પંડ્યા, દોલતરામ કૃપાશંકર (. 8 માર્ચ 1856, નડિયાદ; . 18 નવેમ્બર 1915, નડિયાદ) : ગુજરાતી કવિ. પોતાના વતન નડિયાદમાં પ્રાથમિક શિક્ષણ લઈ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં વધુ અભ્યાસાર્થે જોડાયા. પિતાના અવસાનને કારણે અભ્યાસ છોડી વતન પાછા ફર્યા. શરૂઆતમાં વકીલાતનો વ્યવસાય સ્વીકાર્યો અને ત્યારપછી લુણાવાડામાં તેર વર્ષ દીવાનપદે રહ્યા. તેમણે ગુજરાત બૅંચ મૅજિસ્ટ્રસી નામની લોકોપયોગી સંસ્થા સ્થાપી હતી. ટોલ જેવો અનિષ્ટ વેરો રદ કરવાની લડતમાં તેમણે ભાગ લીધો હતો અને નડિયાદમાં અંત્યજ સહકારી મંડળીની સ્થાપના કરી હતી.

તેમણે લખેલું ‘ઇન્દ્રજિતવધ’ (1887) ભાષા, છંદ, અલંકાર, વસ્તુ, પાત્ર તથા કાવ્યબંધ પરત્વે નખશિખ સંસ્કૃત મહાકાવ્યને અનુસરે છે. તે ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગ તરીકે નિર્દેશાય છે. સંસ્કૃત મહાકાવ્યની જેમ છવ્વીસે સર્ગમાં અંતભાગમાં છંદપલટો આવે છે. સર્ગ પ્રમાણે શીર્ષકયોજના – એ આ કાવ્યની વિશેષતા છે. એમાં ચિત્રાત્મકતા ઉપરાંત શબ્દાલંકાર અને અર્થાલંકારનું વૈપુલ્ય છે; પરંતુ સળંગસૂત્રતાનો અભાવ અને દલપતશૈલીની અસર કૃતિને શિથિલ બનાવે છે. ક્યાંક વર્ણનમાં વિવેકની મર્યાદા કવિ જાળવી શક્યા નથી તો ઉપમામાં ક્યાંક ઔચિત્યનો ભંગ નજરે પડે છે.

તેમના કાવ્યસંગ્રહ ‘સુમનગુચ્છ’(1899)માં સૌંદર્ય, નીતિ-રીતિ, ઉપદેશ વગેરે વિષયોનું નિરૂપણ કરતી રચનાઓ છે. ‘કુસુમાવલી’ (1889) કાદંબરી-શૈલીની સળંગ કથા છે. ‘અમરસત્ર’ (1902) સંસ્કૃત શૈલીનું અસત્ય પરના સત્યના જયને લક્ષતું સપ્તાંકી નાટક છે. ‘સ્વીકૃત નવીન ભાગવત’ એમની અપૂર્ણ રહી ગયેલી રચના છે.

વીણા શેઠ