પક્ષી
સામાન્યપણે ઊડવાની ક્ષમતા ધરાવતું પીંછાંવાળું પૃષ્ઠવંશી પ્રાણી. કીટકો અને ચામાચીડિયાં જેવાં પ્રાણીઓ પણ ઉડ્ડયન કરતાં હોય છે; પરંતુ પીંછાં માત્ર પક્ષીઓને હોય છે. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતાં આ પક્ષીઓ અન્ય પ્રાણીઓ માટે અશક્ય એવી જગ્યાએ પણ જઈ શકે છે. તેથી તેઓ પૃથ્વી પર સર્વત્ર જોવા મળે છે. અતિઉષ્ણ એવા ઉષ્ણકટિબંધ પ્રદેશથી માંડીને ધ્રુવ જેવા અતિશય ઠંડા પ્રદેશોમાં પણ પક્ષીઓ વાસ કરતાં જોવા મળે છે. વળી રણપ્રદેશ કે જંગલ, ગુફા કે ડુંગરની ટોચ, ગામડું કે શહેર, તળાવ કે મહાસાગર – એમ વિવિધ પ્રકારનાં સ્થળોમાં પક્ષીઓ વસતાં હોય છે.
કેટલાંક પક્ષીઓએ ઉત્ક્રાંતિ દરમિયાન ઉડ્ડયનક્ષમતા ગુમાવી છે; દાખલા તરીકે રણ, ઝાડી તેમ જ ઘાસવિસ્તારમાં વાસ કરતું શાહમૃગ પક્ષી ઊડી શકતું નથી; માત્ર ચાલી કે દોડી શકે છે. દક્ષિણ ધ્રુવ અને તેની આસપાસના વિસ્તારમાં વાસ કરતાં પૅંગ્વિન પક્ષી પણ ઊડી શકતાં નથી, પરંતુ તે કુશલ તરવૈયાં છે. કુક્કુટ વર્ગનાં પક્ષી પાંખ હોવા છતાં મોટેભાગે પગે પ્રચલન કરતાં હોય છે.
હવામાં અધ્ધર રહીને ઊડી શકે એવી અનુકૂળતાવાળો બાંધો ધરાવનારાં પક્ષીઓ વજનમાં હલકાં હોય છે. પરિણામે પક્ષીઓમાં ઉદ્વિકાસની દિશા ઉપર્યુક્ત અનિવાર્ય નિયંત્રણથી હંમેશાં પ્રભાવિત રહેલી હોય છે. શરીર સુઘટિત હોય છે અને સ્નાયુ તેમજ હાડકાં સહિત અન્ય અવયવોનું દ્રવ્યમાન બે પાંખોની વચ્ચે આવેલ ગુરુત્વ કેન્દ્ર તરફ કેન્દ્રિત થયેલું હોય છે. જાતજાતનાં નિકેતો(niches)માં વાસ કરનાર આ પક્ષીઓમાં રંગ, રૂપ, કદ પરત્વે વિવિધતા જોવા મળતી હોવા છતાં પ્રાણીસમૂહ તરીકે બધાં પક્ષીઓમાં બાંધાની બાબતમાં એકરૂપતા હોય છે.
પીંછાં : ત્વચાની બાહ્ય સપાટીએ આવરણ રૂપે આવેલાં ‘પીંછાં’ પક્ષીઓનું એક અનોખું વૈશિષ્ટ્ય છે. પીંછાંઓ હવાને જકડી રાખી શકે છે. આ સુવિધા શરીરનું તાપમાન જાળવી રાખવા અગત્યની છે. પીંછાં મૃદુ, સુનમ્ય અને વજનમાં હલકાં હોવા છતાં ઘણાં મજબૂત હોય છે.
પીંછાં ઈજા પામે ત્યારે તૂટી જવાને બદલે વાંકાં થાય છે. પીંછાં નિર્જીવ હોવાને કારણે તેમને પોષક દ્રવ્યોની જરૂર હોતી નથી. તે રંગે આકર્ષક હોય છે અને સાથીનું ધ્યાન ખેંચે છે. પાંખના ભાગ તરીકે ઉડ્ડયનમાં તે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે.
પાંખો અને પક્ષી–ઉડ્ડયન : પક્ષીને પવનમાં અધ્ધર ઊંચકી રાખવામાં (airborne) પાંખ અગત્યનો ભાગ ભજવે છે. પાંખની નીચલી સપાટી અંતર્ગોળ, જ્યારે ઉપલી સપાટી બહિર્ગોળ હોય છે. અંતર્ગોળતાને લીધે પાંખની નીચે પોલાણ થવાથી તેમાં હવા ભરાય છે. પરિણામે ઉપરની દિશાએ થયેલ દબાણ પક્ષીને હવામાં ઊંચકવામાં મદદરૂપ નીવડે છે.
સાથે સાથે ઉડ્ડયન દરમિયાન, બહિર્ગોળ ઉપલી સપાટીએથી હવા ઝડપથી સરકતી હોવાથી નીચેની દિશાએ હવાનું દબાણ નહિવત્ રહે છે. આવી વ્યવસ્થા દરમિયાન, પક્ષીનું શરીર સ્થિર રહે છે. પાંખ પક્ષીને બે રીતે ઉપયોગી નીવડે છે : વિમાનની પાંખની જેમ હવામાં સ્થિર રાખવામાં અને નોદક (propeller) તરીકેની કામગીરીમાં. ફફડાટ (flapping), નિસર્પણ (gliding), ઊર્ધ્વારોહણ (soaring) અને કંપન (hovering) – આ ચાર પ્રકારની પ્રક્રિયાઓનો પક્ષીના ઉડ્ડયનમાં સમાવેશ થાય છે.
કંકાલ–તંત્ર : પક્ષીઓનાં હાડકાં પોલાં છતાં મજબૂત હોય છે. તેની આંતરિક રચના મધપૂડા જેવી હોય છે. તેની અસ્થિરેખાઓ (trabeculae) બળરેખા(trajectories)ને સમાંતર ગોઠવાયેલી હોય છે. ઘણાં હાડકાં એકબીજાંમાં ભળતાં હોવાથી કંકાલતંત્રની નમ્યતા (flexibility) ઘટવાથી તાકાતમાં વધારો થાય છે.
ખોપરી : મસ્તિષ્કનાં હાડકાં સાવ પાતળાં હોય છે. નેત્રગુહા એનો સારો એવો ભાગ રોકે છે. જડબાંનાં હાડકાં શૃંગી-આવરણયુક્ત અને દાંત વગરનાં હોય છે. ઘસારાને પહોંચી વળવા શૃંગી-સ્તરની વૃદ્ધિ થયા કરે છે. પક્ષીઓના ખોરાક-ગ્રહણમાં વિવિધતા રહેલી છે. તેને અનુરૂપ અસ્થિરેખાઓ ગોઠવાયેલી હોય છે.
અગ્રપાદ અને અગ્રબાહુ : બાહુનાં હાડકાં લાંબાં હોય છે. કાંડા અને હથેળીનાં હાડકાં પરસ્પર જોડાઈને બનેલો એક વધારાનો વેઢો પાંખના પ્રધાન (primary) પીંછાને આધાર આપે છે. અગ્રપાદ માત્ર ત્રણ આંગળી ધરાવે છે. પક્ષીઓમાં અગ્રપાદ પાંખમાં પરિવર્તન પામેલ હોવાથી તેને અનુરૂપ ઉક્ત ફેરફારો થયેલા છે.
પશ્ચપાદ : પ્રચલન ઉપરાંત પગ ડાળી કે ભક્ષ્ય પરની પકડ મજબૂત રાખવામાં મદદરૂપ નીવડે છે. ઊરુ-અસ્થિ લાંબું હોય છે. જ્યારે પિંડીમાં આવેલ અંતર્જંઘાસ્થિ અલ્પવિકસિત હોય છે. ગુલ્ફાસ્થિ અને પશ્ચગુલ્ફાસ્થિ એકબીજામાં ભળી જતાં બનેલ સંયુક્ત દૂરસ્થ-પશ્ચગુલ્ફાસ્થિને લીધે પગમાં એક વેઢાનો વધારો થયો હોય છે.
પાંસળી–પાંજરું (rib cage) : આ પાંજરાનો ઉપરનો ભાગ તેમાં વિલયન પામેલ ધડપ્રદેશની કશેરુકાનો બનેલો હોય છે. બાજુએથી પાંસળીઓ આવેલી છે. નીચેનો ભાગ નૌતલ (keel) ધરાવતા ઊરુઅસ્થિનો બનેલો છે. આ પાંજરું અંતરંગોને પૂરતું રક્ષણ આપે છે. ઉડ્ડયનમાં નૌતલ સાથે અગત્યના સ્કંધ-સ્નાયુ (pectoral muscles) જોડાયેલા હોય છે.
