પંડ્યા, કાન્તિલાલ છગનલાલ (જ. 24 ઑગસ્ટ 1886, નડિયાદ; અ. 14 ઑક્ટોબર 1958, મુંબઈ) : સાહિત્યોપાસક અને વૈજ્ઞાનિક. પિતા છગનલાલ હરિલાલ પંડ્યા બાણભટ્ટકૃત ‘કાદંબરી’ના ભાષાંતરકર્તા હતા અને જૂનાગઢ રાજ્યના નાયબ દીવાન સુધી બઢતી પામ્યા હતા. માતા સમર્થલક્ષ્મી ગોવર્ધનરામ મા. ત્રિપાઠીનાં નાનાં બહેન હતાં. કાન્તિલાલે 1896 સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદ સરકારી ‘મિડલ સ્કૂલ’માં લીધું, પણ માતામહ માધવરામ ત્રિપાઠીનું અવસાન થતાં જૂનાગઢ પાછા ગયા. 1899માં તેમનું લગ્ન તનસુખરામ ત્રિપાઠીનાં દીકરી ઉમંગલક્ષ્મી સાથે થયું. 1902માં જૂનાગઢમાંથી મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન પરીક્ષા ગુજરાતમાં પ્રથમ નંબરે પસાર કરી. 1907માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે પસાર કરી. 1908માં તેમણે ‘ગોવર્ધનરામ’ નામે ગુજરાતીમાં પ્રથમ લેખ લખ્યો. 1910માં તેઓ ત્રિભુવનદાસ ગજ્જરની પ્રયોગશાળા(મુંબઈ)માં અભ્યાસ કરી રસાયણશાસ્ત્ર વિષય સાથે એમ.એ. થયા. એ જ વર્ષમાં તેમનું ‘શ્રીયુત ગોવર્ધનરામ’ નામનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું.
1911માં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રિસર્ચ), બૅંગાલુરુમાં પહેલી બૅચમાં દાખલ થયા. ત્યાં તેમણે પ્રો. રૂડૉલ્ફ અને પ્રો. સડબરોના હાથ નીચે એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં કામ કરવા ઉપરાંત કેમિકલ એન્જિનિયરિંગ તથા મશીન-ડ્રૉઇંગનો અભ્યાસ પણ કરેલો. 1913 સુધી બૅંગાલુરુ રહી તે જ સાલમાં તેમણે આગ્રાની સેન્ટ જૉન કૉલેજમાં રસાયણશાસ્ત્રના ઍસોશિયેટ પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને 1916માં તે વિભાગના વડા તરીકે નિમાયા. 1915માં તેમણે પ્રથમ વિજ્ઞાનવિષયક લેખ લખ્યો. 1917-19 દરમિયાન વધુ સંશોધનાર્થે તેઓ ફરી બૅંગાલુરુ ગયા.
1920માં તેઓ ઇંગ્લૅંડ ગયા. ત્યાં લંડન યુનિવર્સિટીની ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીની રસાયણવિભાગની પ્રયોગશાળામાં સુવિખ્યાત પ્રો. સર જૉસેલિન થૉર્પના માર્ગદર્શન હેઠળ તેમણે સંશોધન શરૂ કર્યું. પ્રો. થૉર્પની પ્રયોગશાળામાં તે વખતે સંયોજકતા કોણ(valency angle)માં ફેરફાર થવાથી કાર્બન પરમાણુઓની વલય રચના(ring-formation)ની સ્થિરતા ઉપર શું અસર થાય છે તે અંગે ઘણું સંશોધન થઈ રહ્યું હતું. 1921માં તેમણે અનુસ્નાતક ડિપ્લોમા મેળવ્યો. ચંદ્રશેખર વ્યંકટરામન આ સમયે લંડન આવેલા. નિરામિષ આહારની સગવડને લીધે તેઓ કાન્તિભાઈના નિવાસ પટની ખાતે રહ્યા હતા. તે જ વર્ષમાં મૉન્ટ્રિયલ ખાતે ભરાયેલી કેમિકલ સોસાયટીની કૉન્ફરન્સમાં તેઓ એકમાત્ર ભારતીય પ્રતિનિધિ હતા. તેમના સંશોધનના આધારે 1923માં તેમને લંડન યુનિવર્સિટીની ડૉક્ટરેટ (પીએચ.ડી.) પદવી એનાયત થઈ. નાગર જ્ઞાતિમાં આ પદવી પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ હતા. તે જ વર્ષમાં ઇંગ્લૅંડથી પાછા ફરતાં તેમણે ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની અને ઇટાલીની મુલાકાત લીધી હતી.
