પંચાંગ : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ પાંચ અંગોની આખા વરસની માહિતી આપતું પોથીબધ્ધ લખાણ. વૈદિક શ્રૌતસૂત્રોમાં કહેલા યજ્ઞયાગો, ગૃહ્યસૂત્રોમાં કહેલા લગ્ન વગેરે ગૃહ્ય-સંસ્કારો તથા સ્મૃતિઓમાં કહેલાં ધાર્મિક અને સામાજિક પર્વો શુભ સમયે કરવાથી તેનું શુભ ફળ મળે છે, તેથી કયો સમય શુભ છે અને કયો અશુભ એ ખગોળગણિત વગેરેની મદદથી ગણતરી કરી નક્કી કરી આ લખાણમાં દર્શાવવામાં આવે છે. પંચાંગનું બીજું નામ તિથિપત્ર પણ છે. આકાશમાં સૂર્ય અને ચંદ્રની ગતિ અને સ્થિતિ પરથી જ સંવત્સર, અયન, ઋતુ, માસ, પક્ષ, સપ્તાહ, રાત, દિવસ, રાશિ, નક્ષત્ર, તિથિ, યોગ અને કરણ વગેરે પંચાંગનાં વિવિધ તત્વો નક્કી કરવામાં આવે છે. ખગોળમાં-આકાશમાં પૃથ્વી પોતાની ધરીની આસપાસ અને સૂર્યની આજુબાજુ ગોળ ફરે છે. ખગોળને 360 અંશનું લેખી એના ત્રીસ ત્રીસ અંશના કુલ બાર ભાગ પાડવામાં આવ્યા છે; જેને રાશિ કહે છે. (1) મેષ, (2) વૃષભ, (3) મિથુન, (4) કર્ક, (5) સિંહ, (6) કન્યા, (7) તુલા, (8) વૃશ્ચિક, (9) ધન, (10) મકર, (11) કુંભ અને (12) મીન – એ બાર રાશિઓમાં થઈને પૃથ્વી પસાર થાય છે. એ રીતે આખા ખગોળનું પોતાનું એક ભ્રમણ પૂરું કરતાં તે જેટલો સમય લે તેને સંવત્સર કે વર્ષ કહેવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરીથી નમેલી હોવાથી સૂર્ય 22મી ડિસેમ્બરથી 23 જૂન સુધી આકાશમાં ઉત્તર દિશા તરફ જતો અને 23મી જૂનથી 22 ડિસેમ્બર સુધી દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે. અત્યારે આ તારીખો 21-6 અને 21-12 થયેલી છે. તેને અનુક્રમે ઉત્તરાયન અને દક્ષિણાયન કહે છે. એક વર્ષ કે સંવત્સરમાં આ રીતે બે અયનો હોય છે.

પૃથ્વીની ગતિને કારણે આકાશમાં જે રીતે સૂર્ય દેખાય છે તેને અનુલક્ષીને એક વર્ષમાં છ ઋતુઓ આવે : (1) હેમંત, (2) શિશિર, (3) વસંત, (4) ગ્રીષ્મ, (5) વર્ષા અને (6) શરદ. હેમંતઋતુ સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી પસાર થાય તે કારતક માસ અને ધન રાશિમાંથી પસાર થાય તે માગશર માસની બનેલી છે. શિશિર ઋતુ સૂર્ય મકર અને કુંભ રાશિમાંથી પસાર થાય તે અનુક્રમે પોષ અને મહા – એ બે માસની બનેલી છે. વસંતઋતુ સૂર્ય મીન રાશિમાંથી પસાર થાય તે ફાગણ અને મેષ રાશિમાંથી પસાર થાય તે ચૈત્ર એમ બે માસની બનેલી છે. ગ્રીષ્મ ઋતુ સૂર્ય વૃષભ અને મિથુન રાશિઓમાંથી પસાર થાય તે અનુક્રમે વૈશાખ અને જેઠ એ બે માસની બનેલી છે. વર્ષાઋતુ સૂર્ય કર્ક અને સિંહ રાશિઓમાંથી પસાર થાય એ અનુક્રમે અષાઢ અને શ્રાવણ માસની બનેલી હોય છે, જ્યારે શરદઋતુ સૂર્ય કન્યા અને તુલા રાશિમાંથી પસાર થાય તે અનુક્રમે ભાદરવો અને આસો માસની બનેલી હોય છે.