સ્નાયુતંત્ર : સ્નાયુઓ કંકાલતંત્ર સાથે વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોવાથી, શરીર ચપળ (nimble) અને સુવાહી બનેલું હોય છે. સ્કંધ-સ્નાયુઓ પાંખને નીચેની દિશાએ ખસેડે છે જ્યારે અધિ-અસંતતુંડ (supra coracoid) સ્નાયુપાંખને ઊંચકે છે. પગના સંકોચક સ્નાયુઓ સારી રીતે વિકાસ પામેલા હોય છે. પરિણામે પક્ષીઓ ડાળખી પર પકડ જમાવી આરામથી સૂઈ શકે છે.
પચનાંગો : ખોરાકની દૃષ્ટિએ પક્ષીઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. બીજ, કીટકો, પુષ્પરસ, માછલી, જીવંત તેમજ મૃતપ્રાણીઓનું માંસ જેવા વૈવિધ્યપૂર્ણ પોષક પદાર્થોનો પક્ષી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મુખ્યત્વે ચાંચ અને પગની મદદથી ખોરાકને પકડી તેને મુખમાં ધકેલે છે. બીજ-ગ્રહણ કરનાર પક્ષીઓની ચાંચ પ્રમાણમાં કદમાં નાની અને શંકુ આકારની (દા. ત., ચકલી, કબૂતર) અને ફળ ગ્રહણ કરનાર પક્ષીઓની ચાંચ (દા. ત., પોપટ) પણ શંકુ આકારની હોવા ઉપરાંત અણીદાર હોય છે. તેની મદદથી ફળના આવરણને અલગ કરીને બીજ ખાય છે. નાના કદના કીટકનું ભક્ષણ કરનાર પક્ષી(દા. ત., લીલો નીલકંઠ – green bee – eater)ની ચાંચ સુકોમળ, પાતળી, અણીદાર અને કિંચિત્ વળેલી હોય છે. માંસનું ભક્ષણ કરનાર ગીધની ચાંચ અણીદાર અને મજબૂત હોય છે જ્યારે માછલી જેવાં જલજ પ્રાણીઓને ખાનાર પક્ષીઓની ચાંચ (દા. ત., નાનું શ્વેત બગલું) ટૂંકી અને સીધા ભાલા જેવી અણીદાર હોય છે. જલજ પ્રાણીખોરાકનું ભક્ષણ કરના ચમચા(spoon bill)ને ચાંચ લાંબી અને પાતળી હોવાથી, એના છેડા તાવેથાની જેમ ગોળ અને ચાડા જેવા આકારના હોય છે. લક્કડખોદની ચાંચ ફરશી જેવી હોવાથી ઝાડમાં કાણું પાડી કીટકને શોધવાની ક્ષમતા ધરાવે છે.
કબૂતર જેવાં પ્રાણીઓમાં ખોરાકના સંગ્રહ માટે સંગ્રહાશય હોય છે. દાંતના અભાવે ખોરાકનો ભૂકો જઠરમાં થાય છે. તેનો પાછલો ભાગ પેષણી(gizzard)માં રૂપાંતર પામેલો હોય છે, જે ખોરાક ભરડવા અને ભૂકો કરવા માટે સક્ષમ હોય છે. પક્ષીને મળાશય કે મૂત્રાશય હોતું નથી. યુરિયાને યુરિક ઍસિડમાં ફેરવવામાં આવે છે અને અવારનવાર સામાન્ય એવા મળ-મૂત્રમાર્ગ વાટે તેનો ત્યાગ કરવામાં આવે છે.
સંવેદન : પક્ષીઓમાં દૃષ્ટિ અને શ્રવણને લગતાં સંવેદનાંગોનો વિકાસ સારી રીતે થયેલો હોય છે. આંખો મોટી હોય છે અને શીર્ષપ્રદેશમાં પાર્શ્વ બાજુએથી ગોઠવાયેલી છે. જોકે ઘુવડ કે પૅંગ્વિન જેવાં પક્ષીઓ દ્વિનેત્રી દૃષ્ટિ (binocular vision) ધરાવે છે. નિશાચર પક્ષીઓ ઓછા પ્રકાશમાં પણ વસ્તુ નિહાળી શકે છે. દિવાચર પક્ષીઓ રંગ પારખવામાં નિષ્ણાત હોય છે. આંખના અંત:સ્થ ભાગમાં ‘પેક્ટેન’ નામની એક ગડીયુક્ત અંગિકા આવેલી હોય છે. પ્રચલિત માન્યતા મુજબ તે નેત્રપટલમાં છાયાને પ્રસારી પર્યાવરણમાં થતા હલનચલન(movement)થી સારી રીતે જ્ઞાત રહે છે. વળી તે ‘સેક્સટંટ’ તરીકે ઉપયોગી થાય છે અને સૂર્યના ચોક્કસ સ્થાનનું નિદાન કરી શકે છે. આ સુવિધાને લીધે સ્થળાંતરી પક્ષીઓ સહેલાઈથી માર્ગક્રમણ કરી નિર્દિષ્ટ સ્થળે પહોંચી જાય છે.
પક્ષીઓનું સ્પર્શસંવેદન અત્યંત મર્યાદિત હોય છે. તેમનાં ગંધગ્રાહી અંગોનો વિકાસ નહિવત્ હોય છે. જોકે ગીધ જેવાં પક્ષીઓ જંગલમાં પડેલા મૃતદેહોને ઘ્રાણેન્દ્રિય વડે પારખી શકે છે.
પ્રજનન : સામાન્યપણે પક્ષીઓ માત્ર પ્રજનનઋતુ દરમિયાન સંવનન કરતાં હોય છે. કેટલાંક નરપક્ષીઓ રહેવા માટે વિશિષ્ટ ક્ષેત્ર (territory) પસંદ કરતાં હોય છે. તેઓ એ ક્ષેત્રમાં પોતાની જાતનાં અન્ય નર પક્ષીઓને આવતાં અટકાવે છે. તે લડાયક વૃત્તિવાળાં હોય છે. પોતાના ક્ષેત્રમાં રહી પીંછાં, નર્તન કે સંગીતનું પ્રદર્શન કરી તેઓ માદા સાથીને આકર્ષે છે. ઘણાં પક્ષીઓમાં માદા સાથીઓનો સંગાથ પ્રજનન-કાળ પૂરતો મર્યાદિત રહે છે. જોકે પૅંગ્વિન અને ટર્ન જેવાં પક્ષીઓમાં આ સાહચર્ય, વર્ષો સુધી ટકે એવું કાયમી સ્વરૂપનું હોય છે.
માળો : ઘણાં પક્ષીઓ સુરક્ષિત જગ્યાએ માળો બાંધીને ઈંડાં મૂકી, તેમનું સેવન કરે છે. બાજ જેવાં પક્ષીઓ ખુલ્લી જમીન પર ઈંડાં મૂકતાં હોય છે જ્યારે પોપટ જેવાં પક્ષીઓ જમીન પર ઝાડમાં આવેલી બખોલમાં અથવા તો બીજાં પક્ષીઓએ ત્યજેલ માળામાં ઈંડાં મૂકે છે. કાગડાની ગણના એક ચતુર પક્ષી તરીકે થયેલી છે, પરંતુ કોકિલા પોતાનાં ઈંડાંને કાગડાના માળામાં મૂકીને, કાગડાનાં કેટલાંક ઈંડાંને બહાર કાઢી ફેંકી દે છે.
મુખ્યત્વે માળો બાંધવાનું કાર્ય માદા કરે છે, જ્યારે નર માત્ર માળાનો સામાન પૂરો પાડવામાં માદાને મદદ કરે છે. માળો બાંધવામાં પાંદડાં, ડાળખી, પીંછાં જેવી સામગ્રી વાપરવામાં આવે છે. મોટેભાગે માળા રકાબી કે પવાલા જેવા આકારના હોય છે. ઘણાં પક્ષીઓ માળાને મજબૂત બનાવવામાં લાળ જેવા સ્નિગ્ધ પદાર્થનો ઉપયોગ કરતાં હોય છે. અબાબીલ કે દેવચકલી જેવાં પક્ષીઓ લાળ-મિશ્રિત માટીનો માળો ઊંચે સુરક્ષિત સ્થળે બાંધે છે. સુગરી કે દરજીડા જેવાં પક્ષીઓના માળા આકર્ષક હોય છે. તેમનું માળો બાંધવાનું કૌશલ વખાણવા જેવું હોય છે.
