પંડ્યા, (ડૉ.) અનંત હીરાલાલ (. 11 જુલાઈ 1909, ભાવનગર; . 1 જૂન 1951, કોલકાત્તા) : ગુજરાતના ઉત્તમ કોટીના ઇજનેર, શિક્ષણકાર. પિતાએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેલો અને તેઓ કૃષિ-ઇજનેર હતા. બાલ્યાવસ્થામાં તેઓ મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને સરદાર પૃથ્વીસિંહ(ક્રાંતિકાર)ને મળ્યા હતા. સર્જનાત્મકતા, સ્વતંત્ર વિચારો અને રાષ્ટ્રીય ભાવનાના ગુણોને લીધે તેઓ નાનપણથી જ વિશિષ્ટ રહ્યા. તેમણે તેમના અન્ય મિત્રો સાથે હસ્તલિખિત પત્રિકા ‘કુમાર’ શરૂ કરી હતી.

ડૉ. અનંત હીરાલાલ પંડ્યા

15 વર્ષે શાળાનો અભ્યાસ પૂરો કર્યો. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી કરાંચીની એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ લીધો. આ અભ્યાસકાળ દરમિયાન જેમ્સ બેકર્લી સુવર્ણચંદ્રક મેળવ્યો. અમેરિકાની મૅસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં પ્રવેશ લીધો. M.S.ની પદવી મેળવ્યા બાદ મૃતિકાવિશ્લેષણ વિજ્ઞાન(soil mechanics)માં ‘ઑસ્ટિન સંશોધન ફેલોશિપ’ મળતાં તેમણે તે જ સંસ્થામાં પીએચ.ડી.નો અભ્યાસ શરૂ કર્યો અને ‘The Design and Construction of Ports and Harbours’નો મહાનિબંધ પૂરો કરી, Doctorate of Science in Engineeringની પદવી મેળવી.

1933માં ભારત આવી મુંબઈની મેકેન્ઝી કું.માં નોકરી મેળવી; પરંતુ તે છોડી 1935માં લંડન ગયા. લંડનની કંપનીએ તેમને ભારતની મેસર્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીને ક્વેટાના ધરતીકંપને લીધે ધરતીકંપની અસર ન થાય તેવાં મકાનોની ડિઝાઇનના કન્સલ્ટિંગ કામ માટે મોકલ્યા. લંડનની આ કંપનીની નોકરી દરમિયાન તેમણે સ્ટીલ, રીઇન્ફૉર્સ્ડ કૉન્ક્રીટ અને વેલ્ડિંગ કામમાં સંશોધન કરી, રજૂ કરેલ પેપર ‘The Arc-welded Grid Applied to Plane and Spatial Structures’ માટે જેમ્સ એફ. લિન્કન આર્ક વેલ્ડિંગ ફાઉન્ડેશનનું 32,000 ડૉલરનું આંતરરાષ્ટ્રીય ઇનામ તેમણે આ સમય દરમિયાન ઇંગ્લૅન્ડમાં એન્જિનિયરિંગ વિશે અનેક પ્રવચનો આપ્યાં, ઇનામો મેળવ્યાં તેમજ ‘Continuous Cranked Beam Construction’ રીત માટે બ્રિટિશ પેટન્ટ મેળવ્યું. તેમણે સ્ટીલ અને કૉન્ક્રીટ ડિઝાઇનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ખ્યાતિ મેળવી.

શિબપુર, બંગાળમાં આવેલ બૅંગૉલ એન્જિનિયરિંગ કૉલેજના પ્રિન્સિપાલની જગ્યા માટે લંડનના વર્તમાનપત્રમાં આવેલ જાહેરાતના અનુસંધાને તેમણે અરજી કરી. અંગ્રેજ કમિટીએ તેમના નામની ભલામણ કરી. અત્યાર સુધી આ કૉલેજના પ્રિન્સિપાલની જગ્યા પર અંગ્રેજની જ નિમણૂક થતી હતી. અનંતભાઈ પંડ્યા, બૅંગૉલ એન્જિનિયરિંગ કૉલેજના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ બન્યા. તેમની આ શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેઓ રાજસ્થાન અને બનારસ હિંદુ યુનિવર્સિટી તેમજ કેન્દ્ર અને રાજ્યની અનેકવિધ શૈક્ષણિક સમિતિઓ સાથે સંકળાયેલા રહ્યા.

