પંડ્યા, રજનીકુમાર (. 6 જુલાઈ 1938, જેતપુર) : ગુજરાતી પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અને ત્યારબાદ 1966માં તે જ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1959થી 1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 196689 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું.

તેમણે લેખનની શરૂઆત 1959થી કરી હતી. ટૂંકી વાર્તામાં તેમને વિશેષ રુચિ રહી છે. 1980થી તેમણે કટારલેખનની શરૂઆત કરી. ‘ઝબકાર’ (ભાગ 15) શ્રેણીનાં પ્રસંગાલેખનો, ઉપરાંત દૈનિકોમાંથી લઘુલેખોની ‘મનબિલોરી’, તથા રેખાચિત્રોની ‘ગુલમહોર’ વગેરે લોકપ્રિય કટારો તેમણે આપી.

તેમણે 1985માં નવલકથા-લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં પ્રશંસા મેળવી. તેમની નવલકથાઓ ‘કોઈ પૂછે તો કહેજો’ (1988), ‘પરભવના પિતરાઈ’ (1991), ‘કુંતી’ (ભાગ 1-2) (1991) અને ‘અવતાર’ (1992) નોંધપાત્ર છે. ‘આપકી પરછાંઈયાં’(1955)માં સિનેસૃષ્ટિના કલાકારોનાં રેખાચિત્રો છે. ‘આત્માની અદાલત’ (1993) તેમનો વાર્તાસંગ્રહ છે.

તેમના ‘ખલેલ’ તથા ‘ચંદ્રદાહ’ વાર્તાસંગ્રહો ‘કુંતી’ (ભાગ 1-2) નવલકથા, ‘ઝબકાર’ (ભાગ5) ચરિત્રગ્રંથ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલાં છે. ‘કુંતી’ રાષ્ટ્રીય શ્રેણી રૂપે દૂરદર્શન ઉપર પ્રદર્શિત કરાઈ હતી.

ગ્રામપત્રકારત્વ માટે તેમને રાજ્ય સરકારનો ઍવૉર્ડ તથા સ્ટેટ્સમૅન ઍવૉર્ડ તથા ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક ઍવૉર્ડ અને ધૂમકેતુ ઍવૉર્ડ  એનાયત કરાયા છે. સવિતા વાર્તાસ્પર્ધામાં બે વાર તેમને સુવર્ણચંદ્રકો પણ એનાયત થયેલા. 2003ના વર્ષનો કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયો હતો.

હિન્દી, મરાઠી, તમિળ તથા જર્મન ભાષાઓમાં તેમની વાર્તાઓના અનુવાદ થયેલા છે. આજે પણ એમનું લેખન ચાલુ છે. સમાજમાં સેવાક્ષેત્રે કામ કરનારના કાર્યને લેખો દ્વારા ઉજાગર કરે છે.

નલિની દેસાઈ