પંડ્યા, નંદિનીબહેન (જ. 7 મે 1942) : ગુજરાતનાં પ્રસિદ્ધ પર્વતારોહક. ધ્રુવકુમાર પંડ્યા સાથે તેમણે ગુજરાતી યુવતીઓમાં પર્વતારોહણની સાહસભાવના વિકસાવવામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. પિતા મોહનદાસ પટેલ અમદાવાદના વિખ્યાત માણેકલાલ જેઠાભાઈ ગ્રંથાલયના ગ્રંથપાલ હતા. બાળપણથી રમતગમતમાં રુચિ ધરાવતી પુત્રીને તેમણે પ્રોત્સાહન આપ્યું. દસ વર્ષની વયમાં જ તેમણે કરાટે, જ્યુજિત્સુ આદિ કૌશલ્યોમાં નિપુણતા પ્રાપ્ત કરી.
તેમણે ઉચ્ચશિક્ષણ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં લીધું હતું. 1960માં અઢાર વર્ષની વયે ગુજરાતી ભાઈબહેનોની જે ટુકડી હિમાલયનાં કેટલાંક જ્ઞાત-અજ્ઞાત શિખરો એકસાથે આરોહણ કરવા ઊપડી તેમાં નંદિનીબહેન પણ હતાં. તેમણે સર કરેલાં શિખરોમાં ગંગોત્રી, માત્રી કે મૈત્રી તથા લઘુ કૈલાસનો સમાવેશ થાય છે.
1963માં 6,823 મી. ઊંચું શ્રીકૈલાસ નામનું વધુ એક શિખર પણ તેમણે સર કર્યું. 6,614 મી.નું માત્રી શિખર કેવળ બહેનોએ સર કરીને ભારે પ્રશંસા મેળવી. આ જ બહેનોએ એક અનામી શિખર જીતીને તેને ‘ગુજરાત’ નામ આપ્યું અને આમ હિમાલય-આરોહણના ક્ષેત્રે ગુજરાતનું નામ અમર કર્યું. આ બધાં અભિયાનોમાં પ્રતિમા પાલકર, હેમા ભટ્ટ, સ્વાતિ નીરુભાઈ દેસાઈ વગેરે બહેનો તેમની સાથે હતી. આ જ સમયમાં હિમાલય પર્વતારોહણ શાળાના પ્રત્યક્ષ પ્રશિક્ષણના સંચાલક, મહાન પર્વતારોહક તેનસિંગ નોરકે સાથે તેમને પરિચય થયો. પોતાનાં સાહસથી તેમણે એ હિમવ્યાઘ્રને પ્રભાવિત કર્યો. 1973માં ભારત-ન્યૂઝીલૅન્ડની એક સંયુક્ત ટુકડીનાં ઉપસુકાની તરીકે કામ કર્યું. તે વખતે અડધા માર્ગે વાતાવરણ પ્રતિકૂળ થતાં તેમણે એ પ્રયાસ પડતો મૂકવાની ચેતવણી ઉચ્ચારી હતી, પરંતુ પરેદશીઓએ તેની અવગણના કરી આરોહણ આગળ વધાર્યું. પરિણામે જે દુર્ઘટના સર્જાઈ તેમાં ત્રણ બાળાઓનાં મરણ થયાં. નંદિનીબહેન ખીણમાં પડ્યાં, પણ વચ્ચે બખોલ મળતાં ત્યાં અટવાયાં. તેમની બૂમો સાંભળી એક શેરપાએ દોરડું ઉતારી તેમને ઉપર ખેંચી લેવા પ્રયત્ન કર્યો. પણ, પગના અસ્થિભંગને લીધે તેમનાથી ઊઠી શકાયું નહિ, છેવટે દોરડા વાટે ઊતરી આવીને શેરપા તેમને ઉપર લઈ આવ્યો.
પર્વતારોહણક્ષેત્રની સિદ્ધિ બદલ તેમની માતૃસંસ્થા ગુજરાત કૉલેજે તેમનું સન્માન કર્યું હતું. 1969માં નંદિનીબહેને ધ્રુવકુમાર સાથે લગ્ન કર્યાં. પર્વતારોહણમાં તેમ તેના પ્રશિક્ષણમાં આ દંપતી હોંશભેર કાર્યમગ્ન બન્યાં. 1990માં પતિના અવસાન પછી તેમણે આબુની ગુજરાત પર્વતારોહણ પ્રશિક્ષણ શાળાનાં આચાર્યાનું પદ સંભાળ્યું. આ કાર્ય 1995 સુધી સંભાળ્યા પછી તેમણે નિવૃત્તિ લીધી અને અમેરિકામાં અભ્યાસ કરતા પુત્ર અરૂપ સાથે તે રહેવા ગયાં.
તુષાર ત્રિવેદી