પંચજન (पञ्चजना:) : ઋગ્વેદ-કાલીન પાંચ જાતિઓ. આ પાંચ માનવજાતિ-કુળ કયાં તે અંગે વિવાદ છે. ભારતીય અને પાશ્ચાત્ય પંડિતોના અભિપ્રાય ભિન્ન છે. ઋગ્વેદમાં તેમને पञ्चमनुष्या:, पंञ्चचरण्या: તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે દાશરાજ્ઞ યુદ્ધમાં ભાગ લીધો હતો તેવો પણ એક મત છે. ઐતરેય બ્રાહ્મણ સર્વપ્રથમ વખત પંચજનમાં દેવ, માનવ, ગાંધર્વ (અપ્સરા), પિતૃ તથા નાગનો સમાવેશ કરે છે. ઔપમન્યવ ઋષિ અને સાયણ પંચજન એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તેમજ નિષાદ (પ્રાચીન ભારતીય માનવજાતિ – આદિવાસી) – એમ સ્વીકારે છે. નિરુક્તકાર યાસ્ક – (ઈ. પૂ. 700) પંચજનમાં પિતૃ, દેવ, અસુર, રાક્ષસ અને ગાંધર્વ જાતિ – એવો અર્થ કરે છે. જર્મન વિદ્વાનો રૉથ અને ગેલ્ડનર આર્ય અને ચાર દિશાઓ(પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ)માં વસતા મૂળ નિવાસીઓ એમ માને છે. દક્ષિણ દિશા એટલે વિંધ્ય પર્વતની ઉત્તરનો ભાગ. તેમના મતે સપ્તસિંધુથી ગંગાયમુના નદીની વચ્ચેનો પ્રદેશ. ઝીમર (જર્મન) સરસ્વતી નદીને કિનારે વસનારી પાંચ આર્યજાતિઓ અનુ, દ્રુહ્યુ, યદુ, તુર્વસ્ અને પુરુ માને છે. તેઓ ભરત-કુળ સાથે યુદ્ધ લડ્યા હતા અને હારી ગયા હતા. અનુકાલીન યુગમાં તુર્વસ્ અને પુરુ જાતિ એક મિશ્રજાતિ બની ગઈ હતી. હૉપકિન્સ આ યાદીમાં તુર્વસ્ને સ્વીકારતા નથી. તેમના મતે યદુ અને તુર્વસ્ એક જ છે. કાઠકસંહિતા (v. 6, XXXII-6) અને બૃહદ આરણ્યક ઉપનિષદ ‘પંચજના:’ એટલે ‘પંચમનુષ્યા:’ એમ સામાસિક શબ્દ સ્વીકારીને વર્ગીકરણ કરતાં નથી. મૅકડોનલ અને મ્યુર મૂળ સંસ્કૃત ઉદ્ધરણગ્રંથમાં પાંચ માનવજાતિનો ઉલ્લેખ કરે છે. વેબર (જર્મન) પાંચાલકુરુ પ્રદેશમાં વસતાં પાંચ માનવકુળો જે પાંચાલ તરીકે જાણીતાં બન્યાં હતાં તેમનો ઉપર્યુક્ત સંદર્ભમાં નિર્દેશ કરે છે.

ક. મા. મુનશી પંચજનને આધારે પાંચજન્ય જાતિનો ઉલ્લેખ અભારતીય સાગરખેડુ પ્રજા તરીકે કરે છે. તેમણે પુરાણનો આધાર લીધો છે. તે લોકો આર્યો ન હતા; પણ અરબી સાગરના સામા કિનારે વસનારા, આર્ય સંસ્કૃતિના વિરોધી અને કેવળ વેપાર અને સંપત્તિમાં રસ ધરાવનારા કોઈ અભારતીય માનવજાતિના હતા તેમ જણાવે છે અને શ્રીકૃષ્ણના પ્રસિદ્ધ પાંચજન્ય શંખ સાથે કાલ્પનિક સંબંધ જોડે છે. (કૃષ્ણાવતાર).

વિનોદ મહેતા