પક્ષીસંગીત : મોટાભાગનાં પક્ષીઓને અવાજ (voice) હોય છે. તેનો ઉપયોગ મધુર સંગીત વડે કે અન્ય રીતે સાથીનું ધ્યાન ખેંચવા કરે છે. ધ્યાન ખેંચતો અવાજ ઊંચો (squawk) અથવા તીણો (peep) હોઈ શકે છે અને તેનો પુનરુચ્ચાર થયા કરે છે. આ સંગીતમય અવાજની ક્રમબદ્ધ વિશિષ્ટ ભાતને અનુસરતી એક લાક્ષણિક ભાષાભંગિમા હોય છે. પક્ષીસંગીત પૅસેરાઈન કુળનાં પક્ષીઓમાં સારી રીતે વિકસેલું જોવા મળે છે. એક ડાળીએથી બીજી ડાળીએ ઊડતાં રહેતાં આ પક્ષીઓનો સંગીતમય અવાજ માદા સાથીને બોલાવવા માટેનો પણ હોઈ શકે છે.
સ્થળાંતર : ઉડ્ડયનની ક્ષમતા ધરાવતાં પક્ષીઓ પર્યાવરણગત વિપરીત બળોથી બચવા સ્થળાંતર કરતાં હોય છે. અમુક ઋતુકાળમાં પોતાનો વિશિષ્ટ પ્રકારનો ખોરાક મેળવવા માટે તેઓ મુશ્કેલી અનુભવે છે. ખાસ કરીને શિયાળામાં તેમના માટે ખોરાક મેળવવાનું દુર્લભ બને છે. અતિશીત પ્રદેશમાં રહેતાં ઘણાં પક્ષીઓ વાતાવરણમાં ખૂબ ઠંડી હોય તો તે સહન કરી શકતાં નથી. તેથી આવી મુશ્કેલીઓથી બચવા તેઓ સ્થળાંતર કરી ઓછી ઠંડી હોય, ખોરાક સુલભ હોય તેવા સ્થળે જતાં હોય છે. ઠંડા પ્રદેશમાં માળા બાંધનારાં પક્ષીઓ શરદ ઋતુની શરૂઆતમાં ઉષ્ણપ્રદેશ તરફ પ્રયાણ કરે છે અને વસંત-ઋતુમાં પાછાં ફરે છે. ટર્ન જેવાં પક્ષીઓ સતત એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી હજારો કિલોમીટરોનો પ્રવાસ ખેડતાં હોય છે. તે જ રીતે કેટલાંક પક્ષીઓ ઉષ્ણકટિબંધના શુષ્ક પર્યાવરણમાંથી ખસીને ભેજમય પ્રદેશ તરફ પ્રયાણ કરે છે.
સ્થળાંતર કરતાં મોટાભાગનાં પક્ષીઓ ઉત્તર-દક્ષિણ દિશાએ પ્રયાણ કરતાં હોય છે. તે એક જ નિશ્ચિત માર્ગને પસંદ કરે છે. અતિ દૂર સ્થળાંતર કરનારાં પક્ષીઓ શ્રમ ટાળવા દરિયાની તટરેખા (coast line), પર્વતની ટોચ, દરિયામાં કે નદી પરથી સરતી હવાની દિશાનો લાભ લઈ, કાર્યશક્તિનો બને તેટલો વ્યય કર્યા વગર વિસર્પણ પ્રકારનું ઉડ્ડયન કરીને માર્ગ કાપે છે. સ્થળાંતર ન કરનારાં ઉષ્ણકટિબંધમાં રહેનારાં કાયમી પક્ષીઓ જે તે સ્થળે મળતા ખોરાકનો લાભ ઉઠાવી ત્યાં જ માળો બાંધે છે. માનવ પરિસરમાં દેખાતાં કબૂતર, ચકલી, કાગડા, તેમજ લક્કડખોદ જેવાં પક્ષીઓનો સમાવેશ આવા પ્રકારમાં કરી શકાય.
