પંડિત, બેચરદાસ દોશી (જ. 2 નવેમ્બર 1889, વળા – વલભીપુર, જિ. ભાવનગર; અ. 11 ઑક્ટોબર 1982, અમદાવાદ) : સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અપભ્રંશના બહુશ્રુત ગુજરાતી વિદ્વાન. પિતા : જીવરાજ લાધાભાઈ દોશી. માતા : ઓતમબાઈ. જ્ઞાતિએ વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. લગ્ન અમરેલીમાં અજવાળી ઝવેરચંદ દોશી સાથે થયેલાં.
દસ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. નિર્વાહ માટે માતાએ ખૂબ પરિશ્રમ વેઠેલો. બેચરદાસને કામની શરમ નહિ. માને સર્વ રીતે તે મદદરૂપ થતા. પ્રાથમિક શિક્ષણ વળા અને મોસાળ સણોસરામાં લીધું, ગાવાનું, દાંડિયારાસ, ગોંફનૃત્ય વગેરેમાં રસ લેતા. ભણવામાં હોશિયાર, મહેનતુ અને ખંતીલા; તેથી શિક્ષકોના પ્રીતિપાત્ર. તેમની નિશાળની ફી માફ હતી. પ્રકૃતિ જ ખોટું નહિ કરવાની એટલે પરીક્ષામાં ભાવસાર માસ્તરના સૂચન છતાં ચોરી ન કરી. માંડળમાં ભણવા ગયા. જયંતવિજયજી મુનિરાજ પાસે ‘કૌમુદી’થી ‘પંચસંધિ’ અભ્યાસ કર્યો. રોજ 2,200 ધાતુઓનો મુખપાઠ કરતા. ધર્મવિજયજીએ બનારસ જવા સૂચવ્યું પરંતુ સાધુ થઈ જાય તે બીકે માએ ના કહી. પછી પાલિતાણા અને બનારસ પણ ગયા અને કાશીની યશોવિજયજી જૈન પાઠશાળામાં સોળ વર્ષની ઉંમરે જોડાયા અને ન્યાય, વ્યાકરણ તથા સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યાં તેમને મહિને બાર આના શિષ્યવૃત્તિ મળતી. કૉલકાતાની સંસ્કૃત કૉલેજની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ‘ન્યાયતીર્થ’ અને ‘વ્યાકરણતીર્થ’ની ઉપાધિઓ મેળવી. વિના શુલ્કે અનેક વિદ્યાર્થીઓને ‘ન્યાયતીર્થ’ થવા અભ્યાસ કરાવેલો. ત્યાંથી અમદાવાદ આવતાં સંસ્કૃતમાં અભ્યાસપૂર્ણ પ્રવચન કરેલું, જેનાથી આનંદશંકર ધ્રુવ પ્રભાવિત થયેલા. તેમણે અમદાવાદમાં બનારસની પાઠશાળાની શાખા ખોલી.
તેમણે ‘અર્ધમાગધી ભાષાનું સ્વરૂપ કેવું હોય’ એ નિબંધ પુણેમાં ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં મોકલ્યો, જેની નોંધ આનંદશંકરે ‘વસંત’માં લીધેલી. થોડો સમય પુણેમાં રહી ‘જૈન સાહિત્ય સંશોધક’ ત્રૈમાસિકના સહસંપાદક તરીકે કામ કરી પાછા બનારસ ગયા અને જૈન ન્યાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો. ‘અવતારિકામંજરી’ ઉપરાંત ‘ન્યાયસૂત્ર’, ‘વૈશેષિક સૂત્ર’, ‘સાંખ્યકારિકા’, ‘વેદાંત પરિભાષા’ વગેરે વૈદિક ન્યાયના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું. અભ્યાસની સાથે ‘શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા’ના ગ્રંથોનું સંપાદન પંડિત હરગોવનદાસ શેઠના સહકારમાં કર્યું.
પંડિતજીએ શૌરસેની, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ ભાષામાં નિપુણતા મેળવેલી. ધર્મવિજયજીએ તેમને પાલિ અને બૌદ્ધ આગમો શીખવા કોલંબો મોકલ્યા. ત્યાં તે પાલિ ભાષા, ‘મજઝિમ નિકાયગ્રંથ’ અને ‘પિટકગ્રંથ’ પણ શીખ્યા. તેમણે પાલિભાષાનું અધ્યયન કોલંબોના વિદ્યોદય પરિવેણમાં સુમંગલ સ્થવિરની દેખરેખ નીચે કરેલું. ત્યાંના ગવર્નરને હાથે પારિતોષિક તથા પ્રમાણપત્ર મેળવેલાં. ત્રિપિટક અને જૈન આગમોના ઊંડા અભ્યાસી તરીકે ત્યાં ખ્યાતિ પ્રાપ્ત કરેલી. તેઓ જેમ સંસ્કૃતમાં તેમ પ્રાકૃતમાં પણ લખી-બોલી શકતા.
ક્રિયા કરતાં જ્ઞાન તરફ વધુ ઝોક ધરાવતા પંડિત બેચરદાસ પોતાને સાચું જણાય તે નિર્ભીક રીતે જાહેરમાં મૂકતા. બનારસમાં ગંગાધર શાસ્ત્રીના લખેલા ‘અતિવિલાસી સંતાપ’ એ સંસ્કૃત કાવ્યમાં થયેલા જૈન ધર્મના અયોગ્ય ખંડનનો જવાબ ‘ગંગાધર શાસ્ત્રીજી કે અસત્ય આક્ષેપોં કે ઉત્તર’ પુસ્તિકા લખીને આપેલો. જૈન આગમો વાંચ્યા પછી ગુરુ પ્રત્યેની અંધશ્રદ્ધા ડગી, નવી દૃષ્ટિ મળી અને લોકો સત્ય સમજે તે માટે લોકભાષામાં આગમોનો અનુવાદ કરવા પ્રેરાયા.
1919માં મુંબઈમાં માંગરોળ જૈન સભાના ખંડમાં આપેલા વ્યાખ્યાન ‘જૈન સાહિત્યમાં વિકારથી થયેલી હાનિ’ને કારણે અમદાવાદના નગરશેઠે તેમને સંઘબહાર જાહેર કર્યા અને મહાવીર જૈન વિદ્યાલયની નોકરી ગઈ. એમણે ‘હિંદુસ્તાન’ પત્રમાં ‘સમાજની લાલ આંખ’ અને જૈન છાપામાં ‘જૈન સમાજનું તમસ્તરણ’ લેખો લખ્યા. આ પ્રસંગે એમનાં માતા રોષે ભરાયેલાં, પરંતુ અજવાળીબહેને નહિ ડરવાની હિંમત આપેલી. મુંબઈમાં ગાંધીજીએ પણ ‘ડગશો નહિ’ કહી પ્રોત્સાહન આપેલું.
1922માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયેલા. ત્યાં બે જૈનસૂત્રોના અનુવાદનું કામ કર્યું. પંડિત સુખલાલજી સાથે ‘સન્મતિ-તર્ક’નું સંપાદન તેમણે કરેલું. ઉપરાંત ‘ભગવતીસૂત્ર’ના બે ભાગ મૂળ અને મૂળનો અનુવાદ, ટીકા અને ટીકાનો અનુવાદ પ્રગટ કર્યા. તેમાં વિઘ્ન હતું છતાં આગમો લોકો સુધી પહોંચ્યાં અને શ્રાવકોને આગમો વાંચવાની મનાઈ છતાં સંસારી બેચરદાસ પાસે સાધુઓ આગમો ભણતા !
વિદ્યાપીઠમાં ગાંધીજી, કેદારનાથ, કિશોરલાલ મશરૂવાળા, નરહરિભાઈ વગેરે સાથે સમાગમ વધતાં તેમણે પોતાનું જીવન ધન્ય થયાનું નોંધ્યું છે. સાથે સાથે રાષ્ટ્રીય ફરજનો શુદ્ધ અને પૂર્ણ ખ્યાલ પણ ત્યાં જ મેળવેલો. વિદ્યાપીઠના પુરાતત્વમંદિરના આચાર્યપદે મુનિ જિનવિજયજી હતા અને ત્યાં અધ્યાપકવર્ગમાં પંડિત સુખલાલજી, રસિકલાલ છો. પરીખ જેવા અન્ય વિદ્વાનો સાથે પંડિત બેચરદાસ પણ હતા.
ગાંધીજી જેલમાં હતા ત્યારે હસ્તલિખિત ‘નવજીવન’નું તંત્રીપદ સંભાળવા માટે બેચરદાસે નવ માસ વીસાપુરમાં જેલવાસ ભોગવેલો. પાંચ વરસ તો બ્રિટિશ હકૂમતમાં પ્રવેશવાની પણ મનાઈ હતી. રઝળપાટના એ કપરા કાળમાં મારવાડમાં સ્થાનકવાસી સાધુઓ અને બીજાઓને ભણાવી કુટુંબનિર્વાહ કરવો પડેલો.
આનંદશંકર ધ્રુવે જ્ઞાનનું મહત્વ સમજાવી એમ.એ. ન હોવા છતાં બેચરદાસની નિમણૂક અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં કરાવેલી. ત્યાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે વર્ષો સુધી સેવા આપી. 1965થી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં જોડાયા અને ત્યાંથી 1976માં નિવૃત્ત થયા. ભારત સરકારે સંસ્કૃત વિદ્યાના નિષ્ણાત તરીકે તેમને રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનિત કરેલા.
સૌમ્ય અને લાગણીશીલ પ્રકૃતિના આ ગુજરાતી પંડિતમાં ઉત્કટ જ્ઞાનપિપાસા, નીડરતા, નમ્રતા, સાદાઈ, સરળતા, નિર્દંભીપણું, સત્યાગ્રહીપણું, પરગજુપણું અને રાષ્ટ્રપ્રેમના ઉમદા સદગુણો તેમના જીવનવ્યવહાર દ્વારા પ્રગટ થતા. વ્યથિત કુટુંબજીવન છતાં, તેઓ અહિંસક પ્રતિકાર કરવામાં કૃતાર્થતા અનુભવતા. ધર્મક્ષેત્રે પ્રવેશેલી ક્રિયાજડતાનો સમ્યગ્ રીતે વિરોધ દર્શાવતાં તેમણે ક્રિયાકાંડ કરતાં જ્ઞાનનું મહત્વ દર્શાવેલું.
પંડિત ગણાયા તે વિદવત્તાથી. ગાંધીયુગના કાકાસાહેબ, પંડિત સુખલાલજી અને મુનિ જિનવિજયજીની હરોળના તેઓ તેજસ્વી બહુશ્રુત પંડિત. તેઓ જૈન અને અન્ય દર્શનોના પ્રકાંડ અભ્યાસી હતા. મુનિશ્રી શીલચંદ્રવિજયજીએ તેમને નખશિખ વિદ્યાપુરુષ અને સહૃદયો અને સુહૃદોના આદરણીય પંડિતપુંગવ ગણાવેલા. વીસમી સદીના જૈન વિદ્યાના મૂર્ધન્ય મનીષીઓમાં શિરમોર પંડિત બેચરદાસના ખાસ ગુણ તે મૂળ શાસ્ત્રો પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને સાંપ્રદાયિક સંકુચિતતા પ્રત્યે અણગમો. તેથી સ્વામી આનંદે તેમને ગુજરાતની નવી જમાતના અગ્રેસર જૈન ધુરંધરોના નિષ્ઠાવંત મણિ કહેલા.
ભક્તિસંગીતનો શોખ ધરાવનાર અને આનંદઘનજીનાં સ્તવનો ગાનાર પંડિતજીને વિદ્યાને આજીવિકાનું સાધન કરવું પડે તે ખટકતું. તેઓ વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરતા. કેવળ જ્ઞાનસેવાના ભાવથી જૈન વિદ્યાનાં મર્મજ્ઞ સાધુસાધ્વીઓને તેઓ ભણાવતા. સ્થાનકવાસી સાધુકવિ શ્રી અમરમુનિ, મિશ્રીમલજી, લાલચંદજી, કનૈયાલાલજી વગેરે એમના શિષ્યો હતા. આચાર્ય તુલસી પણ એમનો મત પૂછતા. તેમણે હાઈસ્કૂલમાં પાંચમીથી અર્ધમાગધીનો અભ્યાસ દાખલ કરાવેલો. અમદાવાદમાં પર્યુષણ વ્યાખ્યાન યોજનાનો આરંભ તેમણે પોતાના ઘેરથી કરેલો.
તેમના ગ્રંથોની સંખ્યા 53 જેટલી છે. ‘પુરાતત્વ’, ‘જૈન સાહિત્ય સંશોધક’, ‘પ્રસ્થાન’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘ફાર્બસ ત્રૈમાસિક’, ‘અખંડ આનંદ’, ‘ભારતીય વિદ્યા’, ‘જૈન વિદ્યા’, ‘પ્રબુદ્ધ જીવન’ વગેરેમાં તેમના લેખો પ્રસિદ્ધ થતા. વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મના મૂળ સિદ્ધાંતોનો સમન્વય એમણે પ્રસ્થાપિત કરેલો.
તેમના મૌલિક, સંપાદિત, અનૂદિત ગ્રંથોમાં કેટલાક અત્રે ઉલ્લેખનીય છે; જેમ કે, ‘હેમચંદ્રાચાર્ય’ (1936, સંક્ષિપ્ત જીવનચરિત્ર), ‘પ્રાકૃત માર્ગોપદેશિકા’ (1911), ‘પ્રાકૃત વ્યાકરણ’ (1925), ‘ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ’ (1943 ભારતીય આર્ય અને ગુજરાતીના વિકાસનું પાંડિત્યપૂર્ણ નિરૂપણ કરતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાનાં એમનાં વ્યાખ્યાનો), ‘પાઈઅ-લચ્છી નામમાલા’ (1960 ધનપાલની કૃતિનું સંપાદન), ‘દેશી શબ્દસંગ્રહ’ (1947, હેમચંદ્રાચાર્યના દેશ્ય શબ્દકોશ ‘દેશી નામમાલા’નું સંપાદન), ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન ખંડ 1, 2, 3’ (1978, વિવેચન, સંપાદન અને અનુવાદ), ‘જિનાગમ કથાસંગ્રહ’ (1940), ‘રાયપસેણિય સુત્ત’ (1938), ‘ભગવતીસૂત્ર’ (1923) અને ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ (1976), ‘ધર્મનાં પદો’ (1946), ‘મહાવીર વાણી’ (1956), ‘સન્મતિતર્ક’ (ભાગ 1થી 6, 1920-1932, પંડિત સુખલાલજી સાથે સંપાદન), ‘પ્રાકૃત પાઠાવલિ’, ‘ગિરનાર ચૈત્યપરિપાટી’ અને ‘અપભ્રંશનું વ્યાકરણ’ વગેરે.
યોગેન્દ્ર વ્યાસ