પંચશીલ : ભિન્ન ભિન્ન રાજકીય વિચારસરણી અને આર્થિક વિચારધારાઓ ધરાવતા જુદા જુદા દેશો વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વ માટે નિર્ધારિત કરવામાં આવેલી આચારસંહિતા. 1954માં તિબેટની સમસ્યા અંગે ભારત-ચીન વચ્ચે ઐતિહાસિક મૈત્રીકરાર થયા. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ રજૂ કરેલા ‘શાંતિમય સહ-અસ્તિત્વના પાંચ સિદ્ધાંતો’ પર આધારિત આ કરાર પર ભારત-ચીને હસ્તાક્ષર કર્યા હતા.
1955માં એશિયા અને આફ્રિકાનાં સ્વતંત્ર રાષ્ટ્રોનું એક સંમેલન ઇન્ડોનેશિયામાં બાંડુંગ ખાતે યોજવામાં આવેલું, જેમાં 23 એશિયાઈ અને 6 આફ્રિકી દેશો હાજર હતા. તે સમયે ‘શાંતિમય સહ-અસ્તિત્વના પાંચ સિદ્ધાંતો’ને મઠારવામાં આવ્યા અને તેને વ્યાપક સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા. ત્યારથી આ સિદ્ધાંતો ‘પંચશીલ’ તરીકે જાણીતા બન્યા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના પૂર્વે 1941માં એક ખતપત્ર ઘડવામાં આવેલું, જેમાં વિશ્વશાંતિની સ્થાપના અંગે આઠ મુદ્દાઓ રજૂ થયા હતા. લાંબા વિચાર અને ઊંડી સમજને અંતે આ આઠ મુદ્દાઓને જવાહરલાલ નેહરુએ પોતાની રીતે ભારતીય સંદર્ભમાં વ્યક્ત કર્યા. તેમણે તેને કોઈ પણ રાષ્ટ્રના આચરણ માટેનાં અનિવાર્ય પાંચ તત્વો લેખ્યાં, જેની પહેલી રજૂઆત 1954માં અને બીજી રજૂઆત 1955માં ‘પંચશીલ’ સ્વરૂપે થઈ. 1956માં સંયુક્ત રાષ્ટ્રોના 82 સભ્યદેશોએ ભારત દ્વારા રજૂ કરાયેલ આ સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો.
પંચશીલની સમજ કેળવવા માટે આવશ્યક ભૂમિકા લક્ષમાં લેવી ઘટે. પચાસનો દસકો બીજા વિશ્વયુદ્ધની તુરત પછીનો દસકો હતો તો બીજી તરફ એ એશિયા અને આફ્રિકાનાં નવોદિત રાષ્ટ્રોના સ્વાતંત્ર્યનો પ્રારંભકાળ હતો. આ નવોદિત રાષ્ટ્રો પોતાનાં અસ્તિત્વ અને સન્માન અંગે સજાગ, સભાન હતાં. એક રીતે વિચારીએ તો ‘પંચશીલ’ના સિદ્ધાંતો તેમનાં સ્વાયત્ત અસ્તિત્વને અને સ્વમાનને સ્વીકારવાની મથામણ રૂપે હતા અને તેથી તે ત્રીજા વિશ્વના દેશોમાં પ્રારંભથી જ વ્યાપક માન્યતા પામ્યા હતા. એશિયા, આફ્રિકા અને યુરોપનાં બધાં રાજ્યો સમાનતાના ધોરણે પરસ્પર સંપર્ક રાખે એ પાયાની વાત તેમાં વણાયેલી હતી. ‘પંચશીલ’ના સિદ્ધાંતો આ મુજબ હતા :
1. પ્રાદેશિક અખંડિતતાનું સન્માન : જુદાં જુદાં રાષ્ટ્રો-પછી તે નાનાં હોય કે મોટાં – એકબીજાંની પ્રાદેશિક એકતા અને અખંડિતતાનો સ્વીકાર કરે અને પ્રત્યેક રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રો સાર્વભૌમ રાજ્ય તરીકે સ્વીકારી તેની સાથે માનપૂર્વકનો વ્યવહાર કરે.
2. બિનઆક્રમણ : એકબીજાના પ્રદેશ પર, પ્રદેશ મેળવવા કે સત્તા જમાવવા આક્રમણ ન કરવું. આ દ્વારા નાનાં રાષ્ટ્રોને એક પ્રકારનો સધિયારો મળતો હતો અને મોટાં રાષ્ટ્રોની પ્રદેશલાલસા અંકુશિત થતી હતી.
3. બિનદરમિયાનગીરી : કોઈ પણ રાષ્ટ્રની આંતરિક બાબતોમાં અન્ય રાષ્ટ્રે દરમિયાનગીરી ન કરવી. અલબત્ત, કોઈ પણ રાષ્ટ્રના આંતરિક પ્રશ્નને અસર ન થતી હોય ત્યાં સુધી જ બિનદરમિયાનગીરી શક્ય હતી.
4. પરસ્પર લાભ અને સમાનતા : કોઈ પણ દેશના કદને લક્ષમાં લીધા વિના દેશો વચ્ચે પરસ્પર સમાન વ્યવહાર સ્થપાય તે ઇચ્છવાજોગ અને આવશ્યક હતું. ઉપરાંત, રોજબરોજના વ્યવહારમાં પરસ્પર લાભદાયક વ્યવહાર રહે તે બાબત પણ ઇષ્ટ માનવામાં આવી.
5. શાંતિમય સહ-અસ્તિત્વ : કોઈ પણ રાષ્ટ્રના અસ્તિત્વને પૂરા આદર સાથે સ્વીકારવામાં આવે. રાષ્ટ્રો વચ્ચેના મતભેદો શાંતિમય માર્ગે ઉકેલવાના પ્રયાસો જારી રાખવા અને યુદ્ધથી દૂર રહેવું.
રાષ્ટ્રીય હિતનું ઉદાર અર્થઘટન કરી સંઘર્ષ ટાળવા માટે પ્રારંભે ‘પંચશીલ’ના ધોરણે ઘડાયેલી ભારતની આંતરરાષ્ટ્રીય નીતિ અસરકારક રહી, પણ 1962ના ભારત-ચીન યુદ્ધ પછી આ સિદ્ધાંતોમાં રહેલી અવાસ્તવિકતા અને અવ્યવહારુતા ધીમે ધીમે પ્રગટ થતી ગઈ અને પંચશીલના સિદ્ધાંતો બિનજોડાણવાદમાં સમાઈ ગયા.
રક્ષા મ. વ્યાસ