પંડ્યા, યશવંત સવાઈલાલ (જ. 1906, પચ્છેગામ (સૌરાષ્ટ્ર); અ. 14 નવેમ્બર 1955, ભાવનગર) : ગુજરાતી એકાંકીના આરંભકાળના સર્જક. પાશ્યાત્ય એકાંકીનું આકર્ષણ અનુભવીને એનાં પ્રેરણાપ્રભાવ ઝીલીને ગુજરાતી ભાષામાં એકાંકીનું સર્જન કરનાર યશવંત પંડ્યાનું મૂળ વતન ભાવનગર (સૌરાષ્ટ્ર). નાની વયથી સાહિત્ય પ્રતિ રુચિ. પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ (એમ.એ.) સુધીનો અભ્યાસ ભાવનગરમાં જ કરેલો. આયુષ્ય માત્ર 49 વર્ષનું. બૉમ્બે લાઇફ એશ્યૉરન્સ કંપનીમાં જોડાઈને દિલ્હી ખાતેના સંચાલક બનેલા. નાટકએકાંકીસર્જન અને નાટ્યઅભિનય બંનેમાં રુચિ. 1936થી ’37 દરમિયાન કલમ મંડળે મુંબઈમાં ચંદ્રવદન મહેતાનું ‘આગગાડી’ ભજવ્યું. તેમાં તેમણે નાની ભૂમિકા ભજવી હતી તો એમના નાટક ‘અ.સૌ. કુમારી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇબ્સન, શૉ અને ઑસ્કર વાઇલ્ડ જેવા પ્રણાલિકા-ભંજક પાશ્યાત્ય નાટ્યકારોની અસર તળે આવીને 18 વર્ષની વયથી અવેતન રંગભૂમિનાં પ્રારંભનાં વર્ષો દરમિયાન 1924થી બટુભાઈ ઉમરવાડિયાની લગભગ સમાન્તરે એકાંકીનું સર્જન પ્રારંભ્યું. ‘મદનમંદિર’ (1930), ‘રસજીવન’ (1936) અને ‘શરતના ઘોડા’ (1943) – એ ત્રણ સંગ્રહોમાં એમનાં એકાંકીઓ સંગૃહીત થયાં છે. ‘મદનમંદિર’નાં એકાંકીઓમાં પૌરાણિક પાત્રોનો વિનિયોગ તત્કાલીન સમાજના આડંબર-દંભને ખુલ્લો કરવામાં કર્યો છે.
‘રસજીવન’નાં એકાંકીઓમાં યુવાન પાત્રોની પ્રણયસૃષ્ટિનું આલેખન હળવી શૈલીમાં થયું છે. અલબત્ત, કેટલીક રચનાઓનાં શ્યો તખ્તાલાયક ન હોઈ ટૂંકી વાર્તા જેવી રચના બની રહે છે. એકાંકીના સ્વરૂપને ન્યાય આપતો અને શ્રેષ્ઠ એકાંકીસંગ્રહ તો ‘શરતના ઘોડા’ છે. એમાં તેમણે પાત્રો દ્વારા સમાજની દાંભિકતા, લોલુપતા ને આત્મવંચનાને છતી કરી છે. સમાજના અગ્રણીઓના આડંબર પર કટાક્ષાત્મક પ્રહાર કરતું, કીર્તિ-લોલુપતાની ઠેકડી ઉડાવતું ‘ઝાંઝવાં’ એમનું એક અંક એક દૃશ્યવાળું સ્વરૂપષ્ટિએ સુબદ્ધ ને ગુજરાતી ભાષાનું ગણનાપાત્ર સાહિત્યિક એકાંકી છે. એમાં સંવાદ થકી ઘડાતું પાત્રોનું આલેખન ને સળંગસૂત્રતા ધ્યાનપાત્ર છે. ‘ઝાંઝવાં’ એકાંકી ‘સાક્ષર’ એ નામે 1927માં ‘સાહિત્ય’ માસિકમાં પ્રસિદ્ધ થયું હતું. તેમાં સંવેદનશીલ પાત્રોના સર્જન પ્રતિની ગતિ દેખાય છે. યશવંત પંડ્યાના સર્જનમાં મૌગ્ધ્યસભર પ્રણાલિકાભંજક વૃત્તિ વરતાય છે. કટાક્ષ, વક્રોક્તિ ને વિનોદનો સુમેળ તેમના સર્જનમાં હોય છે. વાચિક અને આંગિકઉભય અભિનયને પોષે એવા ધારદાર સંવાદોમાં વ્યંગ્ય-કટાક્ષનો વિનિયોગ કરવાની એમને ફાવટ છે. વિષયનું વૈવિધ્ય પણ એમના સર્જનમાં જોવા મળે છે. ‘પડદા પાછળ’ (1927) અને ‘અ.સૌ. કુમારી’ (1931) એ બે એમનાં લાંબાં નાટકો છે. બંનેમાં નાટ્યાનુકૂળ સંવિધાન અને નાટ્યોચિત રસપ્રદતા છે. ‘યશવંત પંડ્યાનાં બાળનાટકો’માં ‘ત્રિવેણી’ (1929), ‘ઘરદીવડી’(1932)ની બધી કૃતિઓ તેમજ અન્ય ત્રણ નાટકોનો સમાવેશ થાય છે. ‘સાકરનો શોધનારો’ અને ‘હોળીનું નાળિયેર’ એમનાં ઉત્તમ બાળનાટકો છે. બાળમાનસનું સરસ નિરૂપણ એ એમની સિદ્ધિ છે. ‘કલમચિત્રો’ એ એમનાં શબ્દચિત્રોનો એક નોંધપાત્ર સંગ્રહ છે.
પ્રફુલ્લ રાવલ