પક્ષીઓનું વર્ગીકરણ : દેખાવની દૃષ્ટિએ ઘણી વિવિધતા હોવા છતાં મુખ્યત્વે ઊડવાના પ્રયોજનના કારણે તેમના શરીરના બાંધામાં ઘણું સામ્ય રહેલું હોય છે. ઉદ્વિકાસિક પારસ્પરિક સંબંધના અનુસંધાનમાં બધાં આધુનિક પક્ષીઓની ગણના એક જ ઉપવર્ગ(નિઑર્નિથિસ)માં કરવામાં આવે છે. આ ઉપવર્ગને આશરે 28 શ્રેણીઓમાં વિભક્ત કરવામાં આવે છે. ઉદ્વિકાસની દૃષ્ટિએ શિખરે પહોંચેલી પૅસેરીફૉર્મિસ શ્રેણીમાં 5,000 કરતાં વધારે જાતનાં પક્ષીઓનો સમાવેશ કરવામાં આવે છે. તે સાઠ કરતાં વધારે કુળમાં વહેંચાયેલાં છે :
વર્ગ | વિહગ |
ઉપવર્ગ : | પેલિયોર્નિથિસ (પ્રાચીન વિહગોનો સમૂહ; લુપ્ત) |
1. | આર્કિઓર્નિસ : દાંતવાળાં પક્ષીઓ |
2. | હેસ્પેરૉર્નિસ : દાંતવાળાં જળચર પક્ષીઓ |
3. | ઇક્થિઑર્નિસ : દાંતવિહોણાં જળચર પક્ષીઓ |
ઉપવર્ગ : | નિઑર્નિથિસ (અર્વાચીન વિહગોનો સમૂહ) |
1. | ટિનામિફૉર્મિસ : ટિના માઉ. (દક્ષિણ અમેરિકામાં વસે છે.) |
2. | હ્રીફૉર્મિસ : હ્રીયા. (ઊડી શકતાં નથી, દક્ષિણ અમેરિકામાં વસે છે.) |
3. | સ્ટ્રુદિયોનીફૉર્મિસ : શાહમૃગ. (ઊડતાં નથી. દોડવાની ગતિ કલાકે 100 કિલોમીટર જેટલી. આફ્રિકા અને અરેબિયામાં વાસ કરે છે.) |
4. | કૅસોઅરીફૉર્મિસ : કૅસોવરી. (ઊડતાં નથી. એમુ કુળનાં. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅંડમાં મળી આવે છે.) |
5. | આટેરિજીફૉર્મિસ : કિવી. (ઊડી શકતાં નથી. વતન ન્યૂઝીલૅંડ.) |
6. | પ્રૉસેલરીફૉર્મિસ : પેટ્રેલ, ઍલ્બટ્રૉસ. (ડૂબકીમાર દરિયાઈ પક્ષીઓ, ઊડી શકે છે.) |
7. | સ્ફેનિસિફૉર્મિસ : પૅંગ્વિન. (ઊડી શકતાં નથી. પાંખનું નૌકાદંડમાં રૂપાંતર, કુશળ તરવૈયાં. દક્ષિણ ધ્રુવ અને આસપાસના ટાપુમાં વસે છે.) |
8. | ગેવિયાઈફૉર્મિસ : ડૂબકીમાર (diver). (ત્વચા વડે જોડાયેલી પાદાંગુલિ.) |
9. | પોડિસીફૉર્મિસ : ડૂબકી (grebe). (પાદાંગુલિઓ ત્વચા વડે જોડાયેલી.) |
10. | પેલિકનિફૉર્મિસ : પેણ. (ત્વચા વડે જોડાયેલી પાદાંગુલિઓ. નીચલા જડબાની નીચે સારી રીતે વિકસિત એવી ત્વચાની બનેલી કોથળી, જ્યાં ખોરાક સંઘરી શકાય છે.) |
11. | સિકૉનિફૉર્મિસ : બગલા, ઢોંક, કાંકણસાર, કાંકરોલી વગેરે. (પગ લાંબા, જલચર.) |
12. | ગ્રુઈફૉર્મિસ : સારસ, કુંજ, ઘોરાલ વગેરે. (જમીન તેમજ ભેજવાળી જગ્યાએ વાસ કરનારાં.) |
13. | કૅરાડીફૉર્મિસ : જળમાંજર, ટિટોડી, ટુટવારી, ચકવા વગેરે. (પાણીમાં ચાલનારાં – wading birds, જલજ ખોરાક લેનારાં.) |
14. | ફીનિકૉપ્ટેરીફૉર્મિસ : સુરખાબ. (લાંબા પગ અને લાંબી ગરદન, ચાંચ સહેજ વાંકી.) |
15. | ઍન્સેરિફૉર્મિસ : બતક, રાજહંસ, ચકવો, નક્ટૌ. (જલજ ખોરાક લેનારાં, પાદાંગુલિ વચ્ચે ત્વચા હોય કે ન પણ હોય.) |
16. | ફાલ્કૉનીફૉર્મિસ : સમડી, ગીધ, ચરમ, ગરુડ વગેરે. (દિવાચર, શિકારી, માંસભક્ષી. સારી રીતે વિકસેલી પાંખો-ઊર્ધ્વ ઉડ્ડયન માટે સાનુકૂળ.) |
17. | ગૅલીફૉર્મિસ : તેતર, લાવરી, મોર, મરઘાં અને તેને મળતાં પક્ષી. (પગ મજબૂત, પગ વડે ખણીને ખોરાકની શોધ કરતાં હોય છે. ઉડ્ડયનશક્તિ અલ્પ, પગે ચાલવાની ક્ષમતા સારી, તીક્ષ્ણ આંખો.) |
18. | કોલંબીફૉર્મિસ : કબૂતર, બટાવડાં (sandgrouse), હોલો (dove). (મધ્યમ કદનાં, સક્ષમ ઉડ્ડયન, મુખ્યત્વે બીજાહારી.) |
19. | સિટાસીફૉર્મિસ : પોપટ, સૂડો. (ચાંચ આંકડા જેવી, પૂંછડી લાંબી, ચળકતાં રંગીન પીંછાં. બીજ, પુષ્પ, પુષ્પરસ વગેરેનો ખોરાક.) |
20. | કુકુલિફૉર્મિસ : ચાતક, બપૈયા, કોયલ વગેરે. (લાંબી અને ઢીલી પૂંછડી, કદ મધ્યમ, પીઠ સહેજ અણીદાર, અવાજનું આંતર-પુનરાવર્તન.) |
21. | સ્ટ્રિજિફૉર્મિસ : ઘુવડ, ચીબરી. (નિશાચર, ભક્ષ્યાહારી, પાંખ અને પૂંછડી સહેજ ગોળાકાર, કોમળ પીંછાં વડે ઢંકાયેલા પગ.) |
22. | કૅપ્રીમલ્જીફૉર્મિસ : દશરથિયું. (નિશાચર, નાજુક પીંછાં, મોટી આંખ, નબળા પગ, કીટાહારી.) |
23. | એપોડિફૉર્મિસ : કાનકડિયાં, અબાબિલ (swifts). (નાના કદનાં, નિશાચર, નબળા પગ, ધનુષ આકારની નાની પાંખો, કીટાહારી, રંગે કાળાં કે ઘઉંવર્ણાં. મોટેભાગે ઉડ્ડયન કરી સમય પસાર કરતાં હોય છે.) |
24. | કોલીયાઈફૉર્મિસ : કોલી. (આફ્રિકાનાં નિવાસી, લાંબી પૂંછડી, ફળાહારી.) |
25. | ટ્રોગોનિફૉર્મિસ : લાજના (trogon). (મધ્યમ કદ, લાંબી પૂંછડી, કોમળ ચળકતાં લાલ રંગનાં પીંછાં, કીટાહારી.) |
26. | કોરાસીફૉર્મિસ : કલકલિયાં, પત્રિંગા, હૂડહૂડ (hoopoe). (સંયુક્ત પાદાંગુલી, નાનાં કે મધ્યમ કદનાં, વસવાટ મુખ્યત્વે ઉષ્ણકટિબંધપ્રદેશમાં.) |
27. | પિસિફૉર્મિસ : કંસારા (barbet), લક્કડખોદ વગેરે. (નાનાથી મધ્યમ કદનાં, ઝાડ પર સમય પસાર કરનારાં, ઝાડની બખોલમાં ઈંડાં મૂકે છે.) |
28. | પૅસેરીફૉર્મિસ : પીલક, મેના, કાગડા, ફૂતકી, શમા, દૈયડ, ચક્કલ, સક્કરખોરો, સુગરી, મુનિયા વગેરે. (સારી રીતે ઉદ્વિકસિત પક્ષીઓનો સમૂહ. એક ડાળખી પરથી બીજી ડાળખી પર ઊડવાની અને ગાવાની ક્ષમતા સારી. 5,000 કરતાં વધારે નોંધાયેલી જાતો, સાઠ કરતાં વધારે કુળમાં વહેંચાયેલાં. માનવ-પરિસર, બગીચા, ખેતર અને નાનાંમોટાં વૃક્ષો હોય તેવા સ્થળે વસવાટ.) |
મ. શિ. દૂબળે
ઉપેન્દ્ર રાવળ