પંડ્યા, ચંદ્રશંકર નર્મદાશંકર (. 16 જૂન 1884, નડિયાદ; . 23 ડિસેમ્બર 1937) : કવિ, નિબંધકાર. ગુજરાતી અને અંગ્રેજી અભ્યાસ નડિયાદમાં કર્યો.

સાહિત્યપ્રીતિના અંકુર બાળપણથી જ ફૂટ્યા હતા. અંગ્રેજી બીજા ધોરણમાં હતા ત્યારે ‘તાબૂત’ વિશે પહેલો નિબંધ લખ્યો હતો. અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે નાટક અને કવિતા લખવાની શરૂઆત કરેલી. આ જ અરસામાં તેમનું પહેલું ભાષણ નડિયાદ વડનગરા નાગર યુવક મંડળમાં થયું.

1898માં ગોવર્ધનરામ વકીલાત છોડી નડિયાદ આવ્યા ત્યારથી તેમના વિશેષ સહવાસમાં આવ્યા. 1900માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજ અને જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં તેમણે અભ્યાસ કર્યો. ક્રિકેટ, ટેનિસ, ફૂટબૉલ તેમજ દેશી રમતોનો તેમને શોખ હતો. 1906માં ન્યાય અને તત્વજ્ઞાનના વિષય સાથે બી.એ.માં દ્વિતીય વર્ગ મેળવી ઉત્તીર્ણ થયા. 1913માં એલએલ.બી. પાસ થયા. કૉલેજકાળ દરમિયાન 1905માં ‘સમાલોચક’ ત્રૈમાસિકના તંત્રી તરીકે કાર્ય કર્યું. સાહિત્યભક્તિ અને રાષ્ટ્રભક્તિનો તેમનામાં સમન્વય થયો હતો. ‘તન્મય’ ઉપનામથી ‘સુમનસંચય’ નામની લેખમાળા લખતા. તેમનાં કાવ્યો અને લેખો ‘વસંત’, ‘સુંદરીસુબોધ’, ‘ગુજરાતી’, ‘પ્રજાબંધુ’, ‘ગુજરાતી પંચ’, ‘સાંજ વર્તમાન’, ‘મુંબઈ સમાચાર’ વગેરેમાં છપાતાં. યુવાનોને સંગઠિત કરતી ‘ધ યુનિયન’ અને ‘શ્રી ગુર્જર સભા’ની તેમણે સ્થાપના કરી હતી.

ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા

1914માં ‘સ્નેહાંકુર’ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો. તેમનાં કાવ્યોની સરલતા, પ્રવાહિતા, મનોરંજકતા સ્પર્શી જાય તેવી છે. તેમનો બીજો સંગ્રહ ‘કાવ્યકુસુમાંજલિ’ 1930માં પ્રસિદ્ધ થયો. આ ઉપરાંત ‘પાંચ પ્રેમકથાઓ’ (1916) અને ‘પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર’ (1917) પુસ્તક રૂપે પ્રગટ થયેલ છે. ‘ચંદ્રશંકરનાં ગદ્યરત્નો’  એ વિભિન્ન વિષયો પરના એમના લેખો-નિબંધોનું સંમુખલાલ પંડ્યાએ સંપાદિત કરેલ મરણોત્તર પ્રકાશન છે.

વીણા શેઠ