પંચરાત્ર : વૈદિક આગમોનો એક પ્રકાર. ભારતીય સંસ્કૃતિ આગમ (તંત્ર) અને નિગમ (વેદ) – ઉભયમૂલિકા છે. ભારતીય ધર્મસંપ્રદાયો, દર્શનો અને સંસ્કૃતિના સમ્યગ્ જ્ઞાન માટે જેટલું નિગમનું મહત્વ છે તેટલું જ આગમનું પણ છે. બલકે, વર્તમાન બધાં જ ભારતીય ધર્મસંપ્રદાયો, દર્શનો અને સંસ્કૃતિ પર વેદોની અપેક્ષાએ આગમશાસ્ત્રોનો અત્યધિક પ્રગાઢ પ્રભાવ જોવા મળે છે. આગમગ્રંથો શિલ્પ અને સ્થાપત્યના આકરગ્રંથો છે. પુરાણો વેદાર્થની જેમ જ આગમાર્થના પણ ઉપબૃંહક છે.

આગમો બે પ્રકારના છે : વૈદિક અને અવૈદિક. વૈદિક આગમો ત્રિવિધ છે – શૈવ, શાક્ત અને વૈષ્ણવ. વૈષ્ણવ આગમો વૈખાનસ અને પંચરાત્ર નામે બે પ્રકારના છે. તિરુપતિક્ષેત્રમાં ભગવાન શ્રીનિવાસની વૈખાનસ આગમ પ્રમાણે પૂજા થાય છે. શ્રીરંગક્ષેત્રમાં ભગવાન નારાયણની પંચરાત્ર આગમ મુજબ પૂજા થાય છે.

વૈદિકત્વ : વેદથી અવિરુદ્ધ અને વેદના ઉપબૃંહણ રૂપે પંચરાત્ર સંપ્રદાય અને શાસ્ત્રનો પ્રાદુર્ભાવ થયો. મૂળ પાંચરાત્રિકો શુક્લ યજુર્વેદની કાણ્વશાખાના અનુયાયીઓ હતા. પંચરાત્રમાં અર્ચા (મૂર્તિ), અગ્નિ (યજ્ઞ), કુંભ (કળશ) અને મંડલ (યંત્ર) – એમ ચતુર્વિધ આરાધનમાં વૈદિક યજ્ઞનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. દેવતારાધનમાં વૈદિક મંત્રોનું પ્રાચુર્ય પંચરાત્ર સંપ્રદાયનું વૈદિકત્વ પ્રમાણિત કરે છે.

સંપ્રદાય : વૈદિક દેવતાઓમાં વિષ્ણુનું આદિત્યદેવતા તરીકે સ્થાન હતું. શતપથબ્રાહ્મણના સમયમાં નારાયણ દેવતાઓમાં મુખ્ય દેવ તરીકે પ્રતિષ્ઠિત થયા હતા. મહાભારતના ભીષ્મપર્વમાં પરમાત્માને નારાયણ અને વિષ્ણુ કહ્યા છે અને તેમનું વાસુદેવ સાથે એકત્વ પ્રતિપાદિત કર્યું છે. વિષ્ણુ, નારાયણ અને વાસુદેવના ઉપાસકો માટે પ્રાચીન સાહિત્ય અને અભિલેખોમાં ‘વૈષ્ણવ’, ‘ભાગવત’, ‘વાસુદેવક’, ‘પાંચરાત્રિક’ અને ‘એકાંતિક’ શબ્દો પ્રયોજાયા છે.

વાસુદેવ જ્ઞાન, શક્તિ, બલ, વીર્ય, ઐશ્વર્ય અને તેજછ ભગ(ગુણ)થી પરિપૂર્ણ છે. તેથી તેમને ‘ભગવાન’ કહેવામાં આવ્યા છે. ભગવાનનો સંપ્રદાય તે ભાગવત તેમજ ભગવાનના ઉપાસક પણ ભાગવત. ઈ. પૂ.  બીજી સદીના પૂર્વભાગમાં લખાયેલા મધ્યપ્રદેશના બેસનગર(ભિલસા)ના શિલાલેખમાં દેવાધિદેવ વાસુદેવની પ્રસન્નતા માટે પરમ ભાગવત હેલિયોદોરાએ ગરુડસ્તંભ પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ બ્રાહ્મી લિપિમાં પ્રાપ્ત થાય છે. ઈ. પૂ. બીજી સદીમાં લખાયેલા રાજસ્થાનના ઘોસુંડીના શિલાલેખમાં પણ ભાગવત ગાજાયન રાજાએ વાસુદેવના પૂજામંડપની ચારે બાજુ રચેલી દીવાલનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.

ભગવાન વાસુદેવ ભાગવતધર્મના મુખ્ય પ્રવર્તક અને ઉપાસ્ય હોવાથી ભાગવત સંપ્રદાયની વાસુદેવ સંપ્રદાય તરીકે પણ પ્રસિદ્ધિ થઈ, વાસુદેવના અનુયાયીઓ વાસુદેવક કહેવાયા. પાણિનિએ અષ્ટાધ્યાયીમાં  ‘वासुदेवार्जुनाभ्यां वुन्’ સૂત્રમાં વાસુદેવકોનો ઉલ્લેખ કર્યો છે. તે પરથી ઈ. પૂ. પાંચમી સદી સુધીમાં આ સંપ્રદાય ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયો હોવાનું જણાય છે.

મથુરાની આસપાસના શૂરસેન પ્રદેશના યદુકુળના સાત્વતો વાસુદેવના ઉપાસકો હતા. સાત્વતોએ સ્વીકારેલો ભાગવતધર્મ સાત્વત ધર્મ તરીકે પણ ખ્યાત થયો. ઉત્તર ભારતના સાત્વતો શૂરસેનમંડલથી પશ્ચિમ ભારત થઈ દક્ષિણ ભારતમાં જઈ વસ્યા હતા. પૂર્વોત્તર મૈસૂર રાજ્યનો ઈરુનગોવેલ નામનો સેનાપતિ પોતાને દ્વારકાધીશ કૃષ્ણની 49મી પેઢીનો વંશજ ગણાવતો હતો. હાલ પણ પંચરાત્ર સંપ્રદાયનો અત્યધિક પ્રચાર દક્ષિણ ભારતમાં જોવા મળે છે. તિરુપતિ અને મૈસૂરમાં પંચરાત્રશાસ્ત્રનો અર્ચકોને અભ્યાસ કરાવવામાં આવે છે.

દક્ષિણ ભારતના આચાર્યો શંકરાચાર્ય, યામુનાચાર્ય અને રામાનુજાચાર્ય પંચરાત્ર માટે ‘ભાગવત’ શબ્દનો પ્રયોગ કરે છે. ‘પંચરાત્ર’ શબ્દ પ્રથમ વાર ‘શતપથબ્રાહ્મણ’માં યજ્ઞના વિશેષણ તરીકે પ્રાપ્ત થાય છે. મહાભારતના શાંતિપર્વના મોક્ષધર્મના ‘નારાયણીયોપાખ્યાન’માં ‘પંચરાત્ર’ શબ્દ શાસ્ત્ર તરીકે પ્રયોજાયો છે.

નારાયણની અનન્ય શરણાગતિનો પુરસ્કર્તા ભાગવત સંપ્રદાય એકાંતિક ધર્મના નામથી પણ વિખ્યાત છે. મહાભારતમાં મોક્ષધર્મની કથામાં જાણવા મળે છે કે નર અને નારાયણ નામના બે ઋષિઓએ એકાંતિક ધર્મનું પ્રવર્તન કર્યું હતું. તેથી આ સંપ્રદાય નારાયણ સંપ્રદાય અને આ આખ્યાન ‘નારાયણીયોપાખ્યાન’ તરીકે પ્રસિદ્ધ થયાં. નર અને નારાયણને નમસ્કાર કરીને મહાભારતનો પ્રારંભ કરવામાં આવ્યો છે તે મહાભારતકાળમાં નરનારાયણનું મહત્વ સૂચવે છે. ગુપ્તકાળમાં ભાગવતધર્મ ભારતનો પ્રમુખ ધર્મ બની ગયો. આજે પણ આ વૈષ્ણવ સંપ્રદાય વિવિધ શાખાઓમાં વૃદ્ધિ પામી હિન્દુ ધર્મ-સંપ્રદાયોમાં સૌથી વધુ પ્રસાર પામ્યો છે.

શાસ્ત્ર : ગીતામાં પંચરાત્રશાસ્ત્રની ભૂમિકા પ્રાપ્ત થાય છે. ગીતામાં શ્રીકૃષ્ણે પ્રકાશિત કરેલો અવતારવાદ પંચરાત્રશાસ્ત્રનો ઉપજીવ્ય સિદ્ધાંત છે. દાસગુપ્તા ગીતાને ભાગવતોનો – એકાંતિકોનો પ્રાચીનતમ ગ્રંથ ગણાવે છે. ગીતાના ચોથા અધ્યાયના પ્રારંભમાં બતાવેલી યોગીપરંપરા અને મહાભારતના ‘નારાયણીયોપાખ્યાન’ની ભાગવતધર્મ પરંપરાની એકરૂપતાના આધારે ગીતા ભાગવતધર્મનો ગ્રંથ છે તેવો તિલક અને દાસગુપ્તાએ નિર્ણય કર્યો છે. આથી ગીતાને ભાગવતધર્મના મૂળ ગ્રંથનું ગૌરવ પ્રાપ્ત થાય છે.

પંચરાત્રશાસ્ત્રમાં વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નને ચતુર્વ્યૂહ તરીકે ઓળખવામાં આવે છે. ‘નારાયણીયોપાખ્યાન’માં સર્વપ્રથમ ચતુર્વ્યૂહનું વર્ણન પ્રાપ્ત થાય છે. અહીં એકવ્યૂહ, દ્વિવ્યૂહ અને ત્રિવ્યૂહનો પણ ઉલ્લેખ છે, જે સંભવત: ચતુર્વ્યૂહવાદનો વિકાસક્રમ સૂચવે છે. ‘નારાયણીયોપાખ્યાન’માં પંચરાત્રની સંહિતાઓમાં પલ્લવિત ભાગવતધર્મનું સંક્ષિપ્ત મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય છે.

સંપૂર્ણપણે પંચરાત્રના જ વિષયવાળી સેંકડો સંહિતાઓથી પંચરાત્રશાસ્ત્ર સમૃદ્ધ છે. રત્નત્રયના નામથી વિખ્યાત ‘સાત્વત’, ‘પૌષ્કર’ અને ‘જયાખ્ય’  ત્રણ સંહિતાઓ પંચરાત્રશાસ્ત્રની પ્રાચીનતમ સંહિતાઓ છે. સાત્વતસંહિતોક્તવિધિથી યાદવાદિ-(મેલુકોટેકર્ણાટક)માં, પૌષ્કર સંહિતાનુસારે શ્રીરંગક્ષેત્રમાં અને જયાખ્યસંહિતા પ્રમાણે હસ્તિશૈલ(વિષ્ણુકાંચી)માં પૂજા થાય છે. પાંચરાત્રિકો આ સંહિતાગ્રંથોને વેદની જેમ અનાદિકાળથી પ્રવૃત્ત માને છે. વિમર્શકો પ્રાચીનતમ ‘સાત્વતસંહિતા’ને પ્રથમ અથવા દ્વિતીય શતકની રચના માને છે.

પંચરાત્રશાસ્ત્ર સાર્ધકોટિશ્લોકપરિમાણ (દોઢ કરોડ શ્લોકવાળું) છે તેવું ‘પદ્મસંહિતા’માં જણાવ્યું છે. પંચરાત્રશાસ્ત્રની 108 સંહિતાઓની નામાવલિ ‘પદ્મસંહિતા’ વગેરેમાં પ્રાપ્ત થાય છે. વિભિન્ન સંહિતાઓમાં આવેલી વિવિધ નામાવલિઓમાંથી પુનરાવર્તિત સંહિતાનામો બાદ કરવાથી અને નવાં નામો ઉમેરવાથી અને અન્ય ગ્રંથોમાં થયેલા નામોલ્લેખોનો પણ સંગ્રહ કરવાથી પંચરાત્રની સંહિતાઓનાં 460 નામો પ્રાપ્ત થાય છે. તેમાંથી 37 સંહિતાઓ પ્રકાશિત થઈ છે. 110 સંહિતાઓ હસ્તલિખિત ગ્રંથાગારોમાં સુરક્ષિત છે અને 313 સંહિતાઓ નામશેષ છે. આ સંહિતાઓ મહદંશે પદ્યમાં છે. ‘વિશ્વક્સેન સંહિતા’, ‘શેષ-સંહિતા’ વગેરેમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ગદ્યાંશ પણ પ્રાપ્ત થાય છે. આ સંહિતાઓ પુરાણોની જેમ પ્રશ્ર્નોત્તરાત્મક શૈલીમાં ગ્રથિત થયેલી છે.

નારદપંચરાત્ર : ભગવાન નારાયણ પાસેથી સાંભળીને નારદજીએ પંચરાત્રનો પ્રસાર કર્યો તેથી પંચરાત્રશાસ્ત્ર ‘નારદપંચરાત્ર’ કહેવાયું એમ ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતમાં(92.2)થી જાણવા મળે છે. પંચરાત્રની મુદ્રિત અને હસ્તલિખિત કેટલીક સંહિતાઓમાં ‘નારદપંચરાત્રની આ સંહિતા છે’ તેવા અર્થનાં વિશેષણો શીર્ષકમાં અને પુષ્પિકાઓમાં પ્રાપ્ત થાય છે.

પુરાણો પર પણ પંચરાત્રનો પ્રભાવ જણાય છે. વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણ પંચરાત્રાનુપ્રાણિત છે. ‘નારાયણીયોપાખ્યાન’ની ઉપરિચરવસુની કથાનો અને ભાગવતધર્મનો અનુવાદ કરતું સ્કંદપુરાણના વૈષ્ણવખંડમાં રહેલું ‘વાસુદેવમાહાત્મ્ય’ પંચરાત્રશાસ્ત્રનું પૌરાણિક ગ્રંથરત્ન છે.

પ્રામાણ્ય : બ્રહ્મસૂત્રના ‘ઉત્પત્ત્યસંભવાધિકરણ’ના (2.2.8) ભાષ્યમાં શંકરાચાર્યે પંચરાત્રમતના કેટલાક અંશોનું નિરાકરણ કર્યું છે. શંકરાચાર્યે કરેલા આંશિક નિરાકરણનું યામુનાચાર્યે ‘આગમપ્રામાણ્ય’માં અને રામાનુજાચાર્યે ‘શ્રીભાષ્ય’માં સર્વથા પ્રત્યાખ્યાન કરી પંચરાત્રનું પરમ પ્રામાણ્ય પ્રસ્થાપિત કર્યું છે. મહાભારતમાં (12, 322. 3539, 69) સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને જીવ, મન અને અહંકાર નહિ; પરંતુ તેમના અધિષ્ઠાતા માનવામાં આવ્યા છે. પંચરાત્રના પ્રાચીન મતના અજ્ઞાનના લીધે શંકરાચાર્યે પંચરાત્રમતનું આંશિક નિરાકરણ કર્યું છે એમ રામાનુજાચાર્યે ‘શ્રીભાષ્ય’માં લખ્યું છે. રામાનુજાચાર્યના મતે ‘ઉત્પત્ત્યસંભવાધિકરણ’નાં પ્રથમ બે સૂત્રો પૂર્વ પક્ષનાં અને પછીનાં બે સૂત્રો ઉત્તર પક્ષનાં છે. `विज्ञानादिभावे वा तदप्रतिषेध:’ તૃતીય સૂત્રના ‘વા’ શબ્દથી આ પક્ષપરિવર્તન જ્ઞાપિત થાય છે. આમ રામાનુજાચાર્યે પ્રથમ બે સૂત્રોમાં પંચરાત્રનાં અપ્રામાણ્યની આશંકા અને અંતિમ બે સૂત્રોમાં શંકાનું નિરાકરણ કરી પંચરાત્રનું અવિચાલ્ય પ્રામાણ્ય પ્રસ્થાપિત કર્યું છે. વેદાંતદેશિકે ન્યાયપરિશુદ્ધિમાં અને ઉત્તમૂર વીર રાઘવાચાર્યે ‘શ્રીપંચરાત્રપારમ્યમ્’ ગ્રંથમાં પંચરાત્રનું પ્રામાણ્ય સિદ્ધ કર્યું છે.

વિષય : ‘પંચરાત્ર’ શબ્દની વિવિધ નિરુક્તિઓ પ્રાપ્ત થાય છે. ‘અહિર્બુધ્ન્યસંહિતા’માં આપેલી નિરુક્તિ આ પ્રમાણે છે : ‘રાત્ર’ શબ્દનો અર્થ જ્ઞાન છે. વાસુદેવના પર, વ્યૂહ, વિભવ, અર્ચા અને અંતર્યામી – પાંચ સ્વરૂપોનું જ્ઞાન જેમાં છે તે શાસ્ત્ર એટલે પંચરાત્ર. ‘પંચરાત્ર’ શબ્દની આ નિરુક્તિ સર્વથા યોગ્ય છે એમ શ્રેડર, ભટ્ટાચાર્ય અને નરસિંહાચાર્ય જેવા વિદ્વાનોનો મત છે. ચતુર્વ્યૂહ, વિશાખયૂપ, અવતાર, મંદિર, મૂર્તિવિધાન, મૂર્તિપૂજા, મૂર્તિપ્રતિષ્ઠા, ઉત્સવ, પંચકાલપ્રક્રિયા-પંચરાત્રના પ્રધાન વિષયો છે. પંચરાત્રાગમોમાં સમૂર્તારાધનાનું સાંગોપાંગ વિવેચન પ્રાપ્ત થાય છે. પંચરાત્રશાસ્ત્રમાં પરબ્રહ્મની સગુણતા અને સાકારતા, જીવનું અણુત્વ, જગતની સત્યતા અને મુક્તિસાધનોમાં ભક્તિનું, શરણાગતિનું પ્રાધાન્ય પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ‘પદ્મસંહિતા’ના જ્ઞાનપાદ, યોગપાદ, ક્રિયાપાદ અને ચર્ચાપાદમાં પંચરાત્રશાસ્ત્રના સર્વ વિષયો વિભાગશ: નિરૂપાયેલા છે.

સ્વામિનારાયણ સંપ્રદાય : પંચરાત્રની સંહિતાઓમાં માનસયાગ અને બાહ્યયાગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે પંચરાત્રના માનસયાગને માનસી પૂજા રૂપે પ્રવર્તાવ્યો છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ રોજ પાંચ સમય માનસી પૂજા કરે છે. પંચરાત્રના પૌરાણિક ગ્રંથરત્ન ‘વાસુદેવ-માહાત્મ્ય’ને ભગવાન સ્વામિનારાયણે પોતાનું પ્રિયતમ શાસ્ત્ર ગણાવ્યું છે. વળી તેમણે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્રશાસ્ત્રને પ્રમાણભૂત શાસ્ત્ર તરીકે સ્વીકારીને ચારેયનો પરબ્રહ્મમીમાંસામાં સફળ સમન્વય સાધ્યો છે. ઉપર્યુક્ત ચાર શાસ્ત્રો પૈકી પંચરાત્રશાસ્ત્રમાં પ્રસ્ફુટ પ્રકાશિત પરબ્રહ્મના સદા દિવ્ય સાકાર સ્વરૂપમાં ભગવાન સ્વામિનારાયણે વિશેષ રુચિ દર્શાવી છે.

સાધુ રસિકવિહારીદાસ