પંચગની (Panchgani) : મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં મહાબળેશ્વર (17o 55′ ઉ. અ. અને 73o 45′ પૂ. રે.) નજીક પૂર્વ તરફ 18 કિમી. અંતરે આવેલું ગામ, ગિરિમથક, આરોગ્યધામ તેમજ પ્રવાસી સ્થળ. તે પુણેથી 100 કિમી.ને અંતરે સુરુલમહાબળેશ્વર માર્ગ પર સહ્યાદ્રિની હારમાળામાં 1313 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંથી 45 કિમી.ને અંતરે આવેલું વાથાર નજીકનું રેલમથક છે. તે ગિરિમથક હોઈને પુણે અને વાથાર સાથે રાજ્ય-પરિવહનની બસોથી સંકળાયેલું છે. સહ્યાદ્રિ ટેકરીઓનો આ ભાગ ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠવાળો હોવાથી તેનું મથાળું સમતળ સપાટ છે.
અગાઉનાં રજવાડાંનાં બાળકોની કેળવણી માટે તે પ્રસિદ્ધ બનેલું છે. અહીં ભૂતકાળમાં કોઈ સંતપુરુષે આશ્રમ સ્થાપી પંચાગ્નિની ધૂણીનું સેવન કરેલું હોવાથી તે ‘પંચાગ્નિ’ તરીકે ખ્યાતિ પામેલું; પરંતુ પછીથી ‘પંચગિની’ અને હવે ‘પંચગની’ તરીકે જાણીતું બન્યું છે.
અહીં આબોહવા ખુશનુમા રહેતી હોવાથી તે `ભારતના સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાય છે. ઊંચાઈની સરખામણીમાં તે મહાબળેશ્વરથી માત્ર 60 મીટર ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીંની આબોહવા પ્રમાણમાં સૂકી અને ઠંડી છે. સરેરાશ દૈનિક તાપમાન 17o સે. જેટલું રહે છે. દિવસ-રાત્રિના તાપમાનનો ગાળો 6 o સે. જેટલો રહે છે. વરસાદની સરેરાશ 1400 મિમી. જેટલી રહે છે. તે આજુબાજુની ઊંચી ટેકરીઓથી ઘેરાયેલું હોવાથી પૂર્વ તરફથી વાતા પવનોથી રક્ષાયેલું રહે છે. આબોહવાની અનુકૂળતાને કારણે અહીં આરોગ્યધામ (સૅનેટોરિયમ) વિકસાવવામાં આવેલું છે. આજુબાજુની ખીણોનાં સુંદર દૃશ્યો, હરિયાળાં ખેતરો બારે માસ અવરજવર કરનારા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
ભૂસ્તરીય દૃષ્ટિએ અહીંનો આખોય ઉચ્ચપ્રદેશ જ્વાળામુખીજન્ય ટ્રૅપ (બેસાલ્ટ) ખડકોથી બનેલો છે. ઉચ્ચપ્રદેશના મથાળા પરનું ભૂમિ-આવરણ લાલાશ પડતા કથ્થાઈ રંગની પડખાઉ (લેટરાઇટિક) પ્રકારની જમીનથી છવાયેલું છે.
અહીં નર્સરીઓ આવેલી છે; જ્યાં વિદેશી વનસ્પતિઓ, વૃક્ષો અને ક્ષુપ ઉગાડવામાં આવે છે. ઇંગ્લિશ બટાટકા, જરદાલુ, નાસપાતી અને બ્લૅકબેરી અહીંની આબોહવામાં સારી રીતે થાય છે. પંચગનીની કૉફી લંડનના દલાલોની માનીતી કૉફી છે. મીઠી હાથીસૂંઢી અને વિલાયતી મહેંદી વિપુલ પ્રમાણમાં થાય છે. ભારતમાં ભાગ્યે જ થતી એવી રાસ્પબરીની જાત અહીં થાય છે. વાડ પર થતાં ગુલાબથી પ્રવાસીઓની આંખો આનંદિત થઈ ઊઠે છે; એક જ પુષ્પગુચ્છમાં 60-70 જેટલાં ગુલાબ અહીં સામાન્ય છે. પંચગનીનો વિસ્તાર આમેય સુંદર અને હરિયાળો તો છે જ, છતાં ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં તે સુંદરતમ બની રહે છે. આ સમયે લાલ, વાદળી અને સફેદ પિમ્પર્નલ (Anagalis), બટરકપ અને જંગલી વટાણા અહીંની ટેકરીઓ પર છવાઈ જાય છે. સમતળ મેદાનોમાં મખમલી બ્લૂ બૉનિટ અને સ્ટારગ્રાસ જાજમની જેમ પથરાઈ જાય છે.
પંચગની ગામ અને આજુબાજુ વસતા લોકોની વસ્તીનો અંદાજ લગભગ 13,280 (2011) જેટલો મૂકી શકાય. અહીં રહેતા લોકો પૈકી કેટલાક ખેતીના વ્યવસાયમાં, કેટલાક વાહનવ્યવહારમાં, તો કેટલાક અન્ય છૂટક કામો કરે છે.
1910 પહેલાં પંચગનીનો વહીવટ મહાબળેશ્વરના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા કરવામાં આવતો હતો. હવે તેનો વહીવટ જિલ્લા-મ્યુનિસિપાલિટી દ્વારા થાય છે. અહીં વસતા લોકો માટે પીવાનું પાણી જાહેર તેમજ ખાનગી કૂવાઓમાંથી મેળવાતું હતું; પરંતુ હવે રાજ્ય સરકાર તરફથી પાણી અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામ અને આજુબાજુના વિસ્તારમાં આવેલા પાકા અને કાચા રસ્તાઓની લંબાઈ 13 કિમી. જેટલી છે. ગામમાં શાકમાર્કેટ, ઇંગ્લિશ માધ્યમની શાળાઓ, પ્રાથમિક શાળાઓ તેમજ કન્યા-વિદ્યાલય, મ્યુનિસિપલ હૉસ્પિટલ, સૅનેટોરિયમ, શાકાહારી-બિનશાકાહારી હોટેલો, બગીચાઓ અને બાલવાટિકાની સગવડ છે. ઉચ્ચપ્રદેશીય સમતળ મથાળા પર સીડની પૉઇન્ટ, કંગા પૉઇન્ટ, કાચબાવાડી પૉઇન્ટ સહેલાણીઓ માટે વિકસાવવામાં આવેલાં છે. લોકવાયકા મુજબ મથાળાને દક્ષિણ છેડે ‘Devil’s Kitchen’ હોવાનું કહેવાય છે. અહીંથી છ-સાત કિમી.ને અંતરે રાજાપુરીની ગુફાઓ આવેલી છે. ત્યાં કાર્તિક સ્વામીનું મંદિર આવેલું છે. રાજ્ય-પરિવહન તરફથી સુરુલ-મહાબળેશ્વર માર્ગ પર બસસ્ટૅન્ડ તથા વિશ્રામગૃહ બાંધવામાં આવેલાં છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં અહીં ઘાટજાઈ દેવી(પંચગની પર્વતની દેવી)ના માનમાં ખેતીની લણણી બાદ મેળો ભરાય છે. આજુબાજુનાં ગામોમાંથી મેળો માણવા આવતા લોકો દેવીની મૂર્તિ લઈને ઢોલ વગાડતાં વગાડતાં નાચે છે અને આનંદ કરે છે.
ગિરીશભાઈ પંડ્યા