પંચોલી, દલસુખ (. 1906, કરાંચી; . 10 ઑક્ટોબર 1959) :  જાણીતા હિન્દી-પંજાબી ચલચિત્રોના ગુજરાતી ચલચિત્રસર્જક. પૂરું નામ દલસુખ મ. પંચોલી. દેશના ભાગલા પૂર્વે પંજાબ(હાલ પાકિસ્તાન)માં ચલચિત્રઉદ્યોગ ઊભો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું. મૂળ સૌરાષ્ટ્રના ઝાલાવાડના બ્રાહ્મણ પરિવારના દલસુખ પંચોલીના મોટા ભાઈ રેવાશંકર કરાંચીમાં ફિલ્મવિતરણનો વ્યવસાય કરતા. દલસુખને પણ તેમણે ત્યાં બોલાવી લીધા. કરાંચીમાં મોટા ભાઈ સાથે રહીને દલસુખે ચિત્રનિર્માણ અંગેની જાણકારી મેળવી લીધી. લાહોરમાં સ્થાયી થયા. ત્યાં બે-ત્રણ થિયેટરના માલિક બન્યા. ‘સોહની-મહિવાલ’ ચિત્રનું નિર્માણ કર્યું પણ તે ન ચાલ્યું. હિંમત હાર્યા વિના ‘ગુલ-એ-બકાવલી’ (1939) ચિત્ર બનાવ્યું. આ ચિત્ર સફળ થયું એટલે હિંમત વધી. ‘યમલા જાટ’(1940)ના નિર્માણ પછી માત્ર પંજાબી ચિત્રો પૂરતા મર્યાદિત રહેવાને બદલે 1941માં હિંદી ‘ખજાનચી’ બનાવ્યું. આ ચિત્રે તેમને આખા દેશમાં ખ્યાતિ અપાવી. પંજાબી લોકગીતો અને લોકસંગીતનો તેમણે આ ચિત્રમાં ભરપૂર ઉપયોગ કર્યો હતો. તેમની કંપની ‘પંચોલી આર્ટ પિક્ચર્સ’ જાણીતી બની ગઈ. કંપનીના નેજા હેઠળ બે-ત્રણ ચિત્રો બનાવ્યાં બાદ પંચોલી આર્ટ પ્રોડક્શન્સની સ્થાપના કરી. લાહોરમાં તેમણે પોતાનો પાંચ માળનો  સ્ટુડિયો ઊભો કર્યો હતો. પણ દેશના ભાગલા પડ્યા ત્યારે એ બધું જ મૂકીને પહેરેલે લૂગડે તેમણે ભારત આવી જવું પડ્યું હતું. એ વખતે તેઓ ‘પતઝડ’ નામનું ચિત્ર બનાવતા હતા તેની નેગેટિવ પોતાની સાથે લાવી શક્યા હતા. એ અધૂરું ચિત્ર તેમણે 1948માં મુંબઈમાં પૂરું કર્યું હતું.

પાકિસ્તાનમાં તેઓ હતા એ દરમિયાન પંચોલી આર્ટ પ્રોડક્શન્સના નેજા હેઠળ લગભગ અડધો ડઝન ચિત્રો બનાવ્યાં હતાં અને ચિત્રસર્જક તરીકે એટલા સફળ હતા કે ત્યાં બેઠાં બેઠાં મુંબઈના નિર્માતાઓને નાણાં ધીરતા હતા. પાકિસ્તાનમાં જ તેમણે લગ્ન કર્યાં હતાં. ભાગલા વખતે પાકિસ્તાન છોડવાની તેમની જરાય ઇચ્છા નહોતી. પાકિસ્તાનના નાગરિક બનવાની પણ તેમની તૈયારી હતી. પણ ત્યાંની સરકારે એ મંજૂર રાખ્યું નહિ.

દેશના ભાગલાએ જે પરિવારોને તબાહ કરી નાખ્યા તેમાં પંચોલી પરિવાર પણ હતો. લાહોરમાં તેમનું સામ્રાજ્ય પડી ભાંગ્યું. ભારતમાં આવીને એકડે એકથી શરૂ કરવાનો વારો આવ્યો. થોડો સમય જૂના મિત્રોની સાથે વિતાવ્યો અને કળ વળતાં ચિત્રનિર્માણમાં ફરી ધ્યાન પરોવ્યું. મુંબઈમાં તેમણે પ્રથમ ચિત્ર ‘મીનાબાઝાર’ (1950) બનાવ્યું. ચિત્ર સફળ થયું પણ એ તેમનો આખરી ચમકારો હતો. મુંબઈમાં તેમણે ‘પંચોલી પ્રોડક્શન્સ’ના નેજા હેઠળ ચાર ચિત્રો બનાવ્યાં, પણ તેમાં એકેય નોંધપાત્ર ન નીવડ્યું. પછી 1958માં ‘ફરિશ્તા’નું નિર્માણ કર્યું એ તેમનું આખરી ચિત્ર બની રહ્યું.

ચિત્રઉદ્યોગને પ્રાણ જેવા અદાકાર અને ગુલામહૈદર જેવા સંગીતકારની ભેટ આપનાર દલસુખ પંચોલીના અંતિમ દિવસો બહુ નિરાશાજનક રહ્યા હતા. મિત્રોએ તેમના મોભાને છાજે તે રીતે ‘ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશન’(ઇમ્પા)ના તેમને પ્રમુખ બનાવ્યા હતા. હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું.

હરસુખ થાનકી