વર્ષ 1943માં મધ્યસ્થ સરકારે ડૉ. પંડ્યાની સેવાની ઉદ્યોગ અને પુરવઠા વિભાગ માટે માગણી કરી. પ્રથમ તેમની ધાતુઓના નિયામક (controller of metals) તરીકે અને ત્યારબાદ તેમની ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઑવ ઑમ્યૂનિશન્સ પ્રોડક્શન તરીકે નિમણૂક થઈ. આ જગ્યા પર નિમાયેલા તેઓ પ્રથમ ભારતીય હતા.

તેમને પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે રચાયેલ પ્લાનિંગ કમિશનના સભ્ય બનાવાયા. આ સમય દરમિયાન તેમણે ભારતમાં MIT પ્રકારની એન્જિનિયરિંગ અને ટૅક્નૉલૉજીની સંસ્થાઓ સ્થાપવા માટે વિગતવાર યોજના ઘડી, જે આગળ જતાં ભારત સ્વતંત્ર થતાં મૂર્તિમંત થઈ. આ રીતે ભારતમાં ટૅક્નૉલૉજીની ઉચ્ચ સંસ્થાઓની સ્થાપનાના મૂળમાં ડૉ. પંડ્યાનો ફાળો અનન્ય છે.

અનંત પંડ્યાની ઇચ્છા ભારતની મોટી નદીઓ નાથી ભારતની આર્થિક આબાદી સુધારવાની, ખેતીનું આધુનિકીકરણ કરવાની અને એન્જિનિયરિંગ અને ટૅક્નૉલૉજીનો સારા સાધન તરીકે ઉપયોગ કરી દેશની ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવાની હતી.

ડૉ. પંડ્યા કૉલકાતાની હિંદ કન્સ્ટ્રક્શન લિમિટેડમાં ડિરેક્ટર અને મુખ્ય કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે જોડાયા. સિવિલ એન્જિનિયરિંગ કૉન્ટ્રાક્ટરની સમાજમાં જે છાપ હતી તેનાથી તેઓ પરિચિત હતા, પરંતુ ઉચ્ચ મૂલ્યો જાળવીને, ખંતપૂર્વક મોટાં અને અઘરાં કામો કરી આ વ્યવસાયને પ્રતિષ્ઠા અપાવવા તેઓ કૃતનિશ્યયી હતા. તેમના નામ અને કાર્યને લીધે ક્રમશ: સારાં અને મોટાં કામો મળવા લાગ્યાં. સેન્ટ્રલ રેલવેના ભોર ઘાટના બુગદા(tunnel)નું કામ, મુંબઈની નગરપાલિકાનું વૈતરણા તાનસાનું પાઇપલાઇનનું કામ, કોનાર ડૅમનું કામ, દામોદર-વૅલી પ્રૉજેક્ટનું કામ, સૌરાષ્ટ્રનાં બંદરોનું અને કંડલા બંદરનું કામ  એમ અનેક કામો શરૂ થયાં. આ બધાં કામોને પહોંચી વળવા મુંબઈની પટેલ એન્જિનિયરિંગ કંપની હિંદ કન્સ્ટ્રક્શન કંપની સાથે જોડાઈ, બંદરો, બંધો, પુલો અને બુગદાઓ (tunnels) જેવા પ્રૉજેક્ટોમાં ભારતીય કંપનીઓ પણ સમય અને ગુણવત્તા જાળવી કામ કરી શકે છે તે તેમણે પુરવાર કરી બતાવ્યું.

એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા મોટા પ્રકલ્પોમાં વ્યસ્ત હતા ત્યારે 1949માં ભારત સરકાર તરફથી બગાલુરુ ખાતેની હિન્દુસ્તાન ઍરક્રાફ્ટ કંપનીના જનરલ મૅનેજર તરીકે તેમની નિમણૂક થઈ. આ કંપનીનું સુકાન અમેરિકન તજ્જ્ઞના હાથમાં હતું. તે તેમણે લેતાં ટૂંકા ગાળામાં બધાંનો પ્રેમ સંપાદન કર્યો. ભારતીય ડિઝાઇનનાં ઍરક્રાફ્ટ ભારતમાં બનાવવાના આયોજનનું શ્રેય અનંત પંડ્યાને ફાળે જાય છે.

જ્યારે કારકિર્દીની ચરમસીમા તરફનું પ્રયાણ શરૂ થયું હતું ત્યારે માત્ર 42 વર્ષની ઉંમરે દામોદર વૅલીના કોનાર ડૅમનું ઇન્સ્પેક્શન પતાવી કારમાં કૉલકાતા પાછા ફરી રહ્યા હતા ત્યારે કાર-દુર્ઘટનામાં તેમનું અકાળે અવસાન થયું.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