પક્ષીતીર્થ : દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ તીર્થસ્થાન. તે તમિળનાડુ રાજ્યના નવેસરથી સ્થપાયેલા (1996) ચેંગાઈ અન્ના જિલ્લામાં આવેલું છે. ચિંગલપુટ-મહાબલિપુરમ્ માર્ગ પર ચિંગલપુટની અગ્નિ દિશામાં ત્યાંથી આશરે 11 કિમી. અંતરે તે છે. ત્યાંની 152 મી. ઊંચી દેવગિરિ ટેકરી પરનું શિવમંદિર એ જ પક્ષીતીર્થ તરીકે જાણીતું છે. આ શિવમંદિરના પાછલા ભાગના ખડક પર રોજ બપોરના અગિયાર વાગ્યે મંદિરના પૂજારીએ વગાડેલી થાળીનો ખણખણાટ સાંભળીને ગરુડ જેવાં દેખાતાં સફેદ રંગના ચીલ પક્ષીના આકારની પક્ષીઓની જોડી આકાશમાંથી ત્યાં ઉતરાણ કરે છે. પૂજારીના હસ્તે તેમને ખીર અને ભાત ખવડાવવામાં આવે છે, જે ગ્રહણ કરીને આ પક્ષીઓ આકાશમાં અદૃશ્ય થઈ જાય છે.

આ પક્ષીઓ પુરાણકાળના શાપિત ઋષિઓ છે એવી એક આખ્યાયિકા છે. કિંવદંતી મુજબ આ પક્ષીઓ રોજ કાશીથી રામેશ્વર સુધીનો પ્રવાસ કરે છે. સવારમાં તે કાશીમાં ગંગાસ્નાન કરે છે, બપોરના દેવગિરિ પર્વત પર ભોજન કરે છે અને ત્યારબાદ રામેશ્વર તરફ રાત્રિની વિશ્રાંતિ માટે પ્રસ્થાન કરે છે. તેમનાં દર્શન કરનારની બધી મન:કામના પૂર્ણ થાય છે એવી એક માન્યતા પ્રચલિત છે. દેવગિરિ પર્વત પરના મંદિરમાં જે શિવલિંગ છે તે સ્વયંભૂ હોવાનો ભક્તોનો દાવો છે. મંદિરની પ્રદક્ષિણાના માર્ગ પરની ગુફાઓમાંથી એકમાં માતા પાર્વતીની મૂર્તિ છે.

પર્વતની તળેટીએ તે જ નામ ધરાવતું ગામ છે; જ્યાં માતાજીનું મંદિર, શિવમંદિર, ધર્મશાળાઓ અને એક જળાશય છે. આ જળાશયમાં સ્નાન કરવાથી બધા જ પ્રકારના રોગો મટી જાય છે એવી માન્યતા પ્રચલિત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે