પંચકર્મ : શરીરને તેના દોષોમાંથી મુક્તિ અપાવવા, તેની શુદ્ધિ માટે આયુર્વેદમાં દર્શાવેલી પાંચ ક્રિયાઓ. આ પણ કાયચિકિત્સાની એક સ્વતંત્ર પદ્ધતિ છે. વાગ્ભટે આ પંચકર્મોમાં (1) વમનકર્મ, (2) વિરેચનકર્મ, (3) બસ્તિકર્મ, (4) નસ્યકર્મ અને (5) રક્તમોક્ષણકર્મનો સમાવેશ કર્યો છે.

(1) વમનકર્મમાં મુખ વાટે દવા આપીને દરદીને ઊલટી કરાવવામાં આવે છે. મીંઢળ, જેઠીમધ, લીમડો વગેરે ઔષધો આપવાથી દરદીને ઊલટી થાય છે. તે દ્વારા કફદોષ કે પિત્તદોષમાંથી શરીર મુક્ત થઈ તેની શુદ્ધિ થાય છે. વમનકર્મ કફદોષ માટેની ઉત્તમ અને પિત્તદોષ માટેની મધ્યમ ચિકિત્સા છે. ખાંસી, દમ, અજીર્ણ, મંદાગ્નિ, વિષભક્ષણ વગેરેમાં  વમનકર્મ ઉપયોગી છે.

(2) વિરેચનકર્મ એટલે મુખ દ્વારા એરંડિયું, હરડે, ત્રિફળા, ગરમાળો વગેરે વિરેચક ઔષધો દરદીને પાણી, દૂધ વગેરે સાથે આપી તેની ઉત્સર્ગક્રિયા દ્વારા ઉદરશુદ્ધિ કરાવવી તે. ઉદરરોગો, જળોદર, મસ્તકપીડા, પેટપીડા વગેરે રોગો વિરેચનકર્મથી મટે છે. વિરેચન પિત્તદોષ માટેની ઉત્તમ, વાતદોષ માટેની મધ્યમ અને કફરોગ માટેની સામાન્ય ચિકિત્સા છે.

(3) બસ્તિકર્મ એટલે ગુદા દ્વારા ઘી, તેલ, એરંડિયું જેવા સ્નિગ્ધ પ્રવાહીને આંતરડામાં દાખલ કરીને તેની શુદ્ધિ કરવામાં આવે તે. તેનાથી કબજિયાત, મૂત્રાશયના રોગો, સ્ત્રીઓના ગર્ભાશયના રોગો, વાયુના રોગો વગેરે મટે છે. મૂત્રાશયના અને ગર્ભાશયના રોગો માટે અપાતી બસ્તિને ઉત્તરબસ્તિ કહે છે. પ્રવાહી તેલ અને ઘી વગેરેની બસ્તિને સ્નેહબસ્તિ કહે છે. હરડે વગેરેના ઉકાળાની બસ્તિને આસ્થાપનબસ્તિ કહે છે. બસ્તિકર્મ વાયુના રોગો માટેની ઉત્તમ અને પિત્તના રોગો માટેની મધ્યમ ચિકિત્સા છે.

(4) નસ્યકર્મ એટલે ઔષધથી સિદ્ધ કરેલા તેલનાં ટીપાં નાકમાં પાડી કે વાટેલા ઔષધને ફૂંકથી નાકમાં નાખી કરવામાં આવતું શુદ્ધિકર્મ. એનાથી મસ્તકના, આંખના અને ગળાના રોગો મટે છે. નસ્યકર્મથી વાયુનું શમન અને કફ વગેરેનું શોધન થતું હોવાથી વાત અને કફ માટેની તે ઉત્તમ ચિકિત્સા ગણાય છે.

(5) રક્તમોક્ષણકર્મ એટલે શરીરમાં રહેલા દૂષિત લોહીને જળો વડે અથવા લોખંડના ધારદાર સાધનથી નસ વગેરેનો છેદ કરીને બહાર કાઢી કરવામાં આવતું શુદ્ધિકર્મ. ત્વચાના રોગો, ઝેરી પ્રાણીના દંશ વગેરે રક્તમોક્ષણથી મટે છે. રક્તદોષ દૂર કરવા માટેની  તે ઉત્તમ ચિકિત્સા છે.

પંચકર્મ-ચિકિત્સા પછી સુપાચ્ય ખોરાક અને મુખ્ય રોગને દૂર કરનારાં ઔષધો પણ આપવાનાં રહે છે.

હરિદાસ શ્રીધર કસ્તૂરે