજો, પંજાની ઉપરના ભાગે રત્નજડિત પટ્ટી – આ બધું કેવળ શોભા માટે જ અપનાવાયું. તે એટલી હદે કે આશરે ઈ. સ. 1000માં ચીનમાં પાંચસાત વરસની બાળકીને પગે રેશમી પગરખાં એટલાં સજ્જડ પહેરાવવાની પ્રથા શરૂ થઈ કે તેથી કન્યાના પગનો વિકાસ અટકી ગયો. યુવાન સ્ત્રી ઊભી કે ચાલી ના શકે તે સ્થિતિ છેક 1912 સુધી ચાલુ રહી. નાના પગવાળી સ્ત્રીનો લગ્ન માટે ઊંચો ભાવ બોલાતો.
અત્યારે પગરખાંની જોડમાં ડાબા તથા જમણા પગ માટે જુદાં પગરખાં બને છે. પ્રારંભે બેય પગના જોડા એક જ ઢાળમાં બનાવવામાં આવતા. ડાબાજમણાનો ભેદ છેલ્લાં બસો વર્ષથી ધ્યાનમાં લેવાયો છે.
યંત્રો નહોતાં ત્યારે બધા પ્રકારનાં પગરખાં કુશળ કારીગરો હાથ વડે જ બનાવતા હતા. કુટુંબના સભ્યોની જરૂરિયાત પ્રમાણે પગરખાં તૈયાર કરાતાં. ગામડાની સંસ્કૃતિનો વિકાસ થતાં પગરખાંના કામના કુશળ કારીગરોનો મોચી નામનો એક અલગ વર્ગ ઊભો થયો. પશ્ચિમમાં મધ્યયુગમાં મોચીનું સ્થાન સમાજમાં આદરપાત્ર હતું. આજેય વિશિષ્ટ ઘાટવાળાં પગરખાં પારંપરિક કૌશલવાળા ચર્મકારો હાથે જ બનાવતા હોય છે.
જેમ અન્ય ક્ષેત્રોમાં તેમ પગરખાં બનાવવાના ક્ષેત્રે પણ યંત્રો તથા સંગણક (computer) હવે પ્રવેશી ચૂક્યાં છે. ગણતરીના શ્રમિકો અદ્યતન યંત્રો પર અનેક ઘાટનાં પગરખાં લાખોની સંખ્યામાં તૈયાર કરે છે. પગરખાંની એક જોડ બનાવવામાં વિવિધ પ્રકારનાં 150થી વધારે યંત્રો કાર્ય કરે છે. આમાં મોટાભાગનાં યંત્રો સીવણયંત્રો હોય છે. જોકે તેમાંયે વિવિધતા જોવા મળે છે. આ સીવણયંત્રની શોધ દરજીના જેટલી જ મોચી માટે પણ આશીર્વાદરૂપ નીવડી છે.
પગરખાંના કારખાનામાં કમાવેલું ચામડું આઠેક વિભાગોની નિર્માણ-પ્રક્રિયામાંથી પસાર થઈને સુંદર ઉપાનહમાં રૂપાંતર પામે છે. પ્રારંભ કર્તનવિભાગથી થાય છે. સીવણ-કક્ષમાં ચામડાનું પ્રાથમિક સીવણ થાય છે. તળિયા (sole) વિભાગમાં પગરખાંનાં તળિયાં તૈયાર કરવામાં આવે છે. આકાર-કક્ષમાં પગરખાંને પગને અનુરૂપ જરૂરી ઘાટ અપાય છે. તે પછીના વિભાગમાં તેમને તળિયા સાથે જોડવામાં આવે છે. એડી વિભાગમાં ઘાટ પ્રમાણે એડી લગાડવામાં આવે છે. છેલ્લે તેની સાફસૂફી કરી, પૉલિશ કરી, લેબલ લગાડી, ખોખામાં બંધ કરવામાં આવે છે. તે પછી તે ગ્રાહકની ખરીદી માટે પૂરેપૂરાં તૈયાર ગણાય છે.
સીવણના સ્થાને હવે ઘણી વાર પ્લાસ્ટિક, ગુંદર તથા ખીલીઓ પણ વપરાય છે. મોટેભાગે જોડવા-ચોંટાડવાની (સંયુક્ત) પદ્ધતિ કામમાં લેવાય છે. વિશેષ પ્રકારના ઉપયોગ માટે અલગ પ્રકારના જોડા બનાવવામાં આવે છે; જેમ કે, હિમ પર ચાલવા કે લપસવાના તથા લોઢું ગાળવાની ભઠ્ઠી પાસે કામ કરતાં પહેરવાના કે એ પ્રકારનાં જોખમી કામો કરતાં પગની રક્ષા માટે પહેરવાના જોડા. આવાં ખાસ પ્રકારનાં પગરખાં વિશિષ્ટ પદાર્થોમાંથી બનાવેલાં હોય એ અનિવાર્ય છે. જ્યાં શ્રમિકોને ભારે પદાર્થોની હેરફેર કરવાની હોય ત્યાં તેમના માટે વિશેષ પોલાદી કવચવાળા જોડા જરૂરી હોય છે, જે પગ ઉપર ભાર પડે તો તેને કચડાઈ જતો રોકી શકે. ઉપાહારગૃહના કર્મચારીઓ, રુગ્ણાલયની પરિચારિકાઓ, ટપાલીઓ વગેરેને એમના વ્યવસાય નિમિત્તે લાંબો સમય ચાલવાનું હોય છે તેથી તેમને પોચી ગાદીનાં તળિયાંવાળાં પગરખાં અનુકૂળ રહે છે. રમતગમતમાં ખેલાડીની સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે તેના હલનચલનમાં સહાયક એવા જોડા વપરાય છે.
સુવિધાની જેમ જ શોભાના ખ્યાલથી પણ પગરખાંમાં વિવિધ ઘાટ તથા રૂપો પ્રચલિત બન્યાં છે. સામાન્ય સંજોગોમાં સાદાં પગરખાં પૂરતાં સુરક્ષિત ગણાય છે. આમ છતાં ફૅશનના આકર્ષણે અનેક સ્ત્રીઓ વધારે ઊંચી એડીવાળાં પગરખાં પહેરે છે, જે તેમને અનેક રીતે હાનિકર્તા પણ નીવડી શકે છે. આગળનાં આંગળાં જકડાઈ જવાથી આવતી વિકૃતિ અને પીડા, ઘૂંટણ, થાપા આદિ સાંધામાં ઊભી થતી વિકૃતિ, કરોડના મણકા પર આવતું અનિચ્છનીય દબાણ, ચાલવામાં પડતી અગવડને કારણે પડી જવાતાં થતી ઈજા – આવી આવી અનેક મુશ્કેલીઓનો વિચાર પગરખાંની પસંદગી વખતે રાખવો જરૂરી હોય છે.
સંગ્રહાલયો સંસ્કૃતિનાં દર્પણો હોય છે. કૅનેડાના ટોરન્ટોમાં એક પગરખાંનું સંગ્રહાલય છે, જેમાં વિશ્વવિખ્યાત બાટા કંપનીની સંચાલિકા સોનિયા બાટાએ 5,000 વર્ષોનો પગરખાંનો ઇતિહાસ 10,000 નમૂનાઓમાં પ્રસ્તુત કર્યો છે. ઉપર્યુક્ત સંગ્રહાલયની સ્થાપના ટોરન્ટો વિદ્યાપીઠના પ્રાંગણમાં 6 મે, 1995ના દિવસે થઈ હતી.