1924માં તેઓ ફરી સેન્ટ જૉન કૉલેજ, આગ્રામાં જોડાયા. આગ્રા યુનિવર્સિટીની સ્થાપના થતાં રસાયણશાસ્ત્રમાં સંશોધનકાર્ય શરૂ કરનાર આ કૉલેજ પ્રથમ હતી. 1924માં ભાવનગર ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ. ‘ગુજરાતમાં વિજ્ઞાનનું સાહિત્ય’ એ વિષય ઉપર તેમણે મનનીય વ્યાખ્યાન આપ્યું અને વૈજ્ઞાનિક શબ્દકોશ તૈયાર કરવાની યોજના રજૂ કરી. 1935માં જયકૃષ્ણ ઇન્દ્રજી સાથે તેમણે ‘ગલિયારા’ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.
1947માં તેઓ કૉલેજમાંથી નિવૃત્ત થયા પણ માનાર્હ પ્રાધ્યાપક તરીકે આગ્રામાં જ રહ્યા. તેમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી 72 વિદ્યાર્થીઓએ એમ.એસસી.ની અને 5 વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમના સંશોધનકાર્યમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બનિક બેઝિક પદાર્થોનો સંસર્ગ પદાર્થ તરીકે ઉપયોગ અને તેથી (अ) અસંતૃપ્ત ઍસિડ બનાવવાની સુગમ્ય રીતો તથા (ब) કેટલાક કૌમારિન પદાર્થોનું સંશ્લેષણ તેમજ કેટલાંક ભારતીય ફળોમાં રહેલા કાર્બનિક ઍસિડના પ્રમાણનું અન્વેષણ મુખ્ય છે. આલ્ડિહાઇડનું સંઘનન (condensation of aldehydes) અને અન્ય સંશોધનકાર્ય અંગેના તેમના 60 જેટલા સંશોધનલેખો પ્રકાશિત થયા હતા. તેમનાં પુસ્તકોમાં ‘શ્રીયુત ગોવર્ધનરામ’ (1910), ‘આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ’ (1932), ‘આપણો આહાર’ (1937), ‘ચંદ્રશંકરનાં કાવ્યો’ (સંકલન, 1942), ‘વિજ્ઞાનમંદિર’ ભાગ 1 (1950), ભાગ 2 (1954), ‘ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન’ (1957), ગોવર્ધનરામની સ્ક્રૅપબુકનું સંપાદન (1958) તથા ‘મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત’ (1958), ને ગણાવી શકાય. વિજ્ઞાનેતર વિષયો અંગે તેમણે ઘણા લેખો લખ્યા છે. તેમાં ગ્રંથાવલોકનો, શિક્ષણવિષયક લેખો, સમાજ અને રાષ્ટ્રના પ્રશ્ર્નોની મીમાંસા, પ્રવાસવર્ણનો, વ્યક્તિચિત્રો, હળવા નિબંધો વગેરેનો સમાવેશ થાય છે.
તેઓ પી.ઈ.એન. (મુંબઈ), ગુજરાતી સંશોધન મંડળ (મુંબઈ), ઇન્ડિયન કમિટી ફૉર કલ્ચરલ ફ્રીડમ (મુંબઈ), ફૉર્બ્સ સભા (મુંબઈ), આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાય સ્થાપિત ઇન્ડિયન કેમિકલ સોસાયટી (કૉલકાતા) (સ્થાપક સભ્ય અને ફેલો), સર સી. વી. રામન સ્થાપિત ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ (બૅંગાલુરુ), બ્રિટિશ કેમિકલ સોસાયટી, સોસાયટી ઑવ્ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ (લંડન), મૉરલ રીઆર્મામેન્ટ, લેખક-મિલન, પ્રવૃત્તિસંઘ (મુંબઈ), ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશન વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.
તેમની સક્રિય સાહિત્યોપાસનાનો ઉપક્રમ સાહિત્યથી (‘શ્રીયુત ગોવર્ધનરામ’, 1910) અને ઉપસંહાર પણ સાહિત્યથી [ગોવર્ધનરામની સ્ક્રૅપબુક(મનનનોંધ)નું સંપાદન, 1958] થયો.
1951માં તેઓ કૅન્સરના દર્દી તરીકે મુંબઈ આવ્યા અને 1952થી ત્યાં જ સ્થાયી થયા. 14મી ઑક્ટોબર, 1958ના રોજ રાત્રે ખાર (મુંબઈ) ખાતે તેમનું અવસાન થયું.
ઉપેન્દ્ર છ. પંડ્યા
જ. દા. તલાટી