પંડ્યા, નવલરામ લક્ષ્મીરામ (જ. 3 માર્ચ 1836, સૂરત; અ. 7 ઑગસ્ટ 1888, રાજકોટ) : અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક અને સર્જક. પિતા મહેતાજીની નોકરી કરતા. માતા નંદકોર નિરક્ષર છતાંય ધર્મપરાયણ. સ્વભાવે શરમાળ. બાળપણમાં તંદુરસ્તી સારી રહેતી નહોતી. છતાંય એમની વિદ્યાપ્રીતિ અનન્ય; પ્રારંભે ગોવિંદ મહેતાની ગામઠી નિશાળમાં દાખલ થયા, પરંતુ ત્યાં ન ફાવતાં દુર્ગારામ મહેતાજીની સરકારી નિશાળમાં પ્રવેશ લઈને ત્યાં અભ્યાસ કર્યો. અભ્યાસની કારકિર્દી યશસ્વી. ‘ફ્રી સ્કૉલર’ તરીકે અંગ્રેજી શાળામાં પ્રવેશ લીધો. આર્થિક સંકડામણના કારણે ઉચ્ચશિક્ષણ ન લઈ શક્યા. પ્રારંભિક જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાય પરત્વે આસ્થા હતી, પરંતુ ઉત્તર વયે વેદાન્તના ઊંડા સંસ્કાર ઝીલ્યા હતા.

અભ્યાસ પૂર્ણ થતાં 1854માં સૂરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ બન્યા. કાર્યનિષ્ઠાએ 1861માં ડીસાની ઍંગ્લોવર્નાક્યુલર સ્કૂલમાં કામચલાઉ હેડમાસ્ટર બન્યા. વળી સૂરત પાછા આવ્યા. આ દરમિયાન વિદ્યાવ્યાસંગ ગતિશીલ રહ્યો. વચ્ચે મન અન્યત્ર ફંટાયું હતું; પરંતુ આત્મમંથને મનને અધ્યયન પ્રતિ વાળ્યું અને સર્જન-વિવેચનમાં તેમની પ્રતિભા કૉળી. 1867માં ટ્રેનિંગ સ્કૂલમાં હેડમાસ્ટર બન્યા અને એ જ વર્ષે મૉલિયેરના ફ્રેન્ચ નાટકનું અંગ્રેજી પરથી ‘ભટનું ભોપાળું’ નામે ભાષાંતર કર્યું. 1870માં અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં વાઇસપ્રિન્સિપાલ બન્યા. ત્યાં ‘ગુજરાત શાળાપત્ર’નું તંત્રીકાર્ય અને બાળવિવાહનિષેધક મંડળીનું મંત્રીપદ સંભાળ્યું. આ બંને કાર્યોમાં એમની નિષ્ઠા સુપેરે વિકસી અને સમર્થ સાક્ષર તરીકે તેમને પ્રસિદ્ધિ મળી. દરમિયાન કાયદાનો અભ્યાસ કરવાની મનીષા જન્મી, પરંતુ ધારી સફળતા ન મળી. 1871માં ‘મેઘદૂત’નું મધ્યકાલીન કવિતાના ઢાળમાં ભાષાંતર કર્યું. 1876માં રાજકોટની ટ્રૅનિંગ કૉલેજમાં પ્રિન્સિપાલ નિમાયા તે છેક ઑગસ્ટ, 1888માં મૃત્યુ થયું ત્યાં લગી એ હોદ્દો ભોગવ્યો. અમદાવાદ અને રાજકોટના  નિવાસ દરમિયાન એમની પ્રતિભાનો વિકાસ થયો. વિવેચન, સર્જન અને શિક્ષણ-ક્ષેત્રે એમણે એમનું સ્થાન સ્થિર કર્યું.

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

નવલરામ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક તરીકે ઓળખાયા છે. એમની વિવેચના સમતોલ અને ગુણદર્શી રહી છે. ‘ગુજરાત શાળાપત્ર’માં ‘કરણ ઘેલો’નું વિવેચન કર્યું એ એમની વિવેચક-પ્રતિભાનો પ્રારંભ. મહદ્અંશે એ ગુણગ્રાહી વલણ ધરાવતા હતા, છતાંય જે કૃતિ એમને રસબોધ ન કરાવતી તેની ટીકા કરવાનું ચૂક્યા નથી. સર્જનનો ઉન્મેષ વર્તાય તો એ સર્જકને ઉત્સાહિત કરવાની એમની વૃત્તિ રહી હતી. અલબત્ત, ‘સરસ્વતીચન્દ્ર’ અને ‘કુસુમમાળા’ જેવી તત્કાલીન પ્રખ્યાત કૃતિઓનું એમનું વિવેચન મિતાક્ષરી હતું. ‘કાન્તા’નું વિવેચન એમણે વિગતે, સૂક્ષ્મ રસદૃષ્ટિએ કર્યું હતું. આરંભમાં નર્મદની કવિતાથી એ વિશેષ અંજાયા હતા. મધ્યકાલીન કવિઓમાં પ્રેમાનંદનું આકર્ષણ એમને વિશેષ હતું. એમના મતે તો પ્રેમાનંદ ‘ગુજરાતી ભાષાનો સર્વોત્તમ કવિ’ છે. દલપતરામ પ્રત્યેનો એમનો ભાવ એમની પ્રશંસામાં પરિણમ્યો છે. એમના સમયનાં વિવિધ સાહિત્યસ્વરૂપોનું વિવેચન કરીને એમણે ગુજરાતી વિવેચનાના પ્રારંભે જ એક નવો ચીલો પાડ્યો. સુધારાયુગની અસર એમણે ઝીલી હતી. સુધારાલક્ષી સાહિત્યનું વિવેચન એ પૂરા ઉત્સાહથી કરતા. નવલરામે પોતે પણ સુધારા સંબંધી છૂટક લેખો લખ્યા હતા. તેમણે ‘ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (1880-1887) ‘ગુજરાત શાળાપત્ર’માં હપતાવાર લખેલો, જેનું ગ્રંથસ્થ સંપાદન બલવંતરાય ઠાકોર દ્વારા થયું. ‘દેશી કારીગરીને ઉત્તેજન’ અને ‘ખરો દેશાભિમાન’ એ બે લેખોમાં એમનું મનનશીલ માનસ છતું થાય છે. એમણે ભાષા અને સાહિત્ય વિશે કેટલીક ગંભીર વિચારણા કરી છે. ‘સંસ્કૃતમય ગુજરાતી’, ‘હિંદુસ્તાનમાં એક ભાષા’, ‘એક લિપિ’, ‘સ્વભાષાના અભ્યાસની અગત્ય’, ‘વાચનમાળાની જોડણી’ ઇત્યાદિ લેખોમાં નવલરામની ભાષા પરત્વેની ચિંતા છતી થાય છે. જોડણીના નિયમોની એમની વિચારણા મૂલ્યવાન છે. એમાંના અધિકાંશ નિયમો પછીના સમયમાં સ્વીકારાયા છે. ‘સરલ વ્યુત્પત્તિપાઠ’ એમનું પાંડિત્યપૂર્ણ પુસ્તક છે.

નવલરામ પહેલા વિવેચક પછી સર્જક. ‘બાળલગ્નબત્રીસી’ (1876) અને ‘બાળગરબાવળી’ (1877)-એ બે એમના કાવ્યસંગ્રહો છે. તત્કાલીન સમસ્યાને કેન્દ્રમાં રાખીને એમણે કાવ્યરચનાઓ કરી છે. ‘ઇતિહાસની આરસી’, ‘ગુજરાતની મુસાફરી’ જેવી રચનાઓમાં નવલરામની કવિત્વશક્તિનાં દર્શન થાય છે. બાળાઓ માટે રચાયેલી ગરબીઓમાં રસિકતા સાથે તત્કાલીન સમાજનું પ્રતિબિંબ ઝિલાયું છે. ‘જનાવરની જાન’ માં સાંપ્રત સમાજનું કટાક્ષપૂર્ણ ચિત્રણ થયું છે. બાળલગ્નની વિડંબના નવલરામે કરી છે. સભારંજની કાવ્યરચનાઓ પણ એમણે રચી છે. ‘મેઘદૂત’ના ભાષાંતરમાં ‘મેઘછંદ’નો વિનિયોગ એ એમની મૌલિકતા છે.

સર્જક તરીકેની નવલરામની પ્રતિભાનું બીજું પાસું નાટ્યલેખનમાં છતું થાય છે. ‘ભટ્ટનું ભોપાળું’ (1867) અને ‘વીરમતી’ (1869) એ બે એમનાં નાટકો છે. ‘ભટ્ટનું ભોપાળું’ ફ્રેંચ નાટ્યકાર મૉલિયેરના ફેંચ પરથી અંગ્રેજીમાં ઊતરેલા ‘મૉક ડૉક્ટર’નો અનુવાદ છે; પરંતુ સમકાલીન સમસ્યા સાથે તાલ મેળવીને કૃતિને ધારદાર બનાવી છે એટલે અનુકરણ પણ પ્રભાવક બન્યું છે. ‘વીરમતી’ ઐતિહાસિક નાટક છે. બંને નાટકોમાં એમની ઊંડી નાટ્યસૂઝ પમાય છે.

ગુજરાતી સાહિત્યમાં એમની સ્મૃતિ ‘આદ્ય વિવેચક’ તરીકે જળવાઈ રહેલી છે. એમના સમગ્ર સાહિત્યનું સંકલન ગોવર્ધનરામે (1891) ‘નવલગ્રંથાવલિ’ના ચાર ભાગોમાં કરી આપેલું. તેના પરથી શાળોપયોગી આવૃત્તિ 1911માં હીરાલાલ શ્રોફ દ્વારા અને તારણરૂપ ‘નવલગ્રંથાવલિ’ 1937માં નરહરિ દ્વા. પરીખ દ્વારા સંપાદિત થઈ.

પ્રફુલ્લ રાવલ