પંચમહાલ : ગુજરાત રાજ્યના પૂર્વભાગમાં આવેલો આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ પૈકીનો એક. ભૌ. સ્થાન : 22o 45’ ઉ. અ. અને 73o 36’ પૂ. રે.ના આજુબાજુ આ જિલ્લો વિસ્તરેલો છે. આ જિલ્લામાં ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવાહડફ અને શહેરા જેવા સાત તાલુકાઓથી બનેલો છે. તેનો કુલ વિસ્તાર 3,272 ચોકિમી. છે. આ જિલ્લાની કુલ વસ્તી 23,88,267 (2011) જેટલી છે. આ જિલ્લામાં કુલ 600 ગામડાં આવેલાં છે. જેનું જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 70,8 % જેટલું છે. આ જિલ્લામાં આદિવાસી વસ્તીનું પ્રમાણ અધિક હોવાથી તે ‘ભીલોનો જિલ્લો’ ગણાય છે.

આ જિલ્લાની ઉત્તરે  મહીસાગર, પૂર્વમાં દાહોદ, અગ્નિદિશાએ છોટાઉદેપુર, નૈર્ઋત્ય દિશાએ વડોદરા તથા પશ્ચિમે ખેડા જિલ્લાની સીમાઓ આવેલી છે.

ભૂપૃષ્ઠ : પંચમહાલનો પ્રદેશ નીચાણવાળા સપાટ ભૂમિમાર્ગમાંથી ઉત્તર તરફ અરવલ્લીની તથા પૂર્વ તરફ વિંધ્યાચળ તળેટી ટેકરીઓમાં ફેરવાતો જાય છે, જિલ્લામાં સ્થાનભેદે જંગલો વિસ્તરેલાં છે, હાલોલથી સાત કિમી. દૂર પાવાગઢ ડુંગર આવેલો છે, જેની ઊંચાઈ સમુદ્રસપાટીથી 850 મી. જેટલી છે.  હાલોલ અને ગોધરા તાલુકાઓમાં 200-300 મીટર ઊંચી ટેકરીઓ વિસ્તરેલી છે. હાલોલ, કાલોલ અને ગોધરા તાલુકાઓનો કેટલોક ભાગ સમતળ છે. અહીંથી વહેતી મહી અને પાનમ નદીઓના ખીણ-પ્રદેશો પણ લગભગ સપાટ છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન હાલોલ નજીકની ટેકરીમાં રહેલું છે.

આબોહવા : આ જિલ્લો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ રહે છે. મે માસ સૌથી વધુ ગરમ અને જાન્યુઆરી સૌથી વધુ ઠંડો રહે છે. મે માસનું તાપમાન વધીને 44o સે. જેટલું અને જાન્યુઆરીમાં તે ઘટીને 12o સે. જેટલું થાય છે. વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ 750 મિમી. જેટલું રહે છે.

વનસ્પતિ : આ જિલ્લાનો કેટલોક વિસ્તાર સૂકાં પર્ણભાતિ વૃક્ષોથી છવાયેલો છે. જિલ્લાનો કેટલોક ભાગ જંગલોથી આચ્છાદિત છે. આ જંગલોમાં સાગ, સાદડા, મહુડો, ખેર, ધાવડો, રોહણ, કલમ, સેવન, શીમળો, ટીમરું, બાવળ, બોરડી, વાંસ જેવાં ઇમારતી તથા બળતણના લાકડાં આપતાં વૃક્ષો જોવા મળે છે. જંગલો જમીનોનું ધોવાણ અટકાવે છે. તથા જમીનમાં ભેજ અને ફળદ્રુપતા ટકાવી રાખવામાં મદદરૂપ બની રહે છે. જાંબુઘોડા અને શિવરાજપુર ખાતે દીપડાનું અભયારણ્ય પણ છે.

પ્રાણીજીવન : જંગલ વિસ્તારમાં દીપડા, રીંછ, જલગાય, જંગલી ભુંડ, શાહૂડી, સસલાં, વાનર, શિયાળ, ચિતળ, ચિંકારાં જેવાં જંગલી પ્રાણીઓ વસે છે. પાલતું પ્રાણીઓ પૈકી ભેંસ, ગાય, બળદ અને ઘેટાંબકરાં મુખ્ય છે. આદિવાસીઓ અને મુસલમાનો મરઘાંપાલન કરે છે. જિલ્લામાં વિવિધ જાતનાં પક્ષીઓ પણ જોવા મળે છે.