પગરખાં–ઉદ્યોગ (ભારતમાં) : પગરખાં-ઉત્પાદનનો ઉદ્યોગ તરીકે વિચાર કરવામાં આવે ત્યારે તેને વિશાળ ચર્મઉદ્યોગના ભાગ રૂપે જોવામાં આવે છે. ઢોરોનાં ચામડાં ચૂંથવાનું કાર્ય હલકું ગણાતું હોવાથી તેમાં કુશળ કારીગરોની સામાન્ય રીતે અછત જણાય છે. ભારત વિશ્વમાં સૌથી મોટું પશુધન ધરાવે છે. ઊંચું મરણપ્રમાણ તથા નાની વયનાં ઢોરો કાપવાની વધતી પ્રવૃત્તિ છતાં લાંબા સમયથી ભારત વિશ્વમાં માત્ર ચામડાંનો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો. મોચીનો પારંપરિક વ્યવસાય દેશની અડધી વસ્તીને હાથે સીવેલાં પગરખાં પૂરો પાડતો રહ્યો. સ્વતંત્રતા પછી વિસ્તૃત સર્વગ્રાહી કાર્યક્રમ હેઠળ પગરખાં ઉદ્યોગમાં આધુનિક યંત્રોના ઉપયોગને ઉત્તેજન અપાયું. 1933માં સ્થપાયેલી પરદેશી બાટા કંપનીએ ઉદ્યોગ તરીકે આ ક્ષેત્ર કેવું લાભદાયી છે, તે બતાવ્યું. સાથે સાથે ગ્રામોદ્યોગ-હસ્તોદ્યોગમાં રોજગારલક્ષી ક્ષેત્ર તરીકે ચર્મકામને મહત્ત્વ અપાયું. અભિગમ એવો રહ્યો કે કાચાં ચામડાં નિકાસ કરનાર મટીને દેશ આધુનિક પગરખાં અને ચર્મકલાનાં બીજાં ઉત્પાદનોની નિકાસ કરીને સારું હૂંડિયામણ મેળવે. આ માટે બે બાજુનાં પગલાં પ્રયોજાયાં. કાચાં કે અર્ધકમાવેલાં ચામડાંની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાયો અને આધુનિક ઉદ્યોગ માટે આવશ્યક આયાતો માટે છૂટ અપાઈ. જોકે 1990ની આસપાસ રૂ. 27 અબજની નિકાસ સામે આયાત કેવળ 2.3 અબજની હતી. તેમાં રૂ. 60 કરોડ યંત્રો માટે, રૂ. 60 કરોડ વિશેષ ચામડાની પટ્ટીઓ માટે, રૂ. 25 કરોડ ચામડું કમાવવાનાં રસાયણો માટે અને આશરે રૂ. 80 કરોડ ઘટકો, આનુષંગિક વસ્તુઓ વગેરે માટે ખર્ચાયા.
આ સમયમાં દેશમાં વિકસેલાં મોટાં ઉત્પાદનકેન્દ્રોમાં અમદાવાદ, આગ્રા, કૉલકાતા, કાનપુર, કોયમુત્તૂર, ગ્વાલિયર, ચેન્નાઈ, જયપુર, જાલંધર, જોધપુર, દિલ્હી, પટણા (દીનાપુર), પુણે, બૅંગાલુરુ, મુંબઈ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. કાનપુર દેશનું આદ્ય કેન્દ્ર છે. તે મુખ્યત્વે ભેંસનાં ચામડાંમાંથી પગરખાં તથા તળિયાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. પૂર્વમાં કૉલકાતા બીજું મોટું કેન્દ્ર છે. ત્યાં ગાયો તથા બકરાંનાં ચામડાં પર પ્રક્રિયા કરી મુલાયમ પગરખાંનું મુખ્યત્વે નિર્માણ થાય છે. તમિળનાડુમાં ચેન્નાઈ તથા અન્ય કેટલાંક મથકો પગરખાં ઓછાં અને મૃદુ ચામડાંની કળાત્મક વસ્તુઓ વધારે બનાવે છે. કેટલાંક વર્ષો પૂર્વે દક્ષિણ કોરિયાની સ્પર્ધા નડતી હતી, પણ, ત્યાં ઉત્પાદન ખર્ચાળ બની જતાં તેનો ભય ઘટ્યો છે. વળી શાસન દ્વારા નિકાસ પરિષદ દ્વારા ઉત્તેજન જેવા ઉપાયો પણ સહાયક નીવડ્યા છે. ચેન્નાઈમાં કેન્દ્રીય ચર્મ સંશોધનશાળા વિશાળ પાયે સંશોધન કરે છે, જેનાં ફળ ઉદ્યોગને સુલભ કરાય છે. કૉલકાતા, કાનપુર, બૅંગાલુરુ આદિ નગરોમાં પણ સંશોધનકેન્દ્રો કાર્યરત છે.
પ્રારંભે સોવિયત સંઘ સાથે ભારતના સારા સંબંધો હોવાથી ભારતની પગરખાં-નિકાસમાં સૌથી મોટો ભાગ તેનો હતો. જોકે છેક હમણાં સુધી ભારત કેવળ તળિયા વિનાનાં (shoe upper) પગરખાંની જ નિકાસ કરતું હતું. આપણી કુલ જોડાનિકાસમાં સંપૂર્ણ એટલે કે તળિયાંવાળા જોડાની નિકાસ 15 %થી 20 % વચ્ચે રહી છે. 1991ના વિઘટન પછી રશિયાનું વલણ ભારતને માટે જોડાની નિકાસ બાબતે પ્રોત્સાહક રહ્યું નથી.
ભારતમાં મુખ્ય ઉત્પાદકોનું પગરખાંનું વેચાણ
કંપની | વડું મથક | વિતરણ–કેન્દ્રો (outlets) | વેચાણ (રૂ. કરોડ) |
બાટા | કૉલકાતા | 750 | 630 |
કૅરોના | મુંબઈ | 300 | 160 |
લિબર્ટી | કરનાલ (હરિયાણા) | 150 | 150 |
લાખાણી | ફરીદાબાદ | 25 | 130 |
વૂડલૅન્ડ | દિલ્હી | 50 | 100 |
તાતા | દેવાસ | (કેવળ નિકાસ) |
1994-95 પછી ફરી એક વાર પગરખાં-ઉદ્યોગના વિકાસે વેગ પકડ્યો. તાતા અને અંબાણી જેવા દેશનાં ટોચનાં ઉદ્યોગજૂથોએ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. અગાઉ બાટા સાથે ઉદય પામેલાં ફ્લૅક્સ, દાઉદ, મેટ્રો, લિબર્ટી, કૅરોના, એમ.એસ.મિડ ઈસ્ટ, મોન્ટારી આદિ નામોમાંથી કેટલાંક અસ્ત પામ્યાં અને અમીનસન, કેન ક્રાઉન, ગૉર્ડન વૂડરૉફ, તાતા, ઍક્શન, પૅરેગૉન, એનબી, સંતૂર, સુપર હાઉસ, વૂડલૅન્ડ, લાર્સન અને ટૂબ્રો, લાખાણી જેવાં નવાં નામ ઉમેરાયાં. આમ છતાં પગરખાંના વેચાણમાં 70 % જેવા સિંહફાળા સાથે બાટાના પ્રથમ સ્થાનને આંચ આવી નથી. દેશની સૌથી મોટી પેઢીઓમાં તેનું 118મું સ્થાન છે.
1985માં દેશમાં પગરખાંની 30 કરોડ જોડની માગ હતી. દર વર્ષે તેમાં 5 %ના દરે વૃદ્ધિ થતી રહી છે. આમ છતાં, દેશની અડધી વસ્તી હજી ઉઘાડપગી છે.
ઘણાં કેન્દ્રોમાં નાના ઉત્પાદકો તેમનું ઉત્પાદન છૂટક વેચાણમાં મૂકવાને બદલે સીધું મોટા ઉત્પાદકોને વેચી દે છે. આવું આશરે 50 % ઉત્પાદન મોટી પેઢીઓ ખરીદી લે છે. ઉદારીકરણની નીતિએ કેટલીક જાણીતી વિદેશી કંપનીઓને આ ક્ષેત્રે ભારતમાં ઉત્પાદન કરવા માટે આકર્ષી છે. એમાં રેબૂક, નાઇક અને લોટો મુખ્ય છે.
ઈ. સ. 2015-16 દરમિયાન દેશમાંથી અંદાજે રૂ. 4,000 કરોડથી વધુ કિંમતનાં કમાવેલ ચામડાં, પગરખાં, વસ્ત્રો, મુસાફરીનો સામાન વગેરેની નિકાસ થઈ હતી.
અમિતાભ મડિયા
બંસીધર શુક્લ