પંચાયત-પંચાયતી રાજ : ભારતમાં ગામડાંનો વહીવટ કરતી સંસ્થા અને તેની વહીવટ-પદ્ધતિ. પ્રાચીન સમયથી છેક આધુનિક સમય સુધીના રાજ્યવહીવટના કેન્દ્રમાં હંમેશાં ગામડું રહ્યું છે અને તેનો વહીવટ કરતી સંસ્થાઓ પંચાયતો છે. ‘પંચાયત’ શબ્દના મૂળમાં સંસ્કૃત ભાષાના બે શબ્દો છે : पंच અને आयतनम्. ‘પંચ’ સંખ્યાસૂચક છે, જે પાંચની સંખ્યા દર્શાવે છે. ‘પંચ ત્યાં પરમેશ્વર’ એવી માન્યતા ભારતમાં પ્રાચીન સમયથી રહેલી છે. ઉપરાંત પાંચનો આંક શુભ માનવામાં આવ્યો છે. ‘આયતનમ્’નો અર્થ ‘સ્થળ, જગ્યા કે રહેઠાણ’ થાય છે. આમ, પાંચ વ્યક્તિઓનો સમૂહ અમુક ચોક્કસ જગ્યાએ મળીને સમગ્ર ગામના વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા કરે છે ત્યારે તે પંચાયત તરીકે ઓળખાય છે. હાલ પણ ગામડામાં ચોરામાં કે કોઈ મોટા વૃક્ષની નીચે બેસી ચર્ચા કરતા લોકો જોવા મળે છે. આવી સંસ્થાઓનું નીચેથી ઉપર સુધીનું સુવ્યવસ્થિત વહીવટી માળખું એટલે પંચાયતી રાજ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને કિરાત એમ સમાજની પાંચેય જાતિઓને પંચાયતમાં સમાવવામાં આવેલી છે. આ પાંચેય જાતિઓના પ્રતિનિધિઓ કોઈ સ્થળે મળતા અને ગામના પ્રશ્ર્નોનો નિકાલ સાથે મળીને સહકારથી કરતા.

આ પાંચ જાતિના આગેવાનો કે પ્રતિનિધિઓનું ગામના પ્રશ્ર્નો માટે ચર્ચા કરવા માટે એકઠા થવું  તે કાળે કરીને પંચાયતનું રૂપ પામ્યું.

મહાભારતમાં નારદમુનિએ યુધિષ્ઠિરને રાજ્ય અને પંચાયત વચ્ચેના સંબંધ વિશે એક મહત્વનો પ્રશ્ન પૂછ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. આમ પ્રાચીન ભારતમાં ગામડામાં પંચાયતોનું સ્થાન મહત્વનું હતું અને તેનો દરજ્જો પણ આગવો હતો. તે સમયના ગામડામાં શૂરવીર, ડાહ્યા, શાણા માણસોની પંચાયત બનતી. આ પંચાયત કરવેરા ઉઘરાવવાનું, કોઈ વિવાદ, ઝઘડા થાય તો તેનો ન્યાયી નિકાલ કરવાનું તથા ગામના લોકોની સુખાકારી જળવાય તે જોવાનું કામ કરતી હતી. દ્રવિડ લોકોની જૂની ગ્રામવ્યવસ્થા અને આર્યોના નવા વિચારોના સમન્વયવાળી ગ્રામવ્યવસ્થા પ્રાચીન ભારતમાં વિકાસ પામેલી હતી. ‘મનુસ્મૃતિ’માં ગ્રામસંઘો અંગે તેમજ જાતકકથાઓમાં ગ્રામસભા અંગેના ઉલ્લેખો જોવા મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ સ્થાનિક વહીવટ અને સ્થાનિક સ્વરાજ્ય અંગેની માહિતી છે. શુક્રાચાર્યના ‘નીતિસાર’ ગ્રંથમાં પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રામપંચાયત પાસે વહીવટ તેમજ ન્યાય આપવાની સત્તા સારા પ્રમાણમાં હતી. દક્ષિણ ભારતના કેટલાક ગ્રંથો અને લેખોમાંથી ગ્રામપંચાયતના સભ્યોની ચૂંટણી, કાર્યો, ફરજો, તેમની લાયકાત, ગેરલાયકાત, તેમની સમિતિઓ વગેરે અંગેની માહિતી મળે છે. પરદેશીઓના આગમનને કારણે ગ્રામસમાજોની સત્તા ઘટી. જમીન-મહેસૂલની પદ્ધતિઓમાં પણ વિવિધ ફેરફારો થયા. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં પંચાયતી રાજવ્યવસ્થાના પતનની શરૂઆત થઈ; તેમ છતાં બ્રિટિશ રાજ્યના અમલ દરમિયાન પણ કેટલાક અમલદારોએ ગ્રામપંચાયતને ગ્રામસંસ્કૃતિ ધરાવતી મહત્વની સંસ્થા તરીકે ઓળખાવી છે; જેમ કે બ્રિટિશ ગર્વનર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ-પંચાયતોને ‘નાના પ્રજાસત્તાક એકમો’ તરીકે ઓળખાવી છે. જમીન-મહેસૂલ ઉઘરાવવાનું તથા ગામડામાં નાનામોટા વિવાદોનો ન્યાય આપવાનું કાર્ય ગામડાંઓમાં પંચાયતો કરતી હતી. તે સત્તા છીનવી લેવામાં આવી. રૈયતવારી પદ્ધતિ અમલમાં આવી. ન્યાય માટે અદાલતો સ્થપાઈ એટલે ગ્રામપંચાયતોનાં મહત્વ અને મોભો ઘટ્યાં. બ્રિટિશ સરકારે 1890 અને 1897માં સ્થાનિક સ્વરાજ્ય  અંગે ઠરાવો કર્યા હતા. પરંતુ તેમાં પણ ગામડાંઓને તદ્દન બાકાત રાખવામાં આવ્યાં હતાં. મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ અહેવાલના આધારે 1919ના અધિનિયમથી પ્રાંતીય સરકારોને સ્થાનિક સ્વરાજ્યનો વિષય સોંપવામાં આવ્યો અને ગ્રામપંચાયતોને પુનર્જીવિત કરવાના પ્રયાસો થયા. જુદા જુદા પ્રાંતો-ઇલાકાઓમાં ગ્રામપંચાયતોને લગતા કાયદાઓ થયા. મુંબઈ, વડોદરા, ભાવનગર વગેરે રાજ્યોએ ગ્રામપંચાયતને લગતા નિયમો ઘડ્યા, પણ તેનાં અપેક્ષિત પરિણામો આવ્યાં નહિ.

ગાંધીજીએ સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો અને ગામડાંઓની ખરાબ સ્થિતિ નિહાળી. તેમણે કહ્યું હતું કે ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામપંચાયતો છે. આગળ જતાં તેમણે લખ્યું છે કે પંચાયતો દ્વારા હિન્દુસ્તાનના અસંખ્ય ગ્રામસમાજોનો કારભાર ચાલતો હતો; પરંતુ બ્રિટિશ રાજ્ય શાસનતંત્રે મહેસૂલ વસૂલ કરવાની તેની કઠોર પદ્ધતિથી આ પ્રાચીન ગ્રામપ્રજા-સમાજોનો લગભગ નાશ કરી નાખ્યો. આઝાદી બાદ ભારતનું રાજ્યબંધારણ ઘડતી વખતે ગામડાંના લોકોનો અવાજ રાજ્યના વહીવટીતંત્રમાં યોગ્ય રીતે રજૂ થાય એ માટે વિચારો રજૂ થયા. જોકે બંધારણના ઘડતર-સમયે પંચાયતવ્યવસ્થાને યોગ્ય સ્થાન અને મહત્વ આપવાની બાબતમાં કસર રહી ગઈ હતી. ગાંધીજીએ ત્યારે પણ કહ્યું હતું કે આ ખામી તાકીદે દૂર કરવી જોઈએ અને પંચાયતોને જેટલી બને તેટલી વધુ સત્તાઓ સોંપવી જોઈએ. રાજ્યબંધારણમાં પંચાયતો માટે જોગવાઈ કરવાને બદલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 40માં એમ જણાવવામાં આવ્યું કે પંચાયતોની સ્થાપના માટે રાજ્ય પગલાં લેશે અને સ્થાનિક સ્વરાજ્યના એકમ તરીકે તે કામ કરી શકે તે માટે અધિકારો અને સત્તાઓ સોંપશે. દેશનો યોજનાબદ્ધ વિકાસ કરવા માટે પ્રથમ પંચવર્ષીય યોજના(1951-56)ના મુસદ્દામાં સામૂહિક વિકાસયોજના અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાયોજના જેવી ગ્રામવિકાસની અનેક યોજનાઓ અને કાર્યક્રમો ઉમેરવામાં આવ્યાં. ગ્રામીણ વિસ્તારના વિકાસને માટે અને ગામડાંઓના લોકોનો સહકાર મળી રહે તે માટે 1952માં સમગ્ર દેશમાં સામૂહિક વિકાસયોજના શરૂ કરવામાં આવી; પરંતુ પ્રથમ પંચવર્ષીય યોજના પૂરી થવા આવી ત્યારે ખ્યાલ આવ્યો કે સામૂહિક વિકાસયોજના લોકોની યોજના બનવાને બદલે સરકારી યોજના બની રહી છે. તેથી તેના મૂલ્યાંક્ન માટે 1957માં બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ વહીવટ કરકસરયુક્ત અને કાર્યદક્ષતાથી ચાલે અને વધુ ને વધુ લોકો તેમાં સહભાગી બને તે બે મુદ્દાને નજર સમક્ષ રાખીને 1957માં સરકારને પોતાનો અહેવાલ આપ્યો. આ સમિતિએ લોકશાહી વિકેન્દ્રીકરણના કેટલાક મૂળભૂત અને પાયાના સિદ્ધાંતો પર ભાર મૂક્યો. આ સમિતિએ વિકાસ-કાર્યક્રમોમાં લોકોને ભાગ લેતા કરવા અને ગ્રામકક્ષાએ યોજનાઓ તૈયાર કરી તેમને અમલી બનાવવા જરૂરી સત્તા અને સાધનોવાળી લોકશાહી સંસ્થાઓને જ તમામ જવાબદારીઓ સોંપવી જોઈએ એવું સૂચન કર્યું.

બળવંતરાય મહેતા સમિતિના અહેવાલમાં સમગ્ર દેશ સમક્ષ વહીવટી તંત્રમાં આમૂલ પરિવર્તન સૂચવતો ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’નો એક ક્રાંતિકારી કાર્યક્રમ રજૂ થયો છે. વિકાસકાર્યોમાં લોકોનો સંપૂર્ણપણે સહકાર મળી રહે તે માટે તેમજ સામાન્ય વહીવટ અને વિકાસની કામગીરી જિલ્લાકક્ષાએ અને તેના નીચેના સ્તરે પાયાની લોકશાહી સંસ્થાઓ સંભાળી શકે તેવું વહીવટી તંત્ર ઊભું કરી આપવાના શુભ અને ઉમદા આશયથી પંચાયતી રાજ દાખલ કરવાની ભલામણ કરી. ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ જેવા ભારે શબ્દને બદલે પંડિત જવાહરલાલ નેહરુએ ‘પંચાયતી રાજ’ શબ્દનો ઉપયોગ કર્યો. ઉપરના અહેવાલને આધારે 2 ઑક્ટોબર, 1959ના રોજ રાજસ્થાન રાજ્યના નાગોર ગામમાં પંડિત જવાહરલાલ નેહરુએ પંચાયતી રાજનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ સમગ્ર ભારતમાં પંચાયતી રાજવ્યવસ્થાનો સ્વીકાર થયો. સમગ્ર દેશમાં પંચાયતી રાજમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે ત્રિ-સ્તરીય માળખાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જોકે જુદાં જુદાં રાજ્યોમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી હતી.

(1) ગ્રામપંચાયત : સમગ્ર પંચાયતી રાજના પાયાના એકમ તરીકે ગ્રામપંચાયતનો સ્વીકાર કરવામાં આવેલ છે. ગામની મતદાર-યાદીમાં જેમનાં નામ હોય તે ગ્રામજનો દર પાંચ વર્ષે લાયકાત ધરાવનાર પ્રજાકીય પ્રતિનિધિઓને નિયત સંખ્યામાં ચૂંટે. તેમના દ્વારા ગ્રામપંચાયત બને છે. પંચાયત ગામડામાં પાયાની કાયદેસરની લોકશાહી સંસ્સ્થાનિક સ્વરાજ્યની અગત્યની સંસ્થા છે. 15,000 સુધીની વસતી ધરાવનાર ગામ કે ગામોના જૂથ માટે ગ્રામપંચાયતની રચના કરાય છે. કેટલાંક પરાં, મુવાડા, કસબા, નવી વસાહતો અલગ વહીવટી એકમ થઈ શકે એટલો વિસ્તાર, વસ્તી અને આવકનાં સાધનો ધરાવતાં ન હોય તો તેમને બીજાં નજીકનાં ગામો સાથે સાંકળી લઈ એ બધાંની એક જૂથ ગ્રામપંચાયત રચાય છે. 3,000થી વધુ વસ્તી ન હોય એવા ગામની પંચાયતમાં સાત સભ્યો અને 3,000થી વધુ વસ્તીવાળાં ગામોમાં દરેક હજારે બે વધુ સભ્યો ચૂંટવામાં આવે છે. આમ ગ્રામપંચાયતના સભ્યોની સંખ્યા વસ્તીના ધોરણે સાતથી એકત્રીસ સુધીની હોય છે. ગામમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યો માટે તેમની વસ્તીના ધોરણે તેમને માટે કેટલીક અનામત બેઠકો રખાઈ છે. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોની વસતી હોય ત્યાં ગ્રામપંચાયતોની કુલ બેઠકોના દસ ટકા બેઠકો તેમને માટે અનામત રાખવાની હોય છે. પંચાયતની કુલ બેઠકોમાં બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે. અનુસૂચિત જાતિ, જનજાતિના તેમજ પંચાયતનાં મહિલા-સભ્યો માટે સરપંચનો હોદ્દો વારા પ્રમાણે અનામત રાખવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ સમાજના નબળા વર્ગોને સામાજિક ન્યાય મળે એ માટે આવશ્યક જણાય તેવાં કાર્યો બજાવવા સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત કરવામાં આવે છે. પંચાયતના તમામ સભ્યોની સીધી ચૂંટણી કરવામાં આવે છે; પણ સરપંચને ગામના તમામ લોકો ચૂંટે છે. પંચાયતમાં ચૂંટાયેલ સભ્યો પોતાનામાંથી ઉપસરપંચની ચૂંટણી કરે છે. સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત ચૂંટાયેલ  સભ્યો રજૂ કરે અને  સભ્યો તેને બહાલી આપે તો સરપંચને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. સરપંચ-ઉપસરપંચ સામે નૈતિક અધ:પતનના ગુના સંબંધી ફોજદારી કાર્યવહી કરવામાં આવી હોય અથવા કોઈ ગુનાના કારણે જેલમાં અટકમાં રાખેલ હોય તો તેના હોદ્દા ઉપરથી મોકૂફ કરાય છે. ગ્રામપંચાયતે સ્વાસ્થ્ય, સફાઈ, જાહેર બાંધકામ, શિક્ષણ, ગ્રામરક્ષણ, આયોજન, વહીવટ, સામૂહિક વિકાસ, પશુસંવર્ધન, ગ્રામોદ્યોગ, જમીન મહેસૂલ વસૂલાત વગેરે અનેક ક્ષેત્રોએ કામો કરવાનાં હોય છે. ગામની હદમાં આવતાં મકાનો, જમીનો પરનો વેરો; યાત્રાળુકર; ગામમાં ઉપયોગ-વેચાણ માટે લવાતાં પશુ-પ્રાણીઓ અને માલ પરનો વેરો; મેળા-પર્વો તેમજ બીજાં મનોરંજનો પરનો કર; પાણીનો સામાન્ય કર, સફાઈ-કર, ગટર-વેરો, દીવાબત્તી-વેરો; ગૌચરમાં ઢોર ચરાવવાનો તેમજ જમીન મહેસૂલનો ઉપકર વગેરે દ્વારા ગ્રામપંચાયત આવક ઊભી કરી શકે છે. સરપંચ ગ્રામપંચાયતની કારોબારીના વડા હોય છે. દર મહિને પંચાયતની સભા ભરવામાં આવે છે.

ગ્રામપંચાયતની સાથે સાથે ગ્રામસભા પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પંચાયતના હદવિસ્તારમાં આવતાં તમામ ગામોની મતદારયાદીમાં જેમનું નામ નોંધાયેલું હોય તે તમામ લોકોની ગ્રામસભા બને છે. ગ્રામસભાની દર વર્ષે ઓછામાં ઓછી બે વાર સામાન્ય બેઠકો બોલાવવાની હોય છે. જરૂર લાગે ત્યારે સરપંચ અસામાન્ય સભા બોલાવી શકે છે. તાલુકા કે જિલ્લા પંચાયત ફરમાવે ત્યારે પણ ગ્રામસભાની બેઠક બોલાવવાની હોય છે.

(2) તાલુકાપંચાયત : તાલુકાપંચાયત, પંચાયતી રાજના વચ્ચેના સ્તરે આવેલ ત્રિસ્તરીય માળખાનું એક અગત્યનું અંગ છે. તે જિલ્લા-પંચાયત અને ગ્રામપંચાયત વચ્ચે કડી સમાન છે. તાલુકામાં રહેતા, લાયકાત ધરાવતા મતદારો તાલુકાપંચાયતના સભ્યોને ચૂંટે છે. આ સભ્યો પોતાનામાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. એક લાખથી વધુ ન હોય તેટલી વસ્તીવાળા તાલુકાની તાલુકા-પંચાયત પંદર સભ્યોની હોય છે; પણ જો તાલુકાની વસ્તી એક લાખથી વધુ હોય તો દર 25,000ની વસ્તીએ બે વધુ સભ્યો ચૂંટવામાં આવે છે. વસ્તીના ધોરણે તાલુકાપંચાયતની સભ્ય-સંખ્યા 15થી 31 સુધીની હોય છે. તાલુકાપંચાયતની કુલ બેઠકોની બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. વળી અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્યો માટે તેમની તાલુકામાંની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે તાલુકાપંચાયતોની કુલ બેઠકોની  બેઠકો અનામત રખાય છે. તાલુકાપંચાયતના સભ્યો ઉપરાંત તાલુકાના કે તેના ભાગના કોઈ પણ મતદારવિસ્તારમાંથી ચૂંટાયેલ રાજ્યવિધાનસભાના સભ્ય, તાલુકાપંચાયતના કાયમી નિમંત્રિત ગણાય છે; જેઓ સભામાં હાજર રહી ચર્ચા કરી શકે છે; પણ તેમને મતાધિકાર હોતો નથી. તાલુકાપંચાયતની સામાન્ય સભા દર ત્રણ મહિને એક વાર ભરાય છે. તાલુકાપંચાયતે કારોબારી-સમિતિ ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યો સહિત સમાજના નબળા વર્ગોને સામાજિક ન્યાય મળે તે માટે કાર્ય કરવા સામાજિક ન્યાય-સમિતિની રચના ફરજિયાત કરવાની હોય છે. તાલુકાપંચાયતે સ્વાસ્થ્ય, સફાઈ, શિક્ષણ, બાંધકામ, સમાજશિક્ષણ, સામૂહિક વિકાસ, ખેતીવાડી, પશુસંવર્ધન, ગ્રામોદ્યોગ, સહકાર, સ્ત્રીકલ્યાણ, સમાજકલ્યાણ વગેરેને લગતાં કાર્યો કરવાનાં હોય છે. આ કાર્યો કરવા તાલુકાપંચાયતને સરકાર તરફથી રાજ્યની કુલ મહેસૂલ વસૂલાતના 25 % જેટલી રકમ અનુદાન તરીકે મળે છે. તાલુકાપંચાયતે નાખેલ કરની આવક, રાજ્યસરકારે કે જિલ્લાપંચાયતે ફાળવી આપેલ રકમ, તાલુકાપંચાયતને પ્રાપ્ત થયેલ મિલકતોની આવક અને ઊપજ પણ તાલુકાપંચાયતની આવક બને છે. તાલુકા વિકાસ અધિકારી પંચાયતી કાયદાની જોગવાઈઓ પાર પાડવા અંગેના તેમજ અન્ય કામો કરવા માટેના જરૂરી અધિકારો ધરાવે છે. તાલુકાપંચાયતને દેશભરમાં જુદાં જુદાં નામોથી ઓળખવામાં આવે છે; જેમ કે, ‘તાલુકાપંચાયત’, ‘પંચાયતસમિતિ’, ‘ક્ષેત્રસમિતિ’, ‘તાલુકા ડેવલપમેન્ટ બોર્ડ’, ‘પંચાયત-કાઉન્સિલ’ વગેરે.

(3) જિલ્લા-પંચાયત : પંચાયતી રાજના ત્રિ-સ્તરીય માળખામાં જિલ્લા-પંચાયત સૌથી ઉપરના સ્તરે આવે છે. તેને પણ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે; જેમ કે, ‘જિલ્લા-પંચાયત’, ‘જિલ્લાપરિષદ’, ‘જિલ્લાવિકાસ સમિતિ’ વગેરે. જિલ્લાઓના મતદાન કરવાની લાયકાત ધરાવતા મતદારો જિલ્લા-પંચાયતના સભ્યોને ચૂંટે છે. ચાર લાખથી વધુ ન હોય તેવી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં પંચાયત 17 સભ્યોની બને છે; પણ ચાર લાખથી વધુ વસ્તીવાળા જિલ્લામાં દરેક એક લાખે બે વધારે સભ્યો ચૂંટાય છે. આમ જિલ્લા-પંચાયતના સભ્યોની સંખ્યા 17થી 31ની હોય છે. આ સભ્યો પૈકી મહિલાઓ માટે 33 % બેઠકો તેમજ જિલ્લાની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યો માટે બેઠકો અનામત રખાય છે. જિલ્લા-પંચાયતની કુલ બેઠકોના 10 % બેઠકો સામાજિક-શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગો માટે અનામત રાખવાની હોય છે. જિલ્લા-પંચાયત તથા તેના ભાગમાંના કોઈ પણ મતદાર-વિસ્તારમાંથી ચૂંટાયેલ વિધાનસભાના સભ્યો જિલ્લા-પંચાયતમાં કાયમી નિમંત્રિતો ગણાય છે. તેઓ જિલ્લા-પંચાયતની બેઠકોમાં હાજર રહી ચર્ચા કરી શકે છે, પણ તેમને મતાધિકાર હોતો નથી. ગ્રામપંચાયત અને તાલુકાપંચાયતની જેમ જિલ્લા-પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે. જિલ્લા-પંચાયત વિવિધ સમિતિઓ રચે છે; જેવી કે કારોબારી-સમિતિ, સામાજિક ન્યાય-સમિતિ, શિક્ષણ-સમિતિ, જાહેર આરોગ્ય-સમિતિ, જાહેર બાંધકામ-સમિતિ, અપીલ-સમિતિ, વીસ મુદ્દા કાર્યક્રમ અમલ તથા સમીક્ષા-સમિતિ વગેરે. દરેક સમિતિના સભ્યો પોતાનામાંથી સમિતિના અધ્યક્ષને ચૂંટે છે. જિલ્લા-પંચાયતના પ્રમુખ, જિલ્લા શિક્ષણ-સમિતિના અધ્યક્ષ તથા જિલ્લા ન્યાય-સમિતિના અધ્યક્ષને માનદ વેતન આપવામાં આવે છે. જિલ્લા-પંચાયતનાં કાર્યોમાં આરોગ્યકેન્દ્રો સ્થાપવાં તથા ચલાવવાં; રાષ્ટ્રની શિક્ષણનીતિ અને રાષ્ટ્રીય યોજના મુજબ શિક્ષણનું આયોજન કરવું; પંચાયતોને લગતી માહિતીના આંકડાઓનું સંકલન કરવું; તાલુકાપંચાયતોનું નિયમન અને નિરીક્ષણ કરવું; ખેતીની સઘન યોજનાઓ હાથ ધરવી; ગ્રામોદ્યોગ, નાના ઉદ્યોગોને પુનર્જીવિત કરવા; સમાજ-કલ્યાણની પ્રવૃત્તિઓ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ રીતે જોઈએ તો જિલ્લા-પંચાયતે કાયદો અને વ્યવસ્થા, ખાદ્ય પદાર્થો વગેરેનું જાહેર વિતરણ તેમજ મોટા ઉદ્યોગો સિવાયનાં લગભગ તમામ ક્ષેત્રોમાં કામો કરવાનાં હોય છે. તેની આવકનાં સાધનોમાં મકાનો વગેરેનું ભાડું, મૂડીરોકાણનું વ્યાજ, સ્વભંડોળ વગેરે છે. આ ઉપરાંત કેટલીક રકમો સરકાર જુદી જુદી યોજનાઓના અમલ માટે જિલ્લા-પંચાયત હસ્તક મૂકે છે. જિલ્લા-પંચાયતમાં કલેક્ટર-કક્ષાના પ્રતિનિયુક્તિના ધોરણે એક અધિકારીની સેવાઓ જિલ્લા વિકાસ-અધિકારી તરીકે સરકાર તરફથી ઉપલબ્ધ કરવામાં આવે છે. તેઓ જિલ્લા-પંચાયતની તમામ પ્રવૃત્તિઓના અમલ બાબતે દેખરેખ અને નિયંત્રણ રાખે છે અને જિલ્લા-પંચાયતનાં સઘળાં કામો અને વિકાસયોજનાઓના અમલ માટે જરૂરી પગલાં લે છે. જિલ્લા-પંચાયતના પ્રમુખનો હોદ્દો ખૂબ અગત્યનો અને જવાબદારીભર્યો છે. તેઓ જિલ્લા-પંચાયતના આર્થિક અને કારોબારી વહીવટ ઉપર દેખરેખ રાખે છે.

તાજેતરમાં કેન્દ્ર-સરકારે રાજ્યબંધારણમાં પંચાયતી રાજ અંગેનો 73મો બંધારણીય સુધારો કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. તેની પાછળનો હેતુ દેશના ગ્રામવિસ્તારોમાં પંચાયતી રાજની સંસ્થાઓની અચૂક રચના કરવામાં આવે, તેવી સંસ્થાઓને વૈધાનિક દરજ્જો અને સ્થાન પ્રાપ્ત થાય તેમજ ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે તેવી સંસ્થાઓને પૂરતા અધિકારો, સત્તાઓ, સાધનો ઉપલબ્ધ બને, તે સંસ્થાઓ સાતત્ય, નિશ્ર્ચિંતતા અને સામર્થ્ય મેળવે અને ગ્રામવિસ્તારોના આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયની સ્થાપના કરવામાં તેઓ સક્ષમ થાય તે રહેલો છે. તેના અમલમાં લોકો સક્રિય રીતે ભાગીદાર બની શકે તે આશયથી 73મો સુધારો કરવામાં આવેલો છે. ગાંધીજી, બળવંતરાય મહેતા, અશોક મહેતા, એસ. કે. ડે જેવા પંચાયતી રાજના પ્રખર માર્ગદર્શકો દેશને મળ્યા, જેમણે પંચાયતી રાજને યોગ્ય દિશા આપી. બદલાતા જતા પ્રવાહો સાથે પંચાયતી રાજ કદમ મેળવી શકે તે માટે કેન્દ્ર-સરકાર તથા રાજ્ય-સરકારો પ્રયત્નશીલ રહી છે. આ સંસ્થાઓની નિયમિત થતી ચૂંટણીઓ, નવી યુવાન નેતાગીરીનો ઉદભવ, સમાજના નીચલા સ્તરના લોકોની શ્રદ્ધાપૂર્વકની સામેલગીરી, નવી પરિસ્થિતિઓને અનુરૂપ થવાની અધિકારીઓમાં વધતી ભાવના, પદાધિકારીઓમાં અનુભવને કારણે વધતી જતી કાબેલિયત વગેરે બાબતો પંચાયતી રાજની સફળતા માટે શ્રદ્ધા ઉપજાવે એવી છે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા