પંચાલ (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદી) : ભારતનાં સોળ મહાજનપદોમાંનું એક. કુરુની પૂર્વે આવેલું આ જનપદ ગંગા નદી વડે બે ભાગમાં વહેંચાયેલું હતું. ઉત્તર પંચાલનું પાટનગર અહિચ્છત્ર અને દક્ષિણ પંચાલનું કામ્પિલ્ય. અહિચ્છત્ર એ હાલનું બરેલી જિલ્લાનું રામનગર અને કામ્પિલ્ય એ ફર્રુખાબાદ જિલ્લાનું કાંપિલ હોવાનું જણાય છે. કાન્યકુબ્જ (કનોજ) આ જનપદમાં આવેલું હતું. ભારતીય આર્યોની અનેક ટોળીઓમાં પંચાલો કુરુઓ સાથે અગ્રિમ સ્થાન પામ્યા. એમના નામ પરથી મધ્ય દેશ કુરુપંચાલ તરીકે ઓળખાયો.
પંચાલ પ્રદેશમાં જુદા જુદા રાજાઓના અનેક સિક્કા મળ્યા છે. એમાંના ઘણા રાજાઓનાં નામોના અંતે ‘મિત્ર’ શબ્દ આવે છે. એમાં સિક્કાના પૃષ્ઠભાગ પરનું ચિહ્ન ઘણું કરીને તે રાજાના નામનું સૂચન કરે છે. રાજા બૃહત્સ્વાતિમિત્રનો ઉલ્લેખ પભોસા (પ્રયાગ પાસે) ગુફાલેખમાં મળે છે. પંચાલના રાજા ચૂલણી બ્રહ્મદત્તનો નિર્દેશ ‘રામાયણ’, ‘મહા ઉમ્મગજાતક’, ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ અને ‘સ્વપ્નવાસ-વદત્તમ્’માં આવે છે. પંચાલોએ ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદીમાં જનપદ રાજ્ય સ્થાપ્યું હોવાનું જણાય છે.
ભારતી શેલત