પંડ્યા, અમૃત વસંત ( જ. 28 સપ્ટેમ્બર 1917, જામનગર; અ. 28 જુલાઈ 1975, વલ્લભવિદ્યાનગર) : ગુજરાતના એક સમર્થ પુરાતત્વવિદ, ભૂસ્તરશાસ્ત્રી અને સંશોધક. ઔપચારિક પ્રશિક્ષણ વિના જ કેવળ વિષયમાં ઊંડી રુચિને કારણે પોતે જે કાર્ય કર્યું તેનાથી રાષ્ટ્રીય કક્ષાએ તેમને વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. મધ્યમ વર્ગમાં ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જામનગરમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે જૂનાગઢ કૉલેજમાં જોડાયા. આ દરમિયાન ઇતિહાસ-પુરાતત્વમાં તેમની રુચિ વધતી ગઈ. તક્ષશિલાના ઉત્ખનનના સમાચાર મળતાં અભ્યાસ પડતો મૂકી તેઓ તેમાં જોડાઈ ગયા. પરિણામે સ્નાતકની પદવીથી વંચિત રહ્યા, પણ સ્વાધ્યાય કરીને તેમણે હિંદી, મરાઠી, બંગાળી, સંસ્કૃત, ઉર્દૂ, ફારસી, અરબી, ફ્રેન્ચ, જર્મન અને અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. પ્રાચીન ખરોષ્ઠી લિપિના તેઓ નિષ્ણાત હતા. આનુષંગિક વિષયો-ઇતિહાસ, પ્રાગ્-ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર આદિમાં તેમણે સ્વપ્રયત્ને શિક્ષણ મેળવ્યું. વડોદરા, પુણે, રાજપીપળા, જૂનાગઢ અને વલ્લભવિદ્યાનગરમાં પુરાતત્વ વિભાગમાં તેમણે જે કામગીરી બજાવી તે તેમને બહુ ઉપયોગી નીવડી. 1938 અને 1939માં ગુજરાત સાહિત્યસભાના સહાયક મંત્રી રહ્યા. 1940માં ગુજરાત સંશોધન મંડળના પ્રતિનિધિ તરીકે કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા પ્રેરિત ગુજરાત પ્રાગૈતિહાસિક સંશોધન કાર્યક્રમમાં તેમણે પ્રત્યક્ષ સંશોધનનું કાર્ય આરંભ્યું. આ કાર્ય વિવિધ સ્વરૂપે તેમના જીવનના અંત સુધી ચાલુ રહ્યું. 1941-44 દરમિયાન તેમને મહાન પુરાતત્વવિદ તથા ભૂસ્તરશાસ્ત્રી હસમુખ સાંકળિયા સાથે કામ કરવાનો અવસર મળ્યો. મધ્યપ્રદેશમાં ‘જોગીમારા’ ગુફામંદિરોમાં અજંતાથી વધારે જૂનાં ભીંતચિત્રો હોવાની સંભાવના છે એવી જાણ થતાં તેના સંશોધન માટે અગિયાર દિવસોની રઝળપાટને અંતે સંશોધનકાર્ય સિદ્ધ કર્યું.
ઇતિહાસના અભ્યાસક્રમમાં રાજકારણને વધારે પડતું મહત્વ અપાતું હોવાથી તેનો વિરોધ કરી તેમણે 1936માં સાંસ્કૃતિક બાબતોને સમાવવા આગ્રહ કર્યો. તેમના સ્વતંત્ર સંશોધન પ્રમાણે માનવી પ્રાકૃતિક રીતે શાકાહારી પ્રાણી છે. એક પ્રસંગે દિલ્હી જતાં માર્ગમાં નાગદા સ્ટેશને ચંબલ નદીના એક ટીંબાએ તેમનું ધ્યાન આકર્ષ્યુ. આ ટીંબો પ્રાચીન અવશેષો ઉપર બંધાયો છે એવું તેમનું અનુમાન સાચું ઠર્યું. પાછા વળતાં ત્યાં ઊતરી જઈ તેમણે ઉત્ખનન દ્વારા પુરાતન અશ્મ-સંસ્કૃતિના મૂલ્યવાન અવશેષો મેળવ્યા. પાછળથી પુરાતત્વ વિભાગે ત્યાં વિસ્તૃત ઉત્ખનન હાથ ધર્યું. તેમની સ્મરણશક્તિ અદભુત હતી. સંશોધનકાર્યમાં અનેક ઝીણી ઝીણી વિગતોની નોંધ તત્કાળ કરી લેવાનું અગવડભર્યું હોવાથી તે વિગતો સ્મૃતિમાં સંઘરતા અને ઘેર જઈને કાગળ ઉપર નોંધતા. પોતાના કાર્યમાં છેલ્લામાં છેલ્લી વિગતો તથા અદ્યતન ઉપકરણોનું મહત્વ તેઓ સમજતા હતા. તેથી સદા તે રીતે સજ્જ રહેતા. સાબરમતી અને નર્મદાના તટપ્રદેશો સહિત ગુજરાતનાં ઘણાં સ્થળોએ તેમણે ઉત્ખનન કર્યું. પુરાતત્વ વિભાગના આશ્રયે નર્મદાના ઉત્ખનન દ્વારા મળેલી માહિતીના આધારે તેમણે સામાન્ય વાચકને સમજાય અને રસ પડે તેવી ભાષામાં લેખો લખ્યા. સંશોધન મંડળના ત્રૈમાસિક ઉપરાંત ‘કુમાર’ માસિકમાં તેમણે ‘ગુજરાતનું સર્જન’ જેવી શ્રેણીઓ લખી, જે બહુ લોકપ્રિય નીવડી. ગુજરાતના લોકોને પહેલી વાર વનરાજ ચાવડા પહેલાંની અને શ્રીકૃષ્ણની દ્વારકા અને કુશસ્થલી પૂર્વેની કચ્છ, સૌરાષ્ટ્ર, નળ સરોવર, આબુ, ગિરનાર, પાવાગઢ આદિના જન્મની રસભરી કથા વાંચવાની મળી. અમૃતભાઈએ ‘હરિવંશ’ અને અન્ય ગ્રંથોનાં લખાણો સાથે એસિરિયાનાં ઉત્ખનનોની વિગતો, ઉષા-અનિરુદ્ધની કથા, બાણાસુરનું શોણિતપુર, વરુણદેવની સુષા નગરી આદિના મળતાપણા તરફ ધ્યાન દોર્યું. વાસુદેવશરણ અગ્રવાલ તથા કનૈયાલાલ મુનશી સહિત અનેક વિદ્વાનોએ તેમના કાર્યની ઊંચી ગુણવત્તા આંકી તથા ભારતના ઇતિહાસ માટે તેમણે કરેલાં સંશોધનોની ઉપયોગિતાને સમર્થન આપ્યું. 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું અધિવેશન વલ્લભવિદ્યાનગરમાં મળ્યું ત્યારે તેની વ્યવસ્થા તેમણે સંભાળી. આ જ સમયે તેમણે ભારતીય સંગ્રહાલય પરિષદ તથા ભારતીય મુદ્રા પરિષદનાં અધિવેશનો પણ યોજ્યાં. તેમણે ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપનામાં સહાય કરી. સોમનાથના જૂના મંદિરને જાળવવાની તેમની યોજના જામસાહેબના વિરોધને લીધે સાકાર બની શકી નહિ.
બંસીધર શુક્લ