ખનિજસંપત્તિ : આ જિલ્લામાં મૅંગેનિઝ, અગ્નિજિત માટી, ક્વાર્ટ્ઝ, કંકર અને રેતી જેવાં ખનિજો તથા નાઇસ, રેતીખડક, બેસાલ્ટ, ક્વાર્ટ્ઝઇટ અને ગ્રૅનાઇટ મળી રહે છે. ગોધરાથી 16 કિમી. દૂર ટૂવા ખાતે ગરમ પાણીના ખનિજીય ઝરા આવેલા છે.

ખેતી : આ જિલ્લામાં મકાઈ, બાજરી, જુવાર, કઠોળ, ઘઉં અને ડાંગર જેવા ખાદ્યપાકોનું તથા શેરડી, મગફળી, તલ, કપાસ અને ઘાસચારા જેવા રોકડિયા પાકોનું વાવેતર થાય છે. ખેતીના વિકાસ માટે કૂવા-તળાવ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે.

ઉદ્યોગો : આ જિલ્લામાં રૂની જિનિંગ, પ્રેસિંગ મિલો, તેલમિલો, કાપડ બનાવવાના નાના એકમો, દવાઓ, રસાયણો, રબર અને પ્લાસ્ટિક, વાહનો બનાવવાના એકમો, યંત્ર-સામગ્રી, વીજળીનાં સાધનોનાં ઉપકરણો, લાકડાની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં આવેલાં છે. હાલોલ ખાતે ચિત્રપટ ઉદ્યોગનો સ્ટુડિયો આવેલો છે. કાલોલમાં ‘સેઝ’ (સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન)નો વિસ્તાર આવેલો છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા ગરમ પાણીના ઝરા

પરિવહન-સંદેશાવ્યવહાર : આ જિલ્લામાં ધોરી માર્ગ, જિલ્લામાર્ગો અને ગ્રામીણ માર્ગો છે. દિલ્હી અને મુંબઈને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગો આ જિલ્લામાં થઈને પસાર થાય છે. સંદેશાવ્યવહારને સાંકળતાં કેન્દ્રો આવેલાં છે.

વસ્તી અને લોકો : પંચમહાલ જિલ્લાની કુલ વસ્તી આશરે 23,99,267 (2011) આ જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, શીખ વગેરે જાતિના લોકો વસે છે. આદિવાસીઓ પૈકી ભીલ, રાઠવા અને નાયકાનું પ્રમાણ અધિક છે. કેટલાક લોકો ખાણઉદ્યોગ, મરઘાંઉછેર, મચ્છીમારી, વેપાર, નોકરી તથા પરિવહન ક્ષેત્રે રોકાયેલા છે.

આ જિલ્લામાં શિક્ષણ માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચમાધ્યમિક તેમજ કૉલેજોની સગવડ છે. આ સિવાય તક્નીકી શાળા, ખેતીવાડીની શાળા, અંધશાળા, સંસ્કૃત પાઠશાળા, મદરેસા તેમજ પુસ્તકાલયોની સગવડ પણ છે. આ ઉપરાંત આદિવાસીઓના વિકાસ માટે કેટલીક આશ્રમશાળાઓ પણ આવેલી છે.

ઐતિહાસિક માહિતી : આઝાદીપૂર્વે ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ જેવા પાંચ મહાલો ભેગા કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી હતી. ઈ. સ. 2011 પછી જિલ્લાની પુનર્રચના કરવામાં આવતાં પંચમહાલ જિલ્લામાંથી દાહોદ અને મહીસાગર જિલ્લાઓ છૂટા પાડવામાં આવ્યા છે.

આ જિલ્લામાં ઘણાં જોવાલાયક સ્થળો આવેલાં છે. પાવાગઢ ડુંગર અને એના પરનું મહાકાળીમંદિર, પાવાગઢની તળેટીમાં આવેલું પ્રાચીન શહેર ચાંપાનેર (UNESCO દ્વારા ઘોષિત કરાયેલ ઐતિહાસિક સ્મારક), ટૂવા ખાતે આવેલા ગરમ પાણીના ઝરા, પ્રાચીન શિવમંદિર, જામી મસ્જિદ વગેરે. ટેકરીની તળેટીની સૌથી ઊંચી ટોચ પર આવેલ મંદિર સુધીનો માર્ગ લગભગ 5 કિમી. છે. યાત્રાળુઓની સગવડ માટે ‘રોપ-વે’ પણ ઉપલબ્ધ છે.

નીતિન કોઠારી