પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’

January, 1999

પંડિત બ્રિજમોહન દત્તાત્રેયકૈફી’ (. 13 ડિસેમ્બર 1866, દિલ્હી; . 1 નવેમ્બર 1955, ગાઝિયાબાદ) : કૈફીના પૂર્વજો મુઘલ બાદશાહ ફર્રુખસિયરના સમયમાં કાશ્મીરથી દિલ્હી આવ્યા અને રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિયુક્ત થયા.

બ્રિજમોહનના પિતા પંડિત કનૈયાલાલ નાભા ભરતપુરના રાજાના સમયમાં કોટવાલ હતા; પરંતુ પિતાનું અકાળે અવસાન થતાં પંડિત કૈફી દિલ્હી આવી વસ્યા. તેમનું પ્રાથમિક શિક્ષણ પણ દિલ્હીમાં જ થયું. દિલ્હીના સુપ્રસિદ્ધ હકીમ બોરિયાવાળાની પાઠશાળા(મદરેસા)માં ફારસી ભાષા શીખ્યા; પરંતુ કૈફી ફારસીના પ્રખર વિદ્વાન પોતાના નાના પાસેથી શિક્ષણ લઈને ફારસી ભાષા અને સાહિત્યમાં પારંગત થયા. પાશ્યાત્ય શિક્ષા દિલ્હીની સેંટ સ્ટીફન કૉલેજમાં લીધી.

તત્કાલીન શિક્ષણ-અભ્યાસક્રમમાં કાવ્યશાસ્ત્ર પણ શીખવવામાં આવતું. કૈફી પોતે સરસ કાવ્યરુચિ ધરાવતા હતા. કાવ્યશાસ્ત્ર તેઓ પોતાના કૌટુંબિક વડા પંડિત નારાયણ દાસ(જેઓ ‘ઝમીર’ તખલ્લુસ ધરાવતા હતા)ની પાસેથી શીખ્યા.

કૈફીના કુટુંબમાં કવિતાની ચર્ચા થતી, જેની સીધી અસર કૈફી ઉપર પણ પડી. શરૂઆતમાં કૈફીએ કેટલીક સુંદર ગઝલો કહી; પરંતુ બદલાતા સામાજિક-રાજકીય પ્રવાહોની સાથે પંડિત કૈફી સુધારાવાદી કવિ-લેખક મૌલાના અલ્તાફ હુસેન હાલીના સંપર્કમાં આવ્યા ને તેમની પાસેથી પ્રેરણા પામી ગઝલના બદલે ‘નઝમ’(કવિતા)માં પ્રાકૃતિક કવિતા, સામાજિક વિષયોને લઈને લખાતી નવી કવિતા તરફ તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું; પરંતુ તેમના ચિંતનમાં નોંધપાત્ર પરિવર્તન ત્યારે જોવા મળ્યું જ્યારે તેઓ ઈ. સ. 1915-16માં યુરોપ ગયા, જ્યાં કેટલાક વિદ્વાનોએ તેમને પ્રભાવિત કર્યા.

પંડિત કૈફી સ્વભાવે ખૂબ સાદા અને સરળ હતા. તેમના સ્વભાવમાં સહેજે અભિમાન કે અહંકાર ન હતો. તેઓ એક પ્રખર પંડિત હોવા છતાં તેઓ વાદવિવાદમાં કે સામાજિક ભેદભાવમાં બહુ વિશ્વાસ રાખતા નહિ.

ઉર્દૂ ઉપરાંત તેઓ અરબી-ફારસીમાં પણ નિપુણ હતા. ફારસી ભાષામાં પણ તેમની ગઝલો મળે છે. તેમ છતાં કૈફીએ ક્યારેય પોતાની ફારસી કવિતાની ચર્ચા કરી નથી. ઉર્દૂ ભાષા અને સાહિત્ય ઉપર તેઓ પ્રભુત્વ ધરાવતા હતા. ઉર્દૂ ભાષાની વ્યુત્પત્તિ અને વિકાસ બાબતે તેઓ સ્પષ્ટ વિચારો ધરાવતા હતા. એક સાહિત્યકાર કરતાં એક કવિ અને તેમાંય ઉચ્ચ કોટિના સંશોધક-વ્યાકરણશાસ્ત્રી તરીકે તેમની ગણના થાય છે. તેમનો યાદગાર ગ્રંથ ‘કૈફિયા’ એ વિષય ઉપરનો લોકપ્રિય ગ્રંથ મનાય છે, જેની અનેક આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.

અરબી-ફારસીના કારણે તેઓ ભારતીય સંસ્કૃતિના પણ સારા અભ્યાસુ હતા. ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સમાં આપેલાં તેમનાં પ્રવચનો આજેય ધ્યાન ખેંચે છે.

જાણીતા કવિ હાલીની રચના ‘મુસદ્દસ’ના અનુકરણમાં પંડિત કૈફીએ પણ એક યાદગાર ‘મુસદ્દસ’ કવિતા ‘ભારતદર્પણ’ (1905) લખી, જે હિન્દુ કોમના ગૌરવશાળી અતીત અને પતનશીલ વર્તમાનની ચર્ચા કરીને જાગૃતિ અને કોમી એકતાનો સંદેશ આપે છે. ખ્યાતનામ હિન્દી કવિ મૈથિલીશરણ ગુપ્તનું પુસ્તક ‘ભારત ભારતી’ જે હાલી અને કૈફીનાં પુસ્તકો પછી પ્રસિદ્ધ થયું છે તેમાં ગુપ્તજી હાલી તથા કૈફીનાં કાવ્યોથી પ્રભાવિત થયાનું સ્વીકારે છે.

તેમના સંશોધન અંગેનું એક ઉદાહરણ નોંધવા જેવું છે. કૈફી નોંધે છે તેમ, સંસ્કૃત કવિતામાં ‘સોલા સિંગાર’(સોળ શૃંગાર)નો સવિસ્તર ઉલ્લેખ મળે છે; પરંતુ તેમાં ‘મહેંદી’ શબ્દ જોવા મળતો નથી. આથી સાબિત થાય છે કે અન્ય કેટલીક વસ્તુઓની જેમ ‘મહેંદી’ પણ બહારથી આવી હોવી જોઈએ; પરંતુ આ હકીકત સનદ વગર સ્વીકારવી મુશ્કેલ છે, કારણ કે મહેંદી હિન્દુ-મુસલમાનોની રીત-રસમમાં એવી તો ઊંડે ઊંડે ઊતરેલી છે કે તેના હિન્દુસ્તાની મૂળ વિશે શંકા કરવી મુશ્કેલ લાગે છે.

તે વખતે દિલ્હીથી નીકળતા જાણીતા સમાચારપત્ર ‘રિયાસત’ના તા. 8 સપ્ટેમ્બર, 1952ના અંકમાં તેના વિદ્વાન તંત્રી શ્રી દીવાનસિંઘ મફતૂને પોતાની નિયમિત કૉલમ ‘જઝબાતે મશરિક’માં ‘સોલા સિંગાર’ના શીર્ષક હેઠળ હિન્દી ભાષાના પ્રતિષ્ઠિત કવિ શ્રી કેશવનું એક કાવ્ય રજૂ કર્યું છે જેમાં ‘સોલા સિંગાર’ની સોળ વસ્તુઓ ગણાવી છે જેમાં એક શબ્દ ‘જાવક’ પણ છે જેનો અર્થ ‘મહેંદી’ લખવામાં આવ્યો છે. કૈફીએ ‘જાવક’ શબ્દના આપેલ અર્થ સાથે સહમત ન થતાં નોંધ્યું છે કે મહેંદી મુસલમાનોની સાથે ભારતમાં પ્રવેશી છે. તેઓ નોંધે છે કે ભારતમાં પણ દુલ્હન અને રૂપસુંદરીઓના હાથ લાલ રંગથી રંગાતા હતા; પરંતુ તે ‘લાખ’ કે ‘લાખા’ એક પ્રવાહી હોય છે જેને ‘મહાવર’ કહેવાય છે. મહાવરની ટીકડીઓ પહેલાં ગાંધી-કરિયાણાવાળા વેચતા હતા. હિન્દી શબ્દકોશમાં પણ ‘જાવક’નો અર્થ ‘લાખ’ અથવા ‘મહાવર’ આપવામાં આવ્યો છે.

‘કુમારસંભવ’ના મુનવ્વર લખનવીના ઉર્દૂ અનુવાદમાં પાર્વતીજીનાં શૃંગાર-પ્રસાધનોમાં ‘લાખ’ અને ‘મહાવર’નો ઉલ્લેખ જોવા મળે છે. દિલ્હી યુનિવર્સિટીના સાંસ્કૃતિક વિભાગના વડાશ્રીને પણ કૈફીએ આ શબ્દ વિશે લખ્યું કે ‘કામસૂત્ર’માં ‘મહેંદી શબ્દનો ઉલ્લેખ છે કે કેમ ? તો જાણવા મળ્યું કે તેમાં ‘મહેંદી’ શબ્દનો ઉલ્લેખ મળતો નથી.

આયુર્વેદ વિદ્વાનોનો જાણીતો ગ્રંથ ‘મુફરેદાતે મેડીકા’માં પણ ‘મહેંદી’ શબ્દ વિશે જાણકારી મળતી નથી. મહેંદી અને તેના ભારતીય મૂળ વિશે પંડિત કૈફીનાં સંશોધનાત્મક ટીકાટિપ્પણીઓએ દિલ્હીમાં થોડાક સમય માટે ખાસી ચર્ચા જગાવી હતી.

આ રીતે પંડિત બ્રિજનારાયણ ‘કૈફી’ એક સદાચારી, સંતલક્ષણા, સરળ વ્યક્તિત્વ ધરાવનારા હિન્દ-ઈરાની સંસ્કૃતિના પ્રતીક અને ઉર્દૂ ભાષાના પરમ ભક્ત હતા. અંજુમન તરક્કી-એ ઉર્દૂ  દિલ્હીના તેઓ વરસો સુધી હોદ્દા ઉપર રહ્યા અને નિખાલસતાથી ઉર્દૂ ભાષાના ચોતરફી વિકાસ માટે પ્રયત્નો કરતા રહ્યા.

તેમણે કેટલાંક નાટકો પણ લખ્યાં છે. ‘ખમ્સા-એ કૈફી’ તેમનો કાવ્યસંગ્રહ છે; પરંતુ ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં ‘કૈફિયા’ અને ‘મનશૂરાત’ના નામે પ્રસિદ્ધ થયેલા તેમના લેખસંગ્રહો કૈફીના પ્રદાન તરીકે યાદ રહેશે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા