પંડ્યા, ધાર્મિકલાલ (. 11 ઑગસ્ટ 1932, વડોદરા) : માણભટ્ટ કલાકાર. શ્રી ધાર્મિકલાલ પંડ્યા મૅટ્રિક સુધી પહોંચ્યા ત્યાં તો પિતાશ્રી ચુનીલાલનું અવસાન થયું. ઘરની જવાબદારી આવી પડતાં બે-ત્રણ વર્ષો પછી કથાવાર્તાને આજીવિકાનું સાધન બનાવ્યું. શાળાકીય અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું મેળવેલું જ્ઞાન આખ્યાનકથામાં પ્રયોજતાં તેમાં સાહજિકતા સાથે સ-રસતા આવી. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી. વડોદરાના રેડિયોસ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા. તેઓ 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે. તેઓ પ્રાચીન પરંપરાને વળગી રહ્યા છે. શ્રોતાગણનું મૂલ્યાંકન કરી સમયાનુસાર પરિવર્તન કરી, ટુચકા, માર્મિક કટાક્ષો અને વ્યાવહારિક દોરવણીથી તેઓ તેમનાં આખ્યાનોની રજૂઆતને લોકપ્રિય બનાવી શક્યા છે. માણ સાદી. સાજમાં વાયોલિન, મંજીરાં, તબલાંનો પણ તેઓ ઉપયોગ કરી લે છે.

તેઓ માનતા કે માણભટ્ટ પાસે વાંચન, મનન, સંસ્કૃતનું જ્ઞાન, સુભાષિતો, રામાયણની ચોપાઈઓ, મહાભારતના શ્લોકો અને સંગીતનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. પ્રેમાનંદની જેમ તેમનાં આખ્યાનો મહિનાઓ સુધી ચાલતાં હતાં. તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે.

ભારતનાં પૂર્વવડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને શીલા દીક્ષિતે ધાર્મિકલાલ પંડ્યાને આખ્યાન કરવા માટે બોલાવ્યા હતા. આ સિવાય જાણીતા સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી કે. કા. શાસ્ત્રી અને શ્રી અંબાલાલ સારાભાઈ જેવી ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં એમણે આખ્યાનો પ્રસ્તુત કરેલ છે. આખ્યાન અને માણકલાના વિકાસ માટે તેમણે 8થી 9 વર્ષનો એક અભ્યાસક્રમ પણ તૈયાર કર્યો હતો. જેમાં માણભટ્ટની કળાનું સંપૂર્ણ જ્ઞાન સમાવી લેવામાં આવ્યું હતું. તેમના બંને દીકરાઓ પ્રદ્યુમન પંડ્યા અને મયંક પંડ્યા પણ માણભટ્ટ કલાકારો છે.

ધાર્મિકલાલ પંડ્યા

દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ બિરુદોથી તેમને નવાજ્યા. 1980માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ, 1983માં તે જ અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, 1984માં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઍવૉર્ડ, નેશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા તરફથી ઍવૉર્ડ, 1986માં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદ દ્વારા સન્માન, 1987માં અમૃતા સંસ્થા, ચુંવાળ દ્વારા ઍવૉર્ડ અને 1987માં ગુજરાત લોકકલા કેન્દ્ર દ્વારા ઍવૉર્ડ અને 1991માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક તેમને અર્પણ કરાયાં હતાં. તેમણે ભારત ઉપરાંત ઝિમ્બાબ્વે, અમેરિકા, કેનેડા, થાઈલેન્ડ, યુ. કે. અને ઝામ્બિયામાં પણ કાર્યક્રમો આપ્યા હતા. અન્ય રાજ્યોમાં હિંદી-અંગ્રેજીમાં તો વિદેશમાં અંગ્રેજીમાં તેમણે આખ્યાનો આપેલાં. આમ, ગુજરાતી, હિંદી, અંગ્રેજીમાં આ માણભટ્ટની કથાઓ દ્વારા કવિ પ્રેમાનંદ જાણે નવજીવન પામ્યા છે !

દશરથલાલ ગૌરીશંકર વેદિયા