પંચમહેલ, ફતેહપુર સિક્રી (સોળમી સદી) : ફતેહપુર સિક્રીના રાજવી સંકુલમાં આવેલ મહેલ. પાંચ માળને કારણે તે પંચમહેલ તરીકે ઓળખાય છે. જોધાબાઈના મહેલના પચીસી ચોકની પશ્ચિમે આવેલ પાંચ માળનો મહેલ સ્થાપત્યકલાનું નમૂનેદાર ઉદાહરણ છે. અકબર રાજાની રાણીઓને ગરમીમાં શીતળતા આપવા માટે તથા ચંદ્રદર્શન માટે ખાસ પ્રયોજવામાં આવેલ છત્રીઓ અને સ્તંભોનું રસપ્રદ સંયોજન આ મહેલમાં છે. તેના ખુલ્લા ખુલ્લા સ્તંભો અને છત્રીવાળા આયોજનના કારણે રાણીઓ અને રાજા આ મહેલનો હવા ખાવાના સ્થાન તરીકે ઉપયોગ કરતાં હતાં અને તેથી જ આ મહેલને હવામહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પાંચ માળના મહેલમાં દરેક માળ પોતાની ખાસ રચના ધરાવે છે અને એકબીજાથી ભિન્ન છે. ભોંયતળિયે 84 સ્તંભો છે, જે ક્રમશ: ઉપર જતાં ઘટતા જાય છે અને અગાસીનો ભાગ વધતો જાય છે અને છેક ઉપરના માળે ચાર જ સ્તંભોવાળી છત્રી રહે છે. આ મહેલ વિ-સંમિતતા (asymmetry) દર્શાવતા પશ્ચિમ અને ઉત્તર તરફના ભાગો ઉપર જતાં ઘટે છે, જ્યારે પૂર્વ અને દક્ષિણ તરફ સળંગ પાંચ માળ ઉપર જાય છે. આમ પિરામિડ જેવી રચના તથા દરેક માળ પર છત સાથે છત્રીઓની રચના આ પંચમહેલને રાજવી વિલાસનું સ્થાપત્યકલાની દૃષ્ટિએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બનાવે છે. દરેક માળ પર છત્રીની જે રચના છે તેનાથી સ્થાપત્યકીય સૌંદર્ય ઉપસી આવે છે. નાલંદા અને બૌદ્ધ સ્થળોએ જોવા મળતા બૌદ્ધ વિહારોથી પંચમહેલની રચના પ્રેરિત હોય તેવું મનાય છે.
રૂપલ ચૌહાણ