સૂર્ય અને ચંદ્રના આકાશી ભમ્રણને લીધે ઉપર ગણાવેલા 12 ચાંદ્ર માસોમાં કોઈક વાર સૂર્ય આખો માસ એક જ રાશિમાં રહે અને બીજી રાશિમાં જાય નહિ તેને અધિકમાસ કહે છે. સૂર્યની ગતિ પરથી નક્કી થયેલા માસને સૌર માસ કહે છે; જ્યારે ચંદ્રના ભ્રમણ પરથી નક્કી થયેલા માસને ચાંદ્ર માસ કહે છે. સમગ્ર આકાશનું પરિભ્રમણ કરતાં ચંદ્ર જેટલો સમય લે તે ચાંદ્ર માસના બે પક્ષ હોય છે : (1) કૃષ્ણ અને (2) શુક્લ પક્ષ. પૂનમને દિવસે ચંદ્ર સોળે કળાએ પ્રકાશે છે. એ પછી દરરોજ એક એક કળા ઘટી અમાસને દિવસે સંપૂર્ણ દેખાતો નથી. માસના આ અડધા ભાગને કૃષ્ણ પક્ષ કહે છે. અમાસ પછી રોજ એક એક કળા વધતો જઈ ચંદ્ર પૂનમને દિવસે સંપૂર્ણ ગોળ દેખાય તે માસના અડધા ભાગને શુક્લ પક્ષ કહે છે.

(1) વાર : માસનો અડધો ભાગ જે પક્ષ તે પણ બે  સપ્તાહમાં વહેંચાયેલો હોય છે. સપ્તાહ એટલે સાત દિવસોનો સમૂહ. આ સાત દિવસોને સાત ગ્રહોનાં નામ ઉપરથી સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ઓળખવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રમાં તેનો ક્રમ શનિ, ગુરુ, મંગળ, રવિ, શુક્ર, બુધ અને ચંદ્ર (સોમ) એવો છે. એમાંથી દરેક વાર પછી આવતો ચોથો વાર લેવાથી આપણા પ્રચલિત ક્રમે વાર આવે છે. પ્રત્યેક વાર ચોવીસ કલાકનો હોય છે. તેમાં સૂર્ય પ્રકાશતો હોય તે ભાગને દિવસ અને સૂર્ય પ્રકાશતો ન હોય તે ભાગને રાત કહે છે. આ વાર એ પંચાંગનાં પાંચ અંગોમાંનું એક અંગ છે. વાર સૂર્યોદયથી ગણાય છે.

(2) તિથિ : વાર જેવું બીજું અંગ તિથિ છે. ચંદ્રને આકાશમાં બાર અંશ જેટલું અંતર કાપતાં જે સમય લાગે તેનું નામ તિથિ. એક પક્ષમાં પંદર તિથિઓ હોય છે. આકાશમાં સૂર્ય અને ચંદ્ર એકસાથે હોય તે તિથિને અમાસ કહે છે. તે પછી સૂર્યથી ચંદ્ર બાર બાર અંશ આગળ વધતો જાય તેમ તેમ પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, અગિયારશ, બારસ, તેરશ અને ચૌદશ એમ તિથિ બદલાતી જાય. પૂનમના દિવસે ચંદ્ર સૂર્યની બરાબર સામેના ભાગમાં આકાશના 180 અંશ કાપીને આવે. એ પછી બાર બાર અંશ આગળ વધે તેમ તેમ કૃષ્ણ પક્ષની ચૌદ તિથિઓ ઉપર ગણાવી તે ક્રમે આવે. છેવટે સૂર્ય અને ચંદ્ર બંને એકસાથે થઈ જાય તે અમાસની તિથિ આવે. બંને પક્ષોમાં ચૌદ તિથિઓ સમાન હોય છે, પરંતુ શુક્લ પક્ષની પંદરમી તિથિને પૂનમ અને કૃષ્ણ પક્ષની પંદરમી તિથિને અમાસ કહે છે. હવે જે પૂનમે, ચંદ્ર દિવસે ઉદય પામે તેને અનુમતિ કહે છે અને દિવસ પૂરો થયા પછી રાતે ચંદ્રનો ઉદય થાય તે પૂનમને રાકા કહે છે. એ જ રીતે જે અમાસે ચંદ્ર સવારે ના દેખાય તેને કુહૂ કહે છે અને ચંદ્ર સવારે દેખાય તે અમાસને સીનીવાલી કહે છે. વૈદિક યજ્ઞ કરનારા અમાસને દર્શ કહે છે, જ્યારે પૂનમને પૂર્ણમાસ કહે છે. એનું કારણ એ છે કે તેઓ પૂનમને દિવસે માસ પૂરો થયેલો ગણે છે. ધર્મશાસ્ત્રમાં પણ આવા પૂનમિયા માસ તેના લેખકોએ ઉલ્લેખ્યા છે. આ તિથિઓના પાંચ પ્રકારો છે : પડવો, છઠ અને અગિયારશને નંદા તિથિ કહે છે; બીજ, સાતમ અને બારશને ભદ્રા તિથિ; ત્રીજ, આઠમ અને તેરશને જયા તિથિ; ચોથ, નોમ અને ચૌદશને રિક્તા તિથિ તથા પાંચમ, દશમ અને પૂનમ કે અમાસને પૂર્ણા તિથિ કહે છે. હવે ચંદ્ર આકાશનું એક ભ્રમણ પૂરું કરે તે સમયે સૂર્ય પણ એક રાશિ એટલે ત્રીસ અંશ જેટલું અંતર કાપતો હોવાથી ક્યારેક એક તિથિ બે દિવસે આવે તો તેને વૃદ્ધિ તિથિ કહે છે. એ રીતે બે તિથિઓ એક જ દિવસ-રાતમાં આવતી હોય તો એક તિથિ ઘટતી હોવાથી તેને ક્ષયા તિથિ કહે છે. સૂર્યોદય સમયે જે તિથિ ચાલતી હોય તે દિવસની તિથિ મનાય છે.

(3) નક્ષત્ર ; જેમ આકાશના ત્રીસ અંશ જેટલો ભાગ રાશિ કહેવાય છે, તેમ આકાશના 13 અંશ અને 20 કળા જેટલા ભાગને નક્ષત્ર કહે છે. આ અંતર આકાશમાં ચંદ્રની દૈનિક નક્ષત્રગતિ સૂચવે છે. ચંદ્ર પ્રતિદિન એક નક્ષત્ર ચાલે છે. એ તેર અંશ જેટલા ભાગમાં આવેલા તારાઓનો સમૂહ જે આકારમાં ગોઠવાયેલો હોય છે તેના પરથી તે નક્ષત્રનું નામ આપવામાં આવ્યું છે. જેમ રાશિઓ બાર છે, તેમ નક્ષત્રો 27 છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ભાગ પાડી 27 નક્ષત્રોને બાર રાશિઓમાં નીચે પ્રમાણે વહેંચવામાં આવ્યાં છે : (1) મેષ રાશિમાં અશ્વિની તથા ભરણી નક્ષત્રો અને કૃત્તિકાનો પ્રથમ પા ભાગ, (2) વૃષભ રાશિમાં કૃત્તિકાનો પાછલો પોણો ભાગ, રોહિણી નક્ષત્ર અને મૃગશીર્ષનો પાછલો અડધો ભાગ, (3) મિથુન રાશિમાં મૃગશીર્ષનો પહેલો અડધો ભાગ, આર્દ્રા નક્ષત્ર અને પુનર્વસુનો પાછલો પોણો ભાગ, (4) કર્ક રાશિમાં પુનર્વસુનો છેલ્લો પા ભાગ, પુષ્ય અને આશ્લેષા નક્ષત્રો, (5) સિંહ રાશિમાં મઘા અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રો તથા ઉત્તરા ફાલ્ગુનીનો પહેલો પા ભાગ, (6) કન્યા રાશિમાં ઉત્તરા ફાલ્ગુનીનો પાછલો પોણો ભાગ, હસ્ત નક્ષત્ર અને ચિત્રાનો પહેલો અડધો ભાગ, (7) તુલા રાશિમાં ચિત્રાનો પાછલો અડધો ભાગ, સ્વાતિ નક્ષત્ર અને વિશાખાનો પહેલો પોણો ભાગ, (8) વૃશ્ચિક રાશિમાં વિશાખાનો પાછલો પા ભાગ, અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્રો, (9) ધન રાશિમાં મૂળ અને પૂર્વાષાઢા નક્ષત્રો તથા ઉત્તરાષાઢાનો પહેલો પા ભાગ, (10) મકર રાશિમાં ઉત્તરાષાઢાનો પાછલો પોણો ભાગ, શ્રવણ નક્ષત્ર અને ધનિષ્ઠાનો પહેલો અડધો ભાગ (11) કુંભ રાશિમાં ધનિષ્ઠાનો પાછલો અડધો ભાગ, શતતારા નક્ષત્ર અને પૂર્વા ભાદ્રપદાનો પહેલો પોણો ભાગ, (12) મીન રાશિમાં પૂર્વા ભાદ્રપદાનો પાછલો પા ભાગ, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી નક્ષત્રો આવે છે. ઉત્તરાષાઢાના પાછલા પા ભાગ અને શ્રવણ નક્ષત્રના પહેલા પા ભાગને અભિજિત્ નામનું 28મું નક્ષત્ર માનવાની રૂઢિ છે. વળી પૂનમની મધ્યરાત્રીએ આકાશના મધ્ય ભાગમાં જે નક્ષત્ર દેખાય તે પરથી માસનાં નામો આપવામાં આવ્યાં છે. જેમ કે કૃત્તિકા પરથી કારતક, મૃગશીર્ષ પરથી માગશર, પુષ્ય ઉપરથી પોષ, મઘા પરથી મહા, ફાલ્ગુની પરથી ફાગણ, ચિત્રા પરથી ચૈત્ર, વિશાખા પરથી વૈશાખ, જ્યેષ્ઠા પરથી જેઠ, અષાઢા પરથી અષાઢ, શ્રવણ પરથી શ્રાવણ, ભાદ્રપદા પરથી ભાદરવો અને અશ્વિની પરથી આસો. આ નક્ષત્રોનાં સંસ્કૃત ભાષામાં એકથી વધુ નામો પ્રચલિત છે. આ નક્ષત્ર પણ પંચાંગનું એક અંગ છે.

પંચાંગનું એક પૃષ્ઠ

(4) કરણ : તિથિના અડધા ભાગને કરણ કહે છે. લગભગ ત્રીસ ઘડી જેટલા સમયને કરણ કહે છે. દરેક તિથિનાં બે કરણો હોય છે, પરંતુ કુલ કરણો અગિયાર ચોક્કસ ક્રમે આવે છે. એમાં (1) બવ, (2) બાલવ, (3) કૌલવ, (4) તૈતિલ, (5) ગર, (6) વણિજ, (7) વિદૃષ્ટિ કે ભદ્રા એ સાત ચર કરણો છે. જ્યારે (1) કિંસ્તુઘ્ન, (2) શકુનિ, (3) ચતુષ્પાદ અને (4) નાગ એ ચાર કરણો સ્થિર છે. સાતમું વિદૃષ્ટિ કે જેને ભદ્રા કહે છે તેના મુખ, પુચ્છ, દિન અને રાત્રી એવા ચાર ભેદો છે. વળી શુક્લ પક્ષની વિદૃષ્ટિ કે ભદ્રાને સર્પિણી કહે છે. આ કરણ પણ પંચાંગનું એક અંગ છે.

(5) યોગ : પંચાગનું અંતિમ અંગ યોગ છે. ચંદ્ર અને સૂર્યની ગતિનો સરવાળો તેર અંશ અને વીસ કળા અર્થાત્ કુલ આઠ સો કળા જેટલો થવા માટે જેટલો સમય લાગે અને ચંદ્ર તથા સૂર્ય ચોક્કસ સ્થળે આવે તે વિશિષ્ટ સ્થિતિને યોગ કહેવાય. આવા યોગો 27 છે કે જેમાં વિષ્કંભ, પ્રીતિ, આયુષ્યમાન્, સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મા, ધૃતિ, શૂળ, ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વજ્ર, સિદ્ધિ, વ્યતિપાત, વરીયાન્, પરિઘ, શિવ, સિદ્ધ, સાધ્ય, શુભ, શુક્લ, બ્રહ્મ, ઐન્દ્ર અને વૈધૃતિનો સમાવેશ થાય છે. એમાં શુભ અને અશુભ બંને જાતના યોગો છે. તેની ખબર પ્રાય: તેમના નામ પરથી જ પડી જાય તેમ છે.

આવા જ બીજા આનંદાદિ યોગો પણ જાણીતા છે કે જે ચોક્કસ વારે ચોક્કસ નક્ષત્ર આવવાથી થાય છે. આ યોગો 28 છે. તેમાં આનંદ, કાળદંડ, ધૂમ્રાક્ષ, પ્રજાપતિ, સૌમ્ય, ધ્વક્ષિ, ધ્વજ, શ્રીવત્સ, વજ્ર, મુદગર, છત્ર, મિત્ર, માનસ, પદ્મ, લુંબક, ઉત્પાત, મૃત્યુ, ક્ષણ, સિદ્ધિ, શુભ, અમૃત, મુસલ, ગદ, માતંગ, રાક્ષસ, ચર, સ્થિર અને વર્ધમાનનો સમાવેશ થાય છે.

હોરા : સૂર્યોદયથી શરૂ કરીને પ્રત્યેક કલાક જેટલા ભાગને હોરા કહે છે. દિવસરાતનો 24મો ભાગ અર્થાત્ અઢી ઘડી એટલે કે એક કલાક જેટલો સમય હોરા કહેવાય. શનિ, ગુરુ, મંગળ, રવિ, શુક્ર, બુધ અને ચંદ્ર – એ ગ્રહોના શાસ્ત્રીય ક્રમે હોરા આવે છે. સાત ગ્રહોની ચોવીસ કલાકમાં આ શાસ્ત્રીય ક્રમે 21 કલાકમાં ત્રણ વખત હોરાઓ આવે છે. એ પછી એ દિવસની હોરા પછીની ત્રણ હોરાઓ આવીને દિવસરાતની ચોવીસ હોરાઓ પૂરી થાય છે. આ હોરાઓમાં શનિ, રવિ અને મંગળની હોરાઓ અશુભ છે, બાકીના ચાર ગ્રહોની હોરાઓ શુભ છે. વારનાં નામ દિવસની પહેલી હોરાના સ્વામી ગ્રહ ઉપરથી પડ્યાં છે.

ચોઘડિયું : જૈન જ્યોતિષમાં 3 ઘડી અને 45 પળના અર્થાત્ દોઢ કલાક જેટલા સમયને ચોઘડિયું કહે છે. પરિણામે ચોવીસ કલાકનાં સોળ ચોઘડિયાં હોય છે. કુલ સાત ચોઘડિયાં છે. એમાં ઉદ્વેગ, રોગ અને કાળ એ ત્રણ અશુભ ચોઘડિયાં છે, જ્યારે અમૃત, શુભ, લાભ અને ચલ એ ચાર શુભ ચોઘડિયાં છે. તેની ગણતરી સરળ હોવાથી હોરા કરતાં તેનો પ્રચાર વધારે છે.

વેદના સમયમાં પંચાંગનાં ત્રણ અંગો-તિથિ, નક્ષત્ર અને કરણ પ્રચલિત હતાં. એ પછી મહાભારતના કાળમાં ગર્ગ નામના ઋષિએ યોગ એ ચોથું અંગ ઉમેરીને પોતાની ગર્ગસંહિતામાં ચાર અંગો રજૂ કરેલાં. એ પછી આર્યભટ્ટ અને વરાહમિહિરના સમયથી વાર નામનું પાંચમું અંગ પંચાંગમાં રજૂ થયું. એ પછી જુદા જુદા આચાર્યોએ પંચાંગમાં પાંચ અંગો ઉપરાંત હોરા અને ચોઘડિયાં પણ ઉમેર્યાં. આ રીતે હિંદુ પંચાંગમાં જે જે માહિતી વ્યવહારમાં ઉપયોગી લાગી તે તે ઉમેરાતી ગઈ. એમાં હિંદુ, જૈન, પારસી, અંગ્રેજ, મુસલમાન વગેરેના જુદા જુદા સંવતો, સંવત્સરો, માસ, દિવસો, તહેવારો, સામાજિક અને રાષ્ટ્રીય પર્વો, સૂર્ય અને ચંદ્રનાં ઉદય, અસ્ત અને ગ્રહણો, બાકીના ગ્રહોના ઉદય અને અસ્ત, તેમની વક્રી અને માર્ગી ગતિ એ બધું ઉમેરાયું. વૈદિક સમયમાં ઘરની ભીંત, માટીના ચોતરા કે ઓટલા પર લખવામાં આવતું પંચાંગ આધુનિક સમયમાં (જાહેરખબરો સાથે) પુસ્તકના આકારમાં અને પાનાંના આકારમાં તિથિપત્ર તરીકે વિકાસ પામ્યું તે નોંધપાત્ર છે.

પ્ર. ઉ. શાસ્ત્રી