પંડિત, સોમનાથ (પંદરમી સદી) : કાશ્મીરી કવિ. કાશ્મીરનો સુલતાન જૈનુલાબેદીન બાદશાહ (1420થી 1470) પ્રજાપ્રિય બાદશાહ હતો. હિંદુ તથા મુસલમાન પ્રત્યે સમાનતાથી અને પ્રેમથી વર્તતો હતો. એણે સાહિત્ય તથા કલાને ઘણું પ્રોત્સાહન આપ્યું. વિદ્વાનોને તથા કલાકારોને આશ્રય આપતો હતો. એના દરબારમાં પંડિત સોમનાથ રાજકવિ હતા. એમણે બાદશાહની પ્રશસ્તિમાં ‘જૈનચરિત’ નામનું ચરિત્રકાવ્ય લખ્યું છે. એમાં બાદશાહની પ્રશસ્તિ તો છે, પણ એના જીવનના અનેક પ્રસંગો ચિત્રાત્મક રીતે આલેખ્યા છે. એમણે એમના વિધાનને અનેક પ્રસંગો દ્વારા પુષ્ટ કર્યું છે. એ કાવ્ય કાશ્મીર રાજ્યની સાહિત્ય અકાદમીએ ટીકા-ટિપ્પણી સહિત છપાવ્યું છે. કાવ્યની ભાષા કાશ્મીરી હોવા છતાં એમાં પ્રચુર સંસ્કૃત શબ્દો છે, જે એ સમયની કાશ્મીરી ભાષા વિશે સારી માહિતી પૂરી પાડે છે.
ચન્દ્રકાન્ત મહેતા