પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841)

January, 1999

પંચ ઑર લંડન શારીવારી (સ્થા. 1841) : ઇંગ્લૅન્ડનું ઠઠ્ઠાચિત્રોથી અલંકૃત અને સવિશેષ અંગ્રેજી તરેહનું હાસ્યપ્રધાન રમૂજી અઠવાડિક. શરૂઆતમાં તે ઉગ્ર ઉદ્દામવાદી હતું, પણ પાછળથી ધીમે ધીમે મિતવાદી બન્યું અને રાજકારણના ઝોકથી અળગું રહ્યું. તેની શરૂઆત રાજાશાહી વિરુદ્ધ લોકમતની પ્રચંડ તરફેણ રૂપે થઈ હતી. રાણી વિક્ટોરિયા અને તેનાં સંતાનોને લક્ષમાં લઈ, આ સામયિકમાં તેમના વિશે ઉગ્ર પ્રહારો અને કટાક્ષ કરાતા હતા. નવું ‘વેસ્ટમિન્સ્ટર પૅલિસ’ (હાઉઝિઝ ઑવ્ પાર્લમેન્ટ) જ્યારે બંધાવાનું શરૂ થયું ત્યારે ‘પંચ’ અસ્તિત્વમાં આવ્યું. ખરેખર તો `પંચ’ રાજાશાહી કરતાં વિશેષ તો ઢોંગ-ધતિંગનું વિરોધી હતું. તેમાં રાજકીય વ્યંગચિત્રનું આખું પાનું આવવા લાગ્યું. આધુનિક તંત્રી-વ્યંગલેખનું પગેરું પંચમાં નીકળે છે. આ સમય દરમિયાન લંડનમાં એકાદ-બે વિનોદલક્ષી સામયિકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં હતાં. લંડનમાં આવું સચિત્ર રમૂજી સામયિક પ્રસિદ્ધ કરવાનો વિચાર ઍબનિઝર લડલ્સને ફિલિપોના પૅરિસ શારીવારી પરથી આવેલ. લૅંડલ્સે આ વિચાર હેન્રી મેહ્યૂ સમક્ષ રજૂ કરતાં, તેણે માર્ક લેમન અને જોઝેફ સ્ટર્લિંગ કોયનને સહસંપાદકો બનાવીને આ યોજનાને માત્ર 25 પાઉંડની નજેવી મૂડીથી આગળ વધારી. 17 જુલાઈ, 1841માં ‘પંચ’નો પ્રથમ અંક 6,000 નકલો સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. પાછળથી તેનો ફેલાવો 90,000 નકલો સુધી પહોંચ્યો હતો. તે હાસ્યપ્રધાન રાજકીય-સામાજિક કટાક્ષ અને ઠઠ્ઠાચિત્રોનું અનન્ય સામયિક બની ગયું હતું. બેકિટ અને જેરલ્ડ શરૂઆતના કર્મચારીઓ હતા. તેમાં પાછળથી થૅકરે, હુડ, લીચ અને ટેન્યલ જોડાયા. ઍલન કરેને સંપૂર્ણ રંગીન વ્યંગચિત્રો ‘કવર-પેજ’ માટે દોરાવવાની શરૂઆત કરી. થૅકરે, ગિલ્બર્ટ, મિલ્ન, સર ઍલન હર્બર્ટ, પી. જી. વુડહાઉસ, સર જૉન બેન્જમિન, બ્રૅગ, હન્ટર ડેવિસ, બેની ગ્રીન અને ઍલન બ્રાઇન જેવા લેખકો ‘પંચ’ માટે લખતા હતા.

1847ના એપ્રિલથી ઑક્ટોબર સુધી પંચમાં થૅકરેએ ‘પ્રાઇઝ નૉવલિસ્ટ્સ પૅરડીઝ’ પ્રસિદ્ધ કરી. તે માટે થૅકરેએ પોતે જ ઠઠ્ઠાચિત્રો દોરી આપ્યાં હતાં. આધુનિક નવલકથાકારો બલ્વર લિટન, ફેનિમોર કૂપર, જી. પી. આર. જેમ્સ, ચાર્લ્સ લીવર અને ડિઝરાઇલીની પૅરડીઝ ‘પંચ’માં છાપવામાં આવેલ. ડિઝરાઇલીની ‘કૉનિંગ્ઝબી’ની પ્રચંડ વિડંબના ‘કૉડિંગ્ઝબી’ તરીકે ‘પંચ’માં પ્રસિદ્ધ થઈ હતી.

ખ્યાતનામ નકશા-નિષ્ણાત ચાર્લ્સ કીનનું પ્રથમ વ્યંગચિત્ર ‘પંચ’માં 1851માં પ્રસિદ્ધ થયું હતું. 1860માં તે પંચના કર્મચારીગણમાં જોડાયા હતા. દુ મોર્યે 1864માં જોડાયા. આર. ડૉઇલે પંચના મુખ્ય પૂઠાનું વિખ્યાત ચિત્ર દોરી આપ્યું હતું. તેનો ઉપયોગ 1849થી 1956 સુધી થયો. પાછળથી આ રંગીન ચિત્રમાં દર અઠવાડિયે નાવીન્ય આવતું ગયું. 1969 સુધી ‘પંચ-પ્રતીક’ અને ‘ટૉબી’ નામનો શ્વાન મુખ્ય કવર-પેજ પર મૂકવામાં આવતાં.

વિ. પ્ર. ત્રિવેદી