પંજાબ (પાકિસ્તાન) : દક્ષિણ એશિયાનો લગભગ 7,00,000 ચોકિમી.નો વિશાળ મેદાની વિસ્તાર આવરી લેતો ભારત-પાકિસ્તાનમાં આવેલો પ્રદેશ. ‘પંજાબ’ નામ ધરાવતો પ્રાંત પાકિસ્તાનના ઈશાન ભાગમાં તથા એ જ નામ ધરાવતું રાજ્ય વાયવ્ય ભારતમાં જોડાજોડ એકબીજાની સરહદે આવેલાં છે. આ સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ છે. પાકિસ્તાનનો પંજાબ પ્રાંત ભારતના પંજાબ રાજ્યની પશ્ચિમ તરફ આવેલો છે. 1947ના ઑગસ્ટમાં ભારત-પાકિસ્તાન સ્વતંત્ર થયાં તે અગાઉ ‘પંજાબ’ નામથી ઓળખાતા આજના આ બંને અલગ પ્રદેશો એક હતા.

સિંધુ નદીને મળતી જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ-એ પાંચ શાખાનદીઓ આ પ્રદેશમાં થઈને વહેતી હોવાથી તેનું નામ ‘પંજાબ’ પડેલું છે. આ નદીઓના પ્રદેશમાં તેમજ સિંધુની ખીણમાં ઈ. પૂ. 2000ના અરસામાં સિંધુ સંસ્કૃતિ પાંગરી અને વિકસી હતી. પંજાબના આ વિભાગમાં રાવી નદીના ડાબા કાંઠા નજીક આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્રીય સ્થળ હતું, તે આજે તો લુપ્ત થઈ ગયું છે. ત્યાંથી ઘણા પ્રાચીન અવશેષો મળી આવેલા છે. સંયુક્ત પંજાબનો સમગ્ર પ્રદેશ જુદા જુદા કાળગાળે મૌર્ય, ગુપ્ત અને વર્ધન જેવા શાસકવંશોના આધિપત્ય હેઠળ રહેલો.

પંજાબ(પાક)માં ઊભા કૃષિપાકને યાંત્રિક રીતે થતું પિયત

બારમી સદીથી તુર્કસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા ઇસ્લામધર્મી શાસકોના કબજા હેઠળ તે દિલ્હી સલ્તનતનો એક ભાગ હતું. તે પછીથી આ પ્રદેશ મુઘલોના શાસન હેઠળ આવ્યો. 16મી સદીથી મુઘલો ઉપરાંત આ પ્રદેશ પર શીખધર્મી પ્રજાનું વધુ વર્ચસ રહેલું છે. 1849માં આ આખોય પ્રદેશ અંગ્રેજોએ કબજે લઈને તેને પ્રાંતનો દરજ્જો આપ્યો. 1947માં આ વિશાળ પ્રદેશના ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા પડ્યા તે દરમિયાનના ટૂંકા સમયગાળામાં સેંકડો-હજારો નિર્વાસિતો હિંદુ-મુસ્લિમ હુલ્લડોમાં માર્યા ગયા.

પાકિસ્તાનમાં આવેલો આ પ્રદેશ ખૂબ જ ફળદ્રૂપ અને કૃષિપ્રધાન છે, તથા સમગ્ર દક્ષિણ એશિયામાં વધુ પ્રમાણમાં ઘઉં પેદા કરતો મુખ્ય પ્રદેશ ગણાય છે. ઘઉં ઉપરાંત અહીંના ખેડૂતો ચોખા, મકાઈ, બાજરી, તેલીબિયાં, શેરડી, કપાસ, ખજૂર, કેરી, દાડમ અને ખાટાં ફળો પણ ઉગાડે છે.

આબોહવાની દૃષ્ટિએ ઉનાળામાં તે વિશેષ ગરમ, પરંતુ શિયાળામાં સમધાત રહે છે. તેનો દક્ષિણ ભાગ સિંધ અને રાજસ્થાનના સૂકા પ્રદેશની નજીક હોવાથી ઓછો વરસાદ મેળવે છે. ઉત્તર તરફના ભાગોમાં વરસાદનું પ્રમાણ થોડુંક વધે છે, જ્યારે હિમાલયની તળેટી-ટેકરીઓના ભાગમાં 1,200 મિમી. જેટલો વરસાદ પડે છે.

આ પ્રાંતની કુલ વસ્તી લગભગ 4.7 કરોડ જેટલી છે. મોટાભાગના લોકો મુસ્લિમ છે. લાહોર તેનું પ્રાંતીય પાટનગર છે. પાકિસ્તાનનું હાલનું પાટનગર ઇસ્લામાબાદ અને જૂનું પાટનગર રાવલપિંડી પણ આ જ પ્રાંતમાં આવેલાં છે. લાહોર અહીંનું ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે. આ શહેરમાં મુઘલ શહેનશાહના સમયમાં બાંધેલી ઇમારતો ભવ્ય અને સુંદર છે. તે કાપડ-ઉદ્યોગનું અગત્યનું મથક છે. આ ઉપરાંત અહીં લોખંડ-પોલાદનું તથા રબરનું ઉત્પાદન થાય છે, તેમજ સોના-ચાંદીનો હસ્તકારીગરીનો હુન્નર પણ વિકસેલો છે. શિક્ષણક્ષેત્રે પંજાબ યુનિવર્સિટીનું મથક પણ આ જ પ્રાંતમાં આવેલું છે.

આ જ પ્રાંતમાં આવેલા પાકિસ્તાનના વર્તમાન પાટનગર ઇસ્લામાબાદનું સ્થળ 1959માં પસંદ કરવામાં આવ્યું હતું. 1961થી 1967 દરમિયાન વિશ્વવિખ્યાત સ્થપતિઓ દ્વારા તેનું બાંધકામ કરવામાં આવેલું છે. તે દેશનું વહીવટી તથા ધંધાનું મુખ્ય સ્થળ બની રહેલું છે. ઇસ્લામાબાદથી તદ્દન નજીક માત્ર 14 કિમી. અંતરે આવેલું પ્રાચીન રાવલપિંડી શહેર 1959થી 1967-69 દરમિયાન કામચલાઉ ધોરણે પાકિસ્તાનનું પાટનગર રહેલું. પ્રાચીન સંસ્કૃતિ જ્યાં વિકસેલી તે વિદ્યાધામ તક્ષશિલા પણ આ જ પ્રાંતમાં રાવલપિંડીથી તદ્દન નજીક વાયવ્યમાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા