પંડિત, કેશવદેવ (. 1271; . 1309) : આયુર્વેદના વિદ્વાન ગ્રંથકાર. પંડિત કેશવદેવ વૈદ્ય હોવા ઉપરાંત દક્ષિણ ભારતના દેવગિરિના રાજાના પ્રધાન હતા. તેમનો પુત્ર બોપદેવ ‘શાર્ઙ્ગધરસંહિતા’નો પ્રખ્યાત ટીકાકાર હતો.

પંડિત કેશવદેવે ‘સિદ્ધમંત્રપ્રકાશ’ નામનો એક વૈદકીય ગ્રંથ લખેલો છે. તેમાં તેમણે ઔષધદ્રવ્યોનું વર્ગીકરણ ગુણો અનુસાર કરેલું છે; જેમ કે વાતનાશક, પિત્તનાશક અને કફનાશક ઔષધિદ્રવ્યો વગેરે. એમના આ ગ્રંથ ઉપર તેમના પુત્ર બોપદેવે સુંદર ટીકા પણ લખી છે. કેશવદેવનો પુત્ર બોપદેવ દેવગિરિના યાદવરાજા મહાદેવ તથા રાજા રામચંદ્રનો તેમજ આચાર્ય હેમાદ્રિનો સમકાલીન હતો. તે હકીકતના આધારે પંડિત કેશવદેવનો સમય તેરમી સદીનો અર્થાત્ ઈ. સ. 1271થી 1309નો મનાય છે. આ જ સમય દેવગિરિના રાજા મહાદેવનો પણ હોવાનું આયુર્વેદના ઇતિહાસકારો માને છે.

પંડિત કેશવદેવે ‘યોગરત્નાકર’ નામે એક અન્ય ગ્રંથ પણ લખ્યો છે, જે (સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા) પ્રસિદ્ધ થયેલ છે. આ ગ્રંથ અજ્ઞાતકર્તૃક ‘યોગરત્નાકર’થી ભિન્ન છે.

એક કેશવે (જેમાં નામ પાછળ ‘દેવ’ શબ્દ નથી વપરાયો) ‘કૌશિકસૂત્ર’ નામે મંત્રવિદ્યાને લગતા એક ગ્રંથની ટીકા લખી હોવાની નોંધ આયુર્વેદના ઇતિહાસમાં છે. આ કેશવ તે ઉપર્યુક્ત ‘કેશવદેવ’ કે કોઈ અન્ય તેની ખાતરી થઈ શકી નથી.

બળદેવપ્રસાદ